ગુજરાતટ્રેન્ડિંગ

સુરત: ધો-12 સાયન્સની વિદ્યાર્થિનીએ ગળાફાંસો ખાધો, આપઘાતનું કારણ અકબંધ

સુરતના ડીંડોલી વિસ્તારમાં એક હૃદયવિદારક ઘટના બની છે. ધોરણ 12 સાયન્સમાં ભણતી 17 વર્ષીય એક યુવતીએ રાત્રીના સમયે, જ્યારે ઘરના તમામ સભ્યો ઊંઘી રહ્યા હતા, ત્યારે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. વિદ્યાર્થિનીએ આ અચાનક પગલું લેતા પરિવારમાં ભારે શોકનું વાતાવરણ છવાઈ ગયું છે.

આ દુખદ પગલા પાછળનું સ્પષ્ટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને અકસ્માત મોતના કેસ તરીકે નોંધણી કરી વિગતવાર તપાસ શરૂ કરી છે. સુરતમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓમાં આત્મહત્યાના કેસોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે, જે શૈક્ષણિક દબાણ અને માનસિક તણાવની ગંભીર સમસ્યા તરફ ઇશારો કરે છે.

આવી ઘટનાઓને રોકવા માટે ગુજરાત સરકારે મહત્વના પગલાં લીધાં છે. રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં માનસિક સ્વાસ્થ્યની નીતિ ફરજિયાત કરવામાં આવી છે. હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીઓ પર ઓછામાં ઓછો એક પ્રોફેશનલ કાઉન્સેલર રાખવો પડશે. નાની સંસ્થાઓએ બાહ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ઊભી કરવી પડશે. ખાસ કરીને પરીક્ષાના સમયે વિદ્યાર્થીઓને સતત માનસિક સહાય મળી રહે તેનું ધ્યાન રાખવાનો આદેશ છે.

આંકડાઓ પણ ચિંતા વધારે છે

NCRBના ડેટા મુજબ, 2017થી 2021 દરમિયાન ગુજરાતમાં 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી – એટલે કે દરરોજ સરેરાશ એકથી બે વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યો. વર્ષવાર જોતા, 2017માં 638, 2018માં 570, 2019માં 575, 2020માં 597 અને 2021માં 622 કેસ નોંધાયા હતા..

તાજેતરમાં, એપ્રિલ 2020થી માર્ચ 2023 વચ્ચે 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી, જેમાં 246 છોકરીઓ હતી. આ જ અવધિમાં આત્મહત્યાના નિષ્ફળ પ્રયાસોની સંખ્યા 6,879 જેટલી નોંધાઈ છે. 2022માં તો માત્ર પરીક્ષામાં નાપાસ થવાને કારણે જ 155 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી.

વિધાનસભામાં રજૂ થયેલા આંકડા પ્રમાણે, ત્રણ વર્ષમાં 195 વિદ્યાર્થીઓના મોત થયા – એટલે દર બે દિવસે એક વિદ્યાર્થીને આપણે ગુમાવીએ છીએ. આ સ્થિતિ શિક્ષણ વ્યવસ્થા, પરિવાર અને સમાજને વિદ્યાર્થીઓના માનસિક આરોગ્ય પર વધુ સંવેદનશીલ બનવાની ચેતવણી આપે છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરના પૂર્વ કલેકટર રાજેન્દ્ર પટેલના નિવાસસ્થાને ED ની ટિમો પહોંચી, ધરપકડ થાય તેવી શક્યતા

Back to top button