ટ્રેન્ડિંગમનોરંજન

તારક મહેતા…ના સેટ પર તોડફોડથી ચાહકોમાં ખળભળાટ! શું ગોકુલધામ સોસાયટી તૂટી રહી છે? જાણો સત્ય

Entertainment News: ટીવીનો લોકપ્રિય કોમેડી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા લગભગ 17 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ દરમિયાન ઘણા કલાકારો બદલાયા, અનેક પાત્રોએ શોને અલવિદા કહ્યું અને નવા ચહેરાઓ પણ જોડાયા, પરંતુ એક વસ્તુ આજે પણ દર્શકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે અને તે છે ગોકુલધામ સોસાયટી.

તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં ગોકુલધામ સોસાયટીના સેટ પર ભારે તોડફોડ અને બાંધકામનું કામ ચાલતું જોવા મળ્યું હતું. આ વીડિયો સામે આવતા જ ચાહકોમાં ચિંતા ફેલાઈ ગઈ હતી. ઘણા લોકોએ સવાલ ઉઠાવ્યા કે શું ગોકુલધામ સોસાયટીને હંમેશા માટે તોડી પાડવામાં આવી રહી છે અથવા તો શું હવે શો બંધ થવાનો છે?

વીડિયોમાં સેટ પર મજૂરો કામ કરતા, દિવાલો પર સમારકામ અને આખા સેટને બાંસ અને લાકડાના ટેકાથી ઢાંકવામાં આવ્યો હોવાનું જોવા મળ્યું હતું. આ દ્રશ્યો જોઈને સોશિયલ મીડિયા પર અનેક પ્રકારની અટકળો શરૂ થઈ ગઈ હતી.

આસિત મોદીએ કર્યો ખુલાસો

ચાહકોની ચિંતા વચ્ચે શોના પ્રોડ્યૂસર અસિત કુમાર મોદીએ પોતે સામે આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે. તેમણે જણાવ્યું કે ગોકુલધામ સોસાયટીને તોડી પાડવામાં આવી રહી નથી, પરંતુ તેનું રિનોવેશન કરવામાં આવી રહ્યું છે.

અસિત મોદીએ વીડિયોમાં જણાવ્યું કે જે થઈ રહ્યું છે તે સારા માટે થઈ રહ્યું છે. ગોકુલધામ સોસાયટીને નવા રંગરૂપમાં તૈયાર કરવામાં આવી રહી છે. થોડા દિવસોમાં દર્શકોને વધુ આકર્ષક અને આધુનિક ગોકુલધામ જોવા મળશે. આશા છે કે તમને તેનો નવો અવતાર જરૂર ગમશે.

તેમણે રિનોવેશનનું કામ કરી રહેલા એન્જિનિયરો, સુપરવાઇઝરો અને મજૂરો સાથે પણ ચર્ચા કરી અને કામ સુરક્ષિત રીતે પૂર્ણ કરવાની સૂચના આપી હતી.

વધુ આધુનિક બનશે ગોકુલધામ

માહિતી અનુસાર ગોકુલધામ સોસાયટીના સેટને વધુ આધુનિક અને આકર્ષક લુક આપવામાં આવી રહ્યો છે. સેટના કેટલાક ભાગોમાં નવી ડિઝાઇન અને સુધારાઓ કરવામાં આવશે, જેથી દર્શકોને વધુ તાજો અને ઉત્તમ વિઝ્યુઅલ અનુભવ મળી શકે.

જોકે શોની ઓળખ બની ગયેલી ગોકુલધામ સોસાયટીના મૂળ સ્વરૂપમાં મોટો ફેરફાર કરવામાં આવશે નહીં. અગાઉ પણ એક વખત શોમાં ગોકુલધામના રિનોવેશનને સ્ટોરીનો ભાગ બનાવવામાં આવ્યો હતો.

વર્ષ 2008માં શરૂ થયેલો શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ભારતીય ટેલિવિઝનના સૌથી લાંબા સમયથી ચાલતા લોકપ્રિય કોમેડી શોમાં સામેલ છે. હવે ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે રિનોવેશન બાદ નવી ગોકુલધામ સોસાયટી કેવી દેખાશે.

આ પણ વાંચોઃ આ બીમાર લોકો છે, હું કોઈ ડીલ કરવા માંગતો નથી: ઈરાન પર ટ્રમ્પ ગુસ્સે ભરાયા
Back to top button