ગુજરાતટોપ ન્યૂઝ

12 વર્ષની લડત બાદ રાજા ઓવારા કેસમાં નિર્ણય: વકફ બોર્ડની અરજી નામંજૂર, 1 લાખનો દંડ ફટકારાયો

Surat Raja Ovara News: સુરતના ઐતિહાસિક ચોક બજાર વિસ્તારમાં આવેલા રાજા ઓવારા ખાતે ‘હુસૈની મસ્જિદ’ના નામે ચાલતા વિવાદમાં વકફ ટ્રિબ્યુનલ કોર્ટે મહત્વપૂર્ણ નિર્ણય આપ્યો છે. લાંબા સમયથી ચાલી રહેલા આ કાનૂની મામલામાં કોર્ટે વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલી અરજીને ફગાવી દીધી છે. સાથે જ કોર્ટમાં ખોટા અને બોગસ દસ્તાવેજો રજૂ કરવાના મામલે સંબંધિત મૌલવીઓને 1 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

આ ચુકાદા બાદ રાજા ઓવારા વિસ્તારની જમીનને લઈને ચાલી રહેલા વિવાદનો અંત આવ્યો છે. કોર્ટે પોતાના નિર્ણયમાં નોંધ્યું કે રજૂ કરવામાં આવેલા દસ્તાવેજો અને દાવાઓ કાયદાકીય રીતે માન્ય નથી. તપાસ દરમિયાન સામે આવ્યું કે જમીનનો મૂળ હક સરકારી માલિકી સાથે જોડાયેલો છે અને વકફ બોર્ડ દ્વારા કરવામાં આવેલા દાવાને પૂરતા પુરાવા મળ્યા નથી.

બોગસ દસ્તાવેજો અંગે કોર્ટે અપનાવ્યું કડક વલણ

કાનૂની સુનાવણી દરમિયાન વકફ બોર્ડ તરફથી રજૂ કરાયેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવી હતી. ટ્રિબ્યુનલ કોર્ટે નોંધ્યું કે કેટલાક દસ્તાવેજોની વિશ્વસનીયતા શંકાસ્પદ હતી અને કોર્ટ સમક્ષ ખોટી માહિતી રજૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

આ મામલે કોર્ટે ગંભીરતા દર્શાવીને જવાબદાર પક્ષ સામે દંડાત્મક કાર્યવાહી કરી છે. 1 લાખ રૂપિયાનો દંડ ફટકારી કોર્ટએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે સરકારી કે જાહેર ઉપયોગની જમીન અંગે ખોટા દાવા અને દસ્તાવેજોના આધારે કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ સહન કરવામાં આવશે નહીં.

રાજા ઓવારા વિસ્તારનો ઐતિહાસિક સંબંધ

ચોક બજારનો રાજા ઓવારો સુરતના જૂના અને ઐતિહાસિક વિસ્તારોમાંનો એક માનવામાં આવે છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, આ વિસ્તાર સાથે પ્રાચીન ધાર્મિક અને સાંસ્કૃતિક વારસો જોડાયેલો છે. સુરત મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અને ચેરમેન દીપક આફ્રિકાવાલાના જણાવ્યા મુજબ, રાજા ઓવારા નીચે પ્રાચીન હિન્દુ મંદિરો આવેલા છે અને આ વિસ્તાર લોકોની આસ્થા સાથે જોડાયેલો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

તેમણે જણાવ્યું હતું કે, અગાઉ મંદિર આસપાસ ગેરકાયદેસર વસાહતો ઊભી થઈ ગઈ હતી, જેને દૂર કરવા માટે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યાં રહેતા લોકોને વૈકલ્પિક આવાસ આપવામાં આવ્યા હતા.

ખાલી જમીન પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આક્ષેપ

દીપક આફ્રિકાવાલાના જણાવ્યા અનુસાર, જગ્યા ખાલી થયા બાદ લાંબા સમય સુધી જમીન ખુલ્લી રહી હતી. આ દરમિયાન ત્યાં અસામાજિક પ્રવૃત્તિઓ શરૂ થઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. તેમના કહેવા પ્રમાણે, આ અંગે પોલીસ અને મહાનગરપાલિકા સહિતના તંત્રને રજૂઆતો કરવામાં આવી હતી. ત્યારબાદ આ જમીન પર ગેરકાયદેસર બાંધકામના પ્રયાસો શરૂ થયા હતા.

‘હુસૈની મસ્જિદ’ના દાવાને લઈને વિવાદ

આ વિસ્તારમાં બાંધકામ શરૂ થતાં કેટલાક લોકો દ્વારા આ જગ્યા વકફ બોર્ડની મિલકત હોવાનો દાવો કરવામાં આવ્યો હતો અને ‘હુસૈની મસ્જિદ’ બનાવવાની વાત સામે આવી હતી. પરંતુ આ દાવા સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો અને જમીનના માલિકી હક્ક તથા રજૂ કરાયેલા દસ્તાવેજોની કાયદેસરતા અંગે પ્રશ્નો ઉભા થયા હતા. આ મામલો અંતે વકફ ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો હતો, જ્યાં બંને પક્ષોની દલીલો અને પુરાવાઓના આધારે સુનાવણી કરવામાં આવી હતી.

12 વર્ષની કાનૂની લડાઈ બાદ નિર્ણય

આ કેસમાં લાંબા સમયથી કાનૂની લડત ચાલી રહી હતી. દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે તેમણે વર્ષોથી આ મામલે પુરાવા રજૂ કરીને લડત ચાલુ રાખી હતી. સુરત મહાનગરપાલિકાના વકીલ કૌશલ પંડ્યાએ કોર્ટમાં રજૂ કરેલા પુરાવા અને દલીલોના આધારે કોર્ટે વકફ બોર્ડની અરજીને નામંજૂર કરી હોવાનું જણાવાયું છે.

હવે ‘સુરત હેરિટેજ’ પ્રોજેક્ટની ચર્ચા

ચુકાદા બાદ હવે આ વિસ્તારને હેરિટેજ વિકાસ માટે ઉપયોગમાં લેવાની ચર્ચા શરૂ થઈ છે. દીપક આફ્રિકાવાલાએ જણાવ્યું કે આ જગ્યા સુરતના ઐતિહાસિક વારસાના સંરક્ષણ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ, ભવિષ્યમાં ચોક બજાર વિસ્તારમાં ભવ્ય ‘સુરત હેરિટેજ’ પ્રોજેક્ટ વિકસાવવાની યોજના છે, જેના કારણે સુરતના ઐતિહાસિક વારસાને નવી ઓળખ મળી શકે છે.

આ પણ વાંચો: સુરતના રસ્તા પર ફરી મોતનું તાંડવ, બેફામ ડમ્પરે મોપેડને અડફેટે લેતા મા-દીકરીના મોત

Back to top button