ગુજરાત

સુરતમાં પત્નીના ત્રાસથી કંટાળી કાપડ વેપારીએ કલેક્ટર પાસે ઈચ્છામૃત્યુ માંગ્યું, ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો મામલો

Surat Family Dispute: કાયદાના દુરુપયોગ અને પત્ની તેમજ સાસરીયા પક્ષના અસહ્ય શારીરિક-માનસિક ત્રાસનો ભોગ બનેલા સુરતના એક કાપડ વેપારીએ ન્યાય ન મળતા આખરે સુરત કલેક્ટર સમક્ષ લેખિતમાં ઈચ્છામૃત્યુની માંગ કરી છે. સુરતના કાપડ માર્કેટમાં જોબવર્કનું કામ કરતા આ પત્ની પીડિત પતિનો આક્ષેપ છે કે, તેની પત્ની કાયદાકીય છટકબારીઓનો ઉપયોગ કરીને આર્થિક અને સામાજિક રીતે તેને બરબાદ કરી રહી છે. સ્થાનિક પોલીસ તંત્ર અને કલેક્ટર કચેરીમાંથી કોઈ નક્કર પરિણામ ન મળતાં આખરે આ ચકચારી મામલો રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે. પીડિતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PE) ને ફોન પર પોતાની આપવીતી જણાવતા ત્યાંથી આ કેસમાં તટસ્થ તપાસની ખાતરી આપવામાં આવી છે.

દીકરાનું ગળું દબાવી જાનથી મારવાનો પ્રયાસ

પીડિત પતિના જણાવ્યા અનુસાર, તેમના અગાઉ ત્રણ લગ્ન નિષ્ફળ રહ્યા હતા, જ્યારે સામે પક્ષે પત્નીના પણ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. પીડિત વેપારીના આ ચોથા લગ્ન હતા. અગાઉના લગ્નથી તેમને એક 12 વર્ષનો માસૂમ દીકરો છે, જેને માતાનો પ્રેમ અને સારો ઉછેર મળી રહે તેવા આશયથી તેમણે વર્ષ 2024માં આ મહિલા સાથે લગ્ન કર્યા હતા. જોકે, લગ્નનો આ સંસાર માત્ર ત્રણ મહિના જ ચાલ્યો હતો. પીડિતે અત્યંત ગંભીર આક્ષેપ કર્યો છે કે, તેમની પત્નીએ એક રાત્રે તેના 12 વર્ષના દીકરાનું ગળું અને મોઢું દબાવીને તેને જાનથી મારી નાખવાનો અમાનવીય પ્રયાસ કર્યો હતો.

‘ઘરની મેટર ઘરમાં રાખો’ કહી પોલીસે ગુનો ન નોંધ્યો

પીડિત પતિએ પોલીસ પ્રશાસનની કાયદાકીય શિથિલતા સામે ભારે નારાજગી વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું કે, જ્યારે દીકરાને મારી નાખવાનો પ્રયાસ થયો, ત્યારે રાત્રે 12 વાગ્યે બનેલી આ ઘટના અંગે તેઓ વહેલી સવારે 4 વાગ્યે પોલીસ સ્ટેશને ફરિયાદ દાખલ કરાવવા પહોંચ્યા હતા. પરંતુ પોલીસે “આ ઘરનો મામલો છે, ઘરમાં જ રાખો, સંસાર બગડી જશે” તેમ કહીને તેમને સમજાવીને પાછા મોકલી દીધા હતા. આ ઘટના જૂન મહિનામાં બની હોવા છતાં, અને બાળ સુરક્ષા વિભાગ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમક્ષ દીકરાના કાઉન્સિલિંગની વારંવાર માંગ કરવા છતાં, આજ દિન સુધી પત્ની સામે હત્યાના પ્રયાસ (કલમ 307) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. પીડિતે આક્રોશ સાથે જણાવ્યું કે, 21 તારીખે લેખિત રજૂઆત કરવા છતાં 8 દિવસ વીતી ગયા હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી નથી.

રાત્રે 2 વાગ્યે શંકા કરી મારપીટ અને ઊંઘ પર પ્રતિબંધ

પતિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું કે, તેની પત્ની અત્યંત શંકાશીલ સ્વભાવની છે. કાપડના જોબવર્ક દરમિયાન જો કોઈ બહેન, ભાઈ કે મિત્રનો ફોન વ્યસ્ત આવે તો તે વહેમ રાખીને ઘરમાં મોટો ઝઘડો કરતી હતી. ત્રાસની પરાકાષ્ઠા તો ત્યારે આવતી જ્યારે રાત્રિના 2 થી 4 વાગ્યાના અસમયે તે પતિ સાથે ઝઘડીને મારપીટ કરતી હતી. “તું દીકરાને પકડીને કેમ સૂવે છે, મને પકડીને ઊંઘ” તેમ કહીને સીધી થપ્પડો મારી દેતી હતી, જેના કારણે તેઓ આખી રાત ઊંઘી પણ શકતા નહોતા. આ અસહ્ય પ્રતાડના છતાં સંસાર બચાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કાયદાના જોરે લાખો રૂપિયા પડાવતી ‘ડિજિટલ લૂંટેરી દુલ્હન’

આ કેસનો સૌથી ચોંકાવનારો વળાંક એ છે કે, આ મહિલા કોઈ સામાન્ય સ્ત્રી નહીં પણ કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કરીને પતિઓને લૂંટતી ‘ડિજિટલ લૂંટેરી દુલ્હન’ છે. સામાન્ય લૂંટેરી દુલ્હનો લગ્ન કરીને દાગીના લઈ અઠવાડિયામાં ભાગી જાય છે, પરંતુ આ મહિલા લગ્ન કર્યા બાદ પતિઓ પર ઘરેલું હિંસા અને ભરણપોષણના ખોટા કેસ કરીને લાખો રૂપિયા પડાવે છે. પીડિત પતિ પાસે આ અંગેનું એક સ્ટિંગ ઓપરેશન અને સરકારી વકીલનો વીડિયો પણ પુરાવા તરીકે છે, જેમાં સ્પષ્ટ થાય છે કે આ મહિલાએ અગાઉના બે પતિઓ પાસેથી પણ આ જ મોડસ ઓપરેન્ડીથી ₹4.5 લાખ પડાવ્યા હતા. હવે વર્તમાન પીડિત પાસે પણ મોટી રકમની માંગણી થઈ રહી છે.

રાજીખુશીથી અલગ થયા બાદ પણ ખોટા કેસ અને આત્મઘાતી પગલાની ચીમકી

પત્નીના અતિશય ત્રાસથી કંટાળીને પતિ સખી વન સ્ટોપ સેન્ટરમાં ગયા હતા, જ્યાં કાયદાકીય લખાણ કરીને બંને રાજીખુશીથી અલગ થઈ ગયા હતા. તેમ છતાં પત્નીએ છેતરપિંડી કરીને મહેસાણા કોર્ટમાં જઈને પતિ વિરૂદ્ધ ઘરેલું હિંસા અને ભરણપોષણની ખોટી ફરિયાદ દાખલ કરાવી દીધી હતી. પીડિતે ઉત્તરાયણના દિવસે જ આ લૂંટેરી દુલ્હન અંગે અરજી આપી હતી, જેને 5 મહિના થવા છતાં કોઈ ગુનો નોંધાયો નથી.

ન્યાયની આખરી ગુહાર લગાવી

પીડિત પતિએ મુખ્યમંત્રી, ગૃહમંત્રી અને સુરત કલેક્ટર સમક્ષ ન્યાયની આખરી ગુહાર લગાવી છે. તેમણે પ્રશાસનને અલ્ટીમેટમ આપતા સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી 3 તારીખ સુધીમાં તેમની પત્ની વિરૂદ્ધ કલમ 307 (હત્યાનો પ્રયાસ) અને લૂંટેરી દુલ્હન અંગે ગુનો દાખલ કરવામાં નહીં આવે, તો તેઓ ઈચ્છામૃત્યુ અથવા કોઈ મોટું આત્મઘાતી પગલું ભરવા મજબૂર થશે. આ કાયદાકીય કાવતરામાં તેની પત્ની, સાળો, સાસુ અને સાળાના શેઠ સામેલ હોવાના આક્ષેપ સાથે પીડિતે આ ચારેય લોકોને પોતાના સંભવિત કદમ માટે જવાબદાર ગણાવ્યા છે.

આ પણ વાંચો: અમદાવાદમાં રિક્ષા ભાડામાં એકતરફી વધારો, મિનિમમ ભાડું 20થી વધીને 30 થયું

Back to top button