ગુજરાત

25 CCTV ફેંદી ખટોદરા પોલીસનો સપાટો: મોપેડ સવાર વિદ્યાર્થિનીને કચડી ફરાર થયેલો નાળિયેર ભરેલા ટેમ્પોનો ડ્રાઇવર પકડાયો

Surat Accident: સુરતના ખટોદરા વિસ્તારમાં 5 ઓગસ્ટના રોજ એક અત્યંત કરુણ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. મોપેડ પર કોલેજ જઈ રહેલી સાયકોલોજીની હોનહાર વિદ્યાર્થિની સ્નેહા ઘોરીને 500 નાળિયેર ભરેલા પુરપાટ ઝડપે આવતા ટેમ્પોએ જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત બાદ સ્નેહા નીચે પટકાતા ટેમ્પોનું ભારેખમ પાછળનું ટાયર તેના માથા પરથી ફરી વળ્યું હતું, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ નીપજ્યું હતું. દુર્ઘટના સર્જીને ટેમ્પો ચાલક વાહન મૂકીને ફરાર થઈ ગયો હતો. ખટોદરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

25 CCTV ફેંદી પોલીસે ડ્રાઇવરને દબોચ્યો

ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી ખટોદરા પોલીસની ટીમે આસપાસના 25 જેટલા CCTV કેમેરાના ફૂટેજ બારીકાઈથી ચકાસ્યા હતા. સીસીટીવીના આધારે પોલીસે ફરાર ટેમ્પો ચાલક રામવિલાસ રાઠોડની ધરપકડ કરી લીધી છે. પૂછપરછ દરમિયાન 10 વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ ધરાવતા આરોપી રામવિલાસે સ્વીકાર્યું હતું કે તે ટેમ્પોમાં 500 નાળિયેર ભરીને પાલનપુર પાટિયા તરફ જઈ રહ્યો હતો. અકસ્માત સર્જાયા બાદ સ્થાનિક લોકો ભેગા થઈને માર મારશે તેવા ડરના કારણે તે સ્થળ પરથી ભાગી છૂટ્યો હતો.

કોલેજ જતી વખતે કાળ ભેટ્યો

મૃતક સ્નેહા ઘોરી સાયકોલોજી વિષયમાં માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરી રહી હતી અને ભવિષ્યમાં સફળ મનોચિકિત્સક બનવા માંગતી હતી. તેના પિતા પણ તેને ઉચ્ચ અભ્યાસ અર્થે અમેરિકા મોકલવાની તૈયારીઓમાં લાગેલા હતા. 5 ઓગસ્ટે સવારે 7:30 વાગ્યે રોજની જેમ સ્નેહા પોતાની મોપેડ પર કોલેજ જવા નીકળી હતી, ત્યારે જ આ અકસ્માત નડ્યો હતો. એક બેદરકાર ડ્રાઇવરના કારણે આશાસ્પદ યુવતીનું ભવિષ્ય અને તેના પરિવારના સપનાઓ ક્ષણભરમાં રોળાઈ ગયા છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ગંભીર આંતરિક ઇજાઓ અને ઓર્ગન ડેમેજ બન્યા મોતનું કારણ

પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં સ્નેહાના શરીર પર ટેમ્પોના ટાયરના સ્પષ્ટ નિશાન મળી આવ્યા હતા. વજનદાર ટાયર શરીર પરથી પસાર થઈ જતાં તેને ગંભીર આંતરિક ઇજાઓ પહોંચી હતી અને મહત્વના અંગો ડેમેજ થઈ ગયા હતા. વધારે પડતું લોહી વહી જવાના કારણે અને મલ્ટિપલ ઓર્ગન ફેલ્યોર થવાથી તેનું મોત નીપજ્યું હોવાનું તબીબોએ જણાવ્યું છે.

પરિવારે કર્યું ચક્ષુદાન

દીકરીના અચાનક અવસાનથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હોવા છતાં, તેમણે એક પ્રેરણાદાયી નિર્ણય લીધો હતો. બે મહિના પહેલા જ સ્નેહાની આંખોનું નંબર ઉતારવાનું ઓપરેશન કરાવવામાં આવ્યું હતું. દીકરીની યાદોને અમર રાખવા અને અન્ય કોઈ વ્યક્તિના જીવનમાં પ્રકાશ પથરાય તે હેતુથી પરિવારે સ્નેહાના ચક્ષુઓનું દાન કરીને માનવતાની ઉત્તમ મિસાલ પેશ કરી છે.

Back to top button