ટ્રેન્ડિંગનેશનલ

સુપ્રીમ કોર્ટ ફક્ત ચીફ જસ્ટિસ પૂરતી કેન્દ્રીત ન હોવી જોઈએઃ CJI ગવઈ

નવી દિલ્હીઃ 30 જુલાઈ, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા ચીફ જસ્ટિસના સન્માનમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ચીફ જસ્ટિસ બી. આર ગવઈએ સુપ્રીમ કોર્ટ ચીફ જસ્ટિસ પર કેન્દ્રીત ન હોવાને લઈને નિવેદન આપ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ‘સુપ્રીમ કોર્ટ ક્યારેય ચીફ જસ્ટિસ પર કેન્દ્રિત ન હોવી જોઈએ. કારણ કે ચીફ જસ્ટિસ અન્ય તમામ ન્યાયાધીશોમાં ફક્ત પહેલા નંબરે છે, પરંતુ તમામ જજ બરાબરના ભાગીદાર છે. મે હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર (વકીલો) અને બેન્ચ (ન્યાયાધીશો)ને સમાન ભાગીદાર માન્યા છે.’

નિર્ણય કોર્ટનો હોય છે

CJI બીઆર ગવઈએ કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે ક્યારેય ફક્ત CJI પર ધ્યાન કેન્દ્રિત ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટ બધા ન્યાયાધીશો અને વકીલોની એક સામાન્ય કોર્ટ છે. તેથી જ હું લોકશાહી રીતે કામ કરવામાં માનું છું. અમે જે પણ નિર્ણયો લઈએ છીએ, તે પૂર્ણ રીતે કોર્ટના નિર્ણયો હોય છે.’

તેમણે કહ્યું કે, ‘સુપ્રીમ કોર્ટે 26 મે થી 11 જુલાઈ દરમિયાન આંશિક કાર્યકારી દિવસોમાં છેલ્લા ઘણા વર્ષોમાં સૌથી વધુ કેસો ઉકેલ્યા છે. સુપ્રીમ કોર્ટે આ વર્ષે તેના પરંપરાગત ઉનાળાના વેકેશનને આંશિક કાર્યકારી દિવસમાં બદલી નાખ્યું હતું. મારે કહેવું જ જોઈએ કે, તમારા બધા અને મારા સાથીદારોના સહયોગથી અમે છેલ્લા ઘણા વર્ષોમાં આંશિક કાર્યકારી દિવસોમાં સૌથી વધુ કેસોનો નિકાલ કર્યો છે.’

બાર અને બેન્ચ સમાન ભાગીદાર

બાર અને ન્યાય વ્યવસ્થામાં સમાન ભાગીદારને લઈને તેમણે જણાવ્યું કે, ‘વકીલોએ હંમેશા તેમને ખૂબ પ્રેમ અને સ્નેહ આપ્યો છે. મેં હંમેશા ન્યાય વ્યવસ્થામાં બાર અને બેન્ચને સમાન ભાગીદાર માન્યા છે.’ બોમ્બે હાઈકોર્ટમાં તેમના કાર્યકાળને યાદ કરતા જસ્ટિસ ગવઈએ કહ્યું કે, ‘જ્યારે પણ મને ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને બિલ્ડિંગ કમિટીના ચેરમેન બનવાની તક મળી એ સમયે નક્કી કર્યું હતું કે, જ્યારે પણ નવી બિલ્ડિંગ બનાવવામાં આવશે, ત્યારે બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરી પણ તે પેનલનો ભાગ રહેશે.’

આ પણ વાંચોઃ ટ્રમ્પે ભારત પર 25 ટકા ટેરિફ ઝીંકયા બાદ સરકારે આપી પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- દેશ હિત માટે જરૂર તમામ પગલાં લઈશું

આ પણ વાંચોઃ ‘ન્યાયપાલિકાએ મને નિરાશ…’ દુષ્કર્મના આરોપીને હાઇકોર્ટમાં જજ તરીકે બઢતી થતા મહિલા ન્યાયાધીશે આપ્યું રાજીનામું

Back to top button