ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

‘પાછલી ભૂલોમાંથી કંઈ શીખ્યા નથી’, NEET પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો

NEET paper leak: સુપ્રીમ કોર્ટે સોમવારે જણાવ્યું કે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ અગાઉ થયેલા NEET પેપર લીક મામલામાંથી કોઈ પાઠ શીખ્યો નથી. સાથે જ, મેડિકલ પ્રવેશ પરીક્ષા યોજવા માટે ટેસ્ટિંગ એજન્સીની જગ્યાએ મજબૂત અને સ્વાયત્ત સંસ્થા (ઓટોનોમસ બોડી) બનાવવાની અરજી પર કેન્દ્ર સરકાર, NTA અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) પાસેથી જવાબ માંગ્યો છે.

આ મામલો પી.એસ. નરસિંહા અને આલોક આરાધેની બેન્ચ સમક્ષ આવ્યો હતો. બેન્ચે નિર્દેશ આપ્યો કે અરજીની નકલ સોલિસિટર જનરલ તુષાર મહેતા ઉપરાંત અન્ય પક્ષોને પણ આપવામાં આવે અને NEET પરીક્ષા યોજવા માટે જવાબદાર નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)ને કહેવામાં આવ્યું કે તે 2024માં કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્દેશોના પાલન અંગે ગુરુવાર સુધીમાં એફિડેવિટ દાખલ કરે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટની બેન્ચે વધુમાં કહ્યું કે, “આ દુઃખદ બાબત છે કે તેમણે (નેશનલ ટેસ્ટિંગ એજન્સી) કોઈ પાઠ શીખ્યો નથી. આ મામલો અગાઉ પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ આવી ચૂક્યો છે. એક કમિટી, એક મોનિટરિંગ કમિટી હતી, જેણે કેટલીક ભલામણો કરી હતી અને તેને સ્વીકારવામાં આવી હતી. અમે ઈચ્છીએ છીએ કે NTA કમિટી દ્વારા સૂચવાયેલી ભલામણોના પાલન માટે લેવામાં આવેલા પગલાં અંગે એફિડેવિટ દાખલ કરે.”

બેન્ચે ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશન (FAIMA) તરફથી વકીલ તન્વી દુબે મારફતે દાખલ કરાયેલી અરજી પર નોટિસ જારી કરી. સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે તે આવા તમામ સમાન કેસોને એકસાથે જોડીને સુનાવણી કરી રહી છે.

મેડિકલ બોડીએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી કે તે NEET UG પરીક્ષા યોજવા માટે NTAનું પુનર્ગઠન કરવા અથવા તેની જગ્યાએ વધુ મજબૂત અને સ્વાયત્ત વ્યવસ્થા લાવવાનો નિર્દેશ આપે. કોર્ટે જણાવ્યું કે વારંવાર થતા પેપર લીકના બનાવો 22.7 લાખથી વધુ વિદ્યાર્થીઓના મૂળભૂત અધિકારો પર સીધો હુમલો છે.

મેડિકલ શિક્ષણ કાર્યક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 3 મેના રોજ લેવામાં આવેલી અંડરગ્રેજ્યુએટ સ્તરની નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ (NEET) પરીક્ષા 12 મેના રોજ પેપર લીકના આરોપોની વચ્ચે રદ કરવામાં આવી હતી, જેની હાલમાં CBI તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: CBI કરશે તપાસ, સુપ્રીમ કોર્ટની મીડિયાને નિવેદનો ન છાપવાની અપીલ

Back to top button