સુરેન્દ્રનગરમાં મોટો હોબાળો: યુવતીની હત્યાના આરોપીને ફાંસી આપવાની માગ સાથે રેલ રોકો આંદોલન

સુરેન્દ્રનગર, 22 મે 2025: વઢવાણમાં ગણપતી ફાટસર વિસ્તારમાં ગત રવિવારના રોજ જાહેરમાં છરીના ઘા ઝીંકી યુવતીની હત્યાનો બનાવ બન્યો હતો આ બનાવમાં ઝડપાયેલ આરોપીનું આ વિસ્તારમાં જાહેરમાં ફુલેકું કાઢવા અને તેને ફાંસી આપવાની માંગ સાથે રહિશોએ રસ્તા પર ચક્કાજામ કરી ટ્રેન રોકી દેતા દોડધામ મચી ગઈ હતી.
આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ વઢવાણ ગણપતિ ફાટસર વિસ્તારમાં રહેતી ૧૯ વર્ષીય પાયલ સોલંકી રવિવારે સવારે કામે જઈ રહી હતી, ત્યારે લાલ બંગલાવાળી શેરીમાં ઉભેલા અમન રાઠોડ નામના યુવાને છરીના ઘા ઝીંકી પાયલની કરપીણ હત્યા નિપજાવી હતી.
બનાવના ટુંકા સમયગાળામાં પોલીસે આરોપીને ઝડપી લીધો હતો. યુવતીની સરેઆમ થયેલી હત્યાથી આ વિસ્તારના લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે.
આ ઘટના બાદ ગણપતિ ફાટસર વિસ્તારના લોકોએ બુધવારે સાંજના સમયે ગણપતિ ફાટકે ચક્કાજામ કરી દીધો હતો. જેને લીધે બાયપાસ રોડ પર વાહનોની લાંબી લાઈનો લાગી હતી. આ સમયે સુરેન્દ્રનગરથી ભાવનગર તરફ જતી લોકલ ટ્રેન જોરાવરનગરથી વઢવાણ તરફ જતા લોકોએ તેને પણ રોકી દીધી હતી અને રેલ્વે ટ્રેક ઉપર લોકો બેસી ગયા હતા.
આ બનાવની જાણ થતાં વઢવાણ પોલીસ અને રેલ્વેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. અંદાજે અડધા કલાકની સમજાવટ બાદ લોકોને રેલ્વે ટ્રેક પરથી દુર કરી ટ્રેનને ભાવનગર તરફ રવાના કરાઈ હતી. ઝડપાયેલ આરોપી અમન રાઠોડનું ફાટસર વિસ્તારમાં જાહેરમાં ફુલેકુ કાઢવા અને તેને ફાંસી આપવા લોકોની માંગ ઉઠી હતી.
આ પણ વાંચો: દેશ વિરોધી પોસ્ટ કરનારા પર સરકારની મોટી કાર્યવાહી, સોશિયલ મીડિયા URL અને અકાઉન્ટ પર બેન લાગ્યો












