જો માતા-પિતા સાથે ખરાબ વર્તન કર્યું તો કપાઇ જશે પગાર, સરકાર લાવી રહી છે નવો કાયદો
હૈદરાબાદ: 19 ઓક્ટોબર, 2025: તેલંગાણાના મુખ્યમંત્રી રેવંત રેડ્ડીની સરકાર એક નવો અને મહત્ત્વપૂર્ણ નિયમ લાવવાની તૈયારી કરી રહી છે. આ નિયમ મુજબ, જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતા સાથે ખરાબ વર્તન કરે કે તેમની ઉપેક્ષા કરે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપી લેવામાં આવશે અને આ રકમ કર્મચારીના માતા-પિતાને સોંપી દેવામાં આવશે.
જવાબદારી નિભાવવા કાયદો:
મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ રાજ્યમાં નવા નિયુક્ત ગ્રુપ-2 કર્મચારીઓને નિમણૂંક પત્રો સોંપતી વખતે આ જાહેરાત કરી હતી. તેમણે કર્મચારીઓને જનતા પ્રત્યે સંવેદનશીલતા દાખવવાની વિનંતી કરી અને કહ્યું કે, “કર્મચારીઓએ એવા લોકો પ્રત્યે સંવેદનશીલતા રાખવી જોઈએ જેઓ તેમની સમસ્યાઓ લઈને આવે છે.”
મુખ્યમંત્રીએ શું કહ્યું?
આ સાથે જ મુખ્યમંત્રીએ સરકારી કર્મચારીઓને તેમના માતા-પિતા સાથે પણ સારો વ્યવહાર કરવા અનુરોધ કર્યો અને કહ્યું કે, “અમે એક કાયદો લાવી રહ્યા છીએ. જો કોઈ સરકારી કર્મચારી પોતાના માતા-પિતાની ઉપેક્ષા કરે છે, તો તેના પગારનો 10 થી 15 ટકા હિસ્સો કાપીને માતા-પિતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. જે રીતે તમને માસિક પગાર મળે છે, તે જ રીતે અમે સુનિશ્ચિત કરીશું કે તમારા માતા-પિતાને પણ તેમાંથી માસિક આવક પ્રાપ્ત થાય.”
મુખ્યમંત્રીએ તેમની વાત પૂરી કર્યા બાદ ત્યાં હાજર મુખ્ય સચિવ રામકૃષ્ણ રાવને આ કાયદા સંબંધિત ડ્રાફ્ટ તૈયાર કરવા માટે એક સમિતિની રચના કરવાનો નિર્દેશ આપ્યો હતો. આ પગલું માતા-પિતાની સંભાળ અને આદર માટે સરકારી કર્મચારીઓની જવાબદારી સુનિશ્ચિત કરવા તરફનું એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ગરીબ કેદીઓની 1 લાખ સુધીની જામીન રકમ સરકાર ભરશે, સુપ્રીમ કોર્ટનો મહત્ત્વનો નિર્ણય












