મારા સિવાય કોઈ બીજું… તમિલનાડુના CM બન્યા બાદ થલાપતિ વિજયે કરી મોટી જાહેરાત

Tamil Nadu CM: તમિલનાડુમાં ચાર દિવસ સુધી ચાલેલી રાજકીય ઉથલપાથલ અને સસ્પેન્સ બાદ આખરે વિજયે મુખ્યમંત્રી પદની શપથ લીધી. બ્લોકબસ્ટર ફિલ્મ જેવી રાજકીય હલચલ બાદ સત્તા સુધી પહોંચેલા વિજયે પોતાના પ્રથમ સંબોધનમાં સ્પષ્ટ કરી દીધું કે તમિલનાડુમાં સત્તાનું માત્ર એક જ કેન્દ્ર રહેશે અને તે પોતે છે.
મુખ્યમંત્રી બન્યા બાદ વિજયે કહ્યું કે, “મારા સિવાય કોઈ બીજું શક્તિ કેન્દ્ર નહીં હોય. સત્તાનું એકમાત્ર કેન્દ્ર હું જ રહીશ.” તેમના આ નિવેદનને ગઠબંધનના સાથીદારો અને રાજકીય વિરોધીઓ બંને માટે મોટો સંદેશ માનવામાં આવી રહ્યો છે.
ખોટું કરવાના ઇરાદા છોડી દેવા
વિજયે પોતાના સંબોધનમાં પોતાને ‘થંબી’ એટલે કે નાનો ભાઈ ગણાવતા કહ્યું કે તેમની સરકાર પર કોઈપણ સહયોગી પક્ષનું દબાણ ચાલશે નહીં. તેમણે વિરોધીઓને પણ ચેતવણીભર્યો સંદેશ આપ્યો. વિજયે કહ્યું, “હું પોતે ખોટું કામ નહીં કરું અને કોઈને ખોટું કામ કરવા પણ નહીં દઉં. જો કોઈના મનમાં ખોટા ઇરાદા હોય તો તેમણે તરત જ છોડી દેવા જોઈએ.”
રાહુલ ગાંધીને ‘ભાઈ’ કહ્યા
મુખ્યમંત્રી વિજયે મંચ પરથી સરકાર રચનાને ટેકો આપનારા તમામ પક્ષોનો આભાર માન્યો. તેમણે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને ‘ભાઈ’ કહ્યા. વિજયે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, રાહુલ ગાંધી, કેસી વેણુગોપાલ, સેલ્વાપેરુમથાગાઈ અને પ્રવીણ ચક્રવર્તીનો આભાર માન્યો. તેમણે સીપીઆઈ(એમ)ના નેતાઓ પી. શનમુગમ અને સુ વેંકટેશન, વીસીકેના નેતાઓ થોલ તિરુમાવલવન, રવિકુમાર અને વન્નીયારાસુ અને સીપીઆઈ નેતા એમ. વીરપાંડિયનનો પણ આભાર માન્યો. તેમણે ટીવીકેના કાર્યકરો અને વર્ચ્યુઅલ યોદ્ધાઓનો પણ ખાસ આભાર માન્યો.
હું એક સામાન્ય માણસ છું…
પોતાના સંબોધનમાં વિજયે પોતાને સામાન્ય માણસ ગણાવતા કહ્યું કે તેઓ કોઈ ફરિશ્તા નથી. તેમણે જનતાને થોડો સમય આપવા અપીલ કરી. વિજયે કહ્યું, “હું એવા વચનો નહીં આપું જેને હું પૂર્ણ ન કરી શકું. પરંતુ હવે મને વિશ્વાસ છે કે આપણે સૌ સાથે મળીને કંઈપણ કરી શકીએ છીએ. મને થોડો સમય આપો, હું ધીમે ધીમે મારા બધા વચનો પૂરા કરીશ. હું જનતાના એક પણ રૂપિયાને હાથ નહીં લગાવું.”
વિજયના મંત્રીમંડળમાં નવ નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા
મુખ્યમંત્રી વિજય સાથે નવ અન્ય ટીવીકે નેતાઓએ મંત્રી તરીકે શપથ લીધા. આમાં સૌથી ચર્ચિત ચહેરાઓમાં કે.એ. સેંગોટાઈયનનો સમાવેશ થાય છે, જેઓ AIADMKના વરિષ્ઠ નેતા રહી ચૂક્યા છે અને જેમણે ક્યારેક એમજીઆર તથા જયલલિતા જેવા નેતાઓ સાથે કામ કર્યું હતું. તે ઉપરાંત વિજયના નજીકના રણનીતિકાર ગણાતા આધવ અર્જુન, ટીવી અને ફિલ્મ જગત સાથે જોડાયેલા તથા પોતાની અસરકારક વક્તૃત્વ શૈલી માટે જાણીતારાજ મોહન, ડેન્ટિસ્ટથી નેતા બનેલા ડૉ. ટી.કે. પ્રભુ અને કેબિનેટની સૌથી યુવા મંત્રી એસ. કીર્થનાએ પણ શપથ લીધી. કોંગ્રેસ, સીપીઆઈ(એમ), વીસીકે અને આઈયુએમએલના જે નેતાઓએ TVK સરકારને સમર્થન આપ્યું છે, તેઓ પોર્ટફોલિયોને લઈને ચર્ચા પૂર્ણ થયા બાદ પછીથી મંત્રી પદની શપથ લઈ શકે છે.
આ પણ વાંચો: તમિલનાડુના CM બનતા જ વિજયે 10 લાખ કરોડના દેવાનો ઉલ્લેખ કર્યો, ભડક્યા સ્ટાલિન












