
Surat Crime News: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે જાણીતા સુરતમાં નકલી ખાદ્ય પદાર્થોનું નેટવર્ક વધી રહ્યું હોવાના સમાચાર વચ્ચે શહેર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) એ મોટી સફળતા મેળવી છે.
સચિન GIDC વિસ્તારમાં ‘સબકા ફૂડ્સ’ના નામે ચાલતી આ ફેક્ટરીમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરી, માત્ર 1 કિલો શુદ્ધ ઘીનો ઉપયોગ કરી તેમાંથી 15 કિલો નકલી ‘વિદુર ઘી’ તૈયાર કરવામાં આવતું હતું. ફેક્ટરી પર દરોડો પાડીને પોલીસે લાખો રૂપિયાનું નકલી ઘી, મશીનરી અને રોકડ સહિત કુલ 35.81 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરમિયાન બે યુવકોને અટકાયતમાં લીધા છે.
તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આરોપીઓ અત્યંત શાતિર રીતે નકલી ઘી તૈયાર કરતા હતા. તેઓ 1 કિલો અસલી ઘીમાં મોટા પ્રમાણમાં વનસ્પતિ ઘી, પામોલીન તેલ અને ખાસ કેમિકલ એસેન્સ ઉમેરીને 15 કિલો જેટલું નકલી ઘી બનાવતા હતા. આ કેમિકલ એટલું પાવરફુલ હતું કે મિશ્રણને અસલી ઘી જેવી સુગંધ, દાણાદાર ટેક્સચર અને પીળો રંગ આપી દેતું હતું.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આરોપીઓ ડોક્ટરની જેમ સિરીંજ વડે કેમિકલનું ચોક્કસ માપ લઈને મિશ્રણ તૈયાર કરતા હતા, જેથી સામાન્ય ગ્રાહક અસલી અને નકલી વચ્ચે ફરક પારખી ન શકે. તેઓ ‘વિદુર’ (Vidur) બ્રાન્ડના નામે ગાયનું ઘી અને દેશી ઘી તરીકે આ માલ વેચતા હતા.
પેકેજિંગ પણ આકર્ષક હતું. 100 મિલીના પાઉચથી માંડીને 15 કિલોના મોટા ડબ્બા સુધી. આ નકલી ઘી માત્ર સુરતમાં જ નહીં, ગુજરાતના અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાં પણ હોલસેલમાં સપ્લાય થતું હતું. આ મસમોટા કૌભાંડ પાછળ બે મુખ્ય શખસના નામ સામે આવ્યા છે. પ્રથમ આરોપી ભરત પોલરા (રહે. કામરેજ, મૂળ અમરેલી) અને બીજો આરોપી અમીન વાઢવણિયા (રહે. ઘોડદોડ રોડ, સુરત)છે. ભરત પોલરા છેલ્લા એક વર્ષથી આ ફેક્ટરી ચલાવી રહ્યો હતો. આ બંને શખસે મજૂરો રાખીને સુવ્યવસ્થિત રીતે આખું નેટવર્ક ગોઠવ્યું હતું. ‘સબકા ફૂડ્સ’ નામનું FSSAIનું લાયસન્સ પણ લીધું હતું, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ આ લાયસન્સની આડમાં તેઓ શુદ્ધ ઘીના નામે કેમિકલયુક્ત ભેળસેળવાળું ઘી વેચતા હતા.
આ અંગે ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું કે, આરોપીઓ સિન્થેટિક કલર અને ખતરનાક કેમિકલ એસેન્સનો ઉપયોગ કરીને લોકોને છેતરતા હતા. દરોડા વખતે મજૂરો સક્રિયપણે આ ‘ઝેર’ બનાવી રહ્યા હતા. આ કેસમાં વધુ તપાસ ચાલુ છે અને અન્ય સંડોવાયેલા લોકોને પકડવાના પ્રયાસો થઈ રહ્યા છે. આવી ભેળસેળથી લોકોના આરોગ્યને જોખમ થઈ શકે છે, તેથી વપરાશકર્તાઓને બ્રાન્ડેડ અને વિશ્વસનીય સ્ત્રોતમાંથી જ ઘી ખરીદવાની સલાહ આપવામાં આવી છે.












