સુરત: સુરભિ ડેરીના સંચાલકની ધરપકડ, દરરોજ 1000 કિલો નકલી પનીર બનાવતો

- પનીરના નમૂના ફેલ થવા બદલ કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો
- આ મામલે પોલીસે 754 કિલો જેટલું નકલી પનીર પણ જપ્ત કર્યું
- ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી
સુરતમાં પહેલીવાર પનીરના નમૂના ફેલ થવા બદલ કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ, સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફૂડ સેફ્ટીના ધોરણોમાં નિષ્ફળ થતાં, એસ.ઓ.જી. (SOG) પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે.
નમૂના ફેલ થતાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો
સુરતમાં પનીરના નમૂના ફેલ થતાં કોઈ ડેરી માલિક વિરુદ્ધ ગુનો નોંધાયો છે. સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થતાં એસ.ઓ.જી. પોલીસે ખટોદરા પોલીસ મથકમાં સુરભિ ડેરીના માલિક વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આ મામલે પોલીસે 754 કિલો જેટલું નકલી પનીર પણ જપ્ત કર્યું હતું, જે અલગ-અલગ હોટલો અને લારીઓ પર સસ્તા ભાવે વેચાણમાં આપવામાં આવતું હતું.
ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી
સુરભિ ડેરીમાંથી લેવાયેલા પનીરના નમૂના ફેલ થયા બાદ પોલીસે ગુનો દાખલ કરી ડેરીના સંચાલક શૈલેષ પટેલની ધરપકડ કરી છે. જોકે, અન્ય એક માલિક અને સંચાલક કૌશિક પટેલ ગુનાની ગંધ આવી જતાં પોલીસ પકડથી બચવા માટે ફરાર થઈ ગયો છે. હાલ, પોલીસે તેની શોધખોળ શરૂ કરી દીધી છે. પોલીસે સંચાલકો વિરુદ્ધ લોકોના આરોગ્ય સાથે ચેડાં કરવા અને નકલી પનીરને અસલી કહીને વેચી છેતરપિંડી કરવા બદલ ગુનો નોંધ્યો છે.
ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આ સંચાલકો સુરત શહેરમાં દરરોજ આશરે એક હજાર કિલો નકલી પનીરનું વેચાણ કરતા હતા, જે સીધેસીધું લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી હતું. આ કાર્યવાહીથી ખાદ્યપદાર્થોમાં ભેળસેળ કરનારા તત્ત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
આ પણ વાંચો: ગુજરાત: નિવૃત્ત અધિકારી પાસેથી રૂપિયા 1,02,46,949 અપ્રમાણસર મિલકત મળી












