સુર્યકુમાર યાદવના 67 રન કે પંડ્યાની 5 વિકેટ મુંબઈને ન જીતાડી શકી, LSGની 12 રને જીત

લખનઉ, 4 એપ્રિલ : આઈપીએલ 2025નો 16મો મુકાબલો મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાએ લખનઉ સુપર જાયન્ટ્સ સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. લખનઉએ નિર્ધારીત 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 203 રન કર્યા હતા અને મુંબઈને જીતવા માટે 204 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ ટાર્ગેટ મુંબઈ ચેઝ કરી શકી ન હતી અને એક સમયે જીત તરફ આગળ વધતું મુંબઈ 12 રને આ મેચ હારી ગઈ હતી.
લખનૌ સુપર જાયન્ટ્સની શરૂઆત શાનદાર રહી. મિશેલ માર્શ અને એડન માર્કરામે પાવર પ્લેમાં એટલે કે પહેલી 6 ઓવરમાં મળીને 69 રન બનાવ્યા. આમાં મિશેલ માર્શે સૌથી વધુ યોગદાન આપ્યું, જેમણે 27 બોલમાં પોતાની ફિફ્ટી પૂરી કરી. મુંબઈને પહેલી સફળતા વિગ્નેશ પુથુર દ્વારા મળી, જેમણે માર્શને આઉટ કર્યો. માર્શે 31 બોલમાં 9 ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 60 રન બનાવ્યા.
મિશેલ માર્શ અને એડન માર્કરામ વચ્ચે પ્રથમ વિકેટ માટે 76 રનની ભાગીદારી થઈ. ત્યારબાદ હાર્દિક પંડ્યાએ ઇન-ફોર્મ બેટ્સમેન નિકોલસ પૂરન (૧૨) ને આઉટ કર્યો. કેપ્ટન ઋષભ પંતનું ખરાબ પ્રદર્શન ચાલુ રહ્યું અને તે માત્ર 2 રન બનાવીને હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો. પંતના આઉટ થયા સમયે લખનૌનો સ્કોર 3 વિકેટના નુકસાને 107 રન હતો.
આ પછી, આયુષ બદોની અને એડેન માર્કરામે મળીને ચોથી વિકેટ માટે 51 રનની ભાગીદારી કરી. બદોનીએ 19 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી 30 રન બનાવ્યા. બદોનીને ઝડપી બોલર અશ્વિની કુમારે આઉટ કર્યો. બડોની આઉટ થયા પછી તરત જ માર્કરામે પોતાનો અડધી સદી પૂર્ણ કરી. જોકે, પોતાની ફિફ્ટી ફટકાર્યાના થોડા સમય પછી, માર્કરામને વિપક્ષી કેપ્ટન હાર્દિક પંડ્યાએ આઉટ કર્યો. માર્કરામે ૩૮ બોલમાં ૫૩ રન બનાવ્યા, જેમાં બે ચોગ્ગા અને ચાર છગ્ગાનો સમાવેશ થાય છે.
અબ્દુલ સમદ (4) કંઈ ખાસ કરી શક્યો નહીં અને મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ થઈ ગયો. છેલ્લી ઓવરમાં, હાર્દિક પંડ્યાએ ડેવિડ મિલર (27) અને આકાશ દીપ (0) ને આઉટ કરીને મેચમાં તેની પાંચ વિકેટ ઝડપી. મિલરે આઉટ થતાં પહેલાં કેટલાક શાનદાર શોટ ફટકાર્યા, જેના કારણે ટીમ 200ના આંક સુધી પહોંચવામાં સફળ રહી. હાર્દિક પંડ્યાએ પહેલી વાર ટી20 મેચમાં પાંચ વિકેટ લીધી છે. મુંબઈ તરફથી વિગ્નેશ પુથુર, ટ્રેન્ટ બોલ્ટ અને અશ્વિની કુમારે એક-એક વિકેટ લીધી.
મુંબઈના કેપ્ટન હાર્દિક પંડ્યાએ ટોસ દરમિયાન કહ્યું કે રોહિત શર્મા ઘાયલ છે જેના કારણે તે આ મેચમાં રમી રહ્યો નથી. તેમણે એમ પણ કહ્યું કે સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ટૂંક સમયમાં પાછો ફરશે. લખનઉ સુપર જાયન્ટ્સે આ મેચ માટે તેમના પ્લેઇંગ-11માં એક ફેરફાર કર્યો છે.
લખનઉ સુપર જાયન્ટ્સ: એડન માર્કરમ, મિશેલ માર્શ, નિકોલસ પૂરન, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), આયુષ બદોની, ડેવિડ મિલર, અબ્દુલ સમદ, શાર્દુલ ઠાકુર, દિગ્વેશ સિંહ રાઠી, આકાશ દીપ, અવેશ ખાન.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: રવિ બિશ્નોઈ, પ્રિન્સ યાદવ, શાહબાઝ અહેમદ, એમ સિદ્ધાર્થ, આકાશ સિંહ.
મુંબઈ ઈન્ડિયન્સ: વિલ જેક્સ, રેયાન રિકલટન (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), નમન ધીર, રાજ બાવા, મિશેલ સેન્ટનર, ટ્રેન્ટ બોલ્ટ, અશ્વિની કુમાર, દીપક ચહર, વિગ્નેશ પુથુર.
ઈમ્પેક્ટ પ્લેયર્સ: તિલક વર્મા, કોર્બીન બોશ, રોબિન મિંજ, સત્યનારાયણ રાજુ, કરણ શર્મા.












