સુરતના વેસુ વિસ્તારની હચમચાવી નાખતી ઘટના, સામુહિક આપઘાતના પ્રયાસમાં 3ના મોત, દીકરીનો બચાવ

સુરત, 25 ફેબ્રુઆરી 2026: સુરતના વેસુ વિસ્તારમાંથી એક હચમચાવી નાખતી ઘટના સામે આવી છે. જ્યાં આ વિસ્તારમાં આવેલી હેપી એલિગન્સ બિલ્ડીંગમાં ચાર લોકોએ સામુહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં 3 લોકોના મોત થઈ ગયા છે. પતિ, પત્ની અને એક દીકરીનું મોત અને એક દીકરીનો બચાવ થયો છે. આ બંને દીકરીઓની ઉંમર 5થી 7 વર્ષ હોવાનું કહેવાય છે.
પોલીસ તપાસમાં ઘટનાસ્થળેથી એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં વૈભવ રુંગટા નામના શખ્સ દ્વારા રૂપિયા માટે આપવામાં આવતા ત્રાસનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક રીતે બહાર આવ્યું છે. હાલ વેસુ પોલીસે આ મામલે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મૂળ બિહારના વતની અને શેરબજારનું કામ કરતા
મૂળ બિહારના વતની અને છેલ્લા બે વર્ષથી ઘરે બેઠા શેરબજારનું કામ કરતા બાલમુકુન્દ નામના વ્યક્તિએ પોતાના પરિવારના ચાર સભ્યો સાથે ખેતરમાં નાખવાની ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. પોલીસ તપાસ દરમિયાન ઘટનાસ્થળેથી ત્રણ પાનાની એક સુસાઇડ નોટ મળી આવી છે, જેમાં આ અંતિમ પગલું ભરવા પાછળના ગંભીર કારણોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
સુસાઇડ નોટમાં જણાવ્યા અનુસાર, આરોપી વૈભવ રૂંગટાએ મૃતકની ગાડી અને ક્રેડિટ કાર્ડ પડાવી લીધા હતા અને તે કાર્ડથી બિનજરૂરી શોપિંગ પણ કરી હતી. આ માનસિક અને આર્થિક ત્રાસને કારણે પરિવારે આત્મઘાતી પગલું ભર્યું હોવાનું મનાય છે. હાલમાં વેસુ પોલીસે આરોપી વૈભવ રૂંગટા વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પરિવારમાં શોકનો માહોલ
માત્ર 5 થી 7 વર્ષની બે માસૂમ દીકરીઓ, જેમને દુનિયાની કોઈ સમજ પણ નહોતી, તેમના પર પણ કાળનો પંજો ફરી વળતા સોસાયટીમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. આસપાસના રહીશોમાં પણ આ ઘટનાને પગલે અરેરાટી વ્યાપી ગઈ છે.












