‘અહીં IPL ચાલે છે?’ સુપ્રીમ કોર્ટમાં સુનવણી જોવા આવેલા વકીલને ન્યાયાધીશનો સવાલ
નવી દિલ્હી, 5 જૂન, 2025: Supreme Court: ગંભીર વિવાદ અને તર્કથી ભરેલી સુપ્રીમ કોર્ટે એક ક્ષણ એવી આવી જ્યારે માહોલ હળવો થઈ ગયો અને હાજર બધાં લોકોના મોઢે સ્મિત આવી. આ નજારો ત્યારે જોવા મળ્યો જ્યારે જસ્ટિસ પી.કે મિશ્રા અને જસ્ટિસ એ.જી મસીહની ખંડપીઠમાં એક યુવા વકીલ કોઈપણ કેસ વિના ફક્ત સુનવણી જોવા પહોંત્યો હતો. ન્યાયાધીશે કોર્ટરૂમમાં ઊભા તે યુવા વકીલને જોયો તો જસ્ટિસ મિશ્રાએ પૂછ્યું કે, ‘તમે અહીં કેમ છો? શું તમે આજે કોઈ મુદ્દો ઉઠાવ્યો છે?’ વકીલે માથું હલાવીને નકારમાં જવાબ આપતા કહ્યું કે, ‘ના, માનનીય, હું તો ફક્ત સુનાવણી જોવા આવ્યો છું.’
અહીં IPL ચાલે છે?
ત્યારબાદ જસ્ટિસ મિશ્રાએ માહોલ હળવો કરી મસ્તીભર્યા અંદાજમાં કહ્યું કે, ‘કાર્યવાહી જોવા? શું અહીં IPL ચાલી રહી છે?’ જોકે, બાદમાં જસ્ટિસ મસીહે કહ્યું કે, ‘વકીલો માટે તો આ જ IPL છે.’ આ વાતથી કોર્ટ રૂમમાં હાજર અન્ય વકીલ અને સ્ટાફ પણ આ મજાકીય વાતથી હસવા લાગ્યા. યુવા વકીલે આદરપૂર્વક માથું નમાવ્યું, ત્યારે તેમની આંખોમાં ચમક હતી. કદાચ સુપ્રીમ કોર્ટમાં ન્યાયાધીશના આવા અંદાજમાં સંવાદ તેના માટે ગર્વ અને પ્રેરણાની પળ હતી.
આ નાનકડી વાતચીતથી પુરવાર થયું કે, સુપ્રીમ કોર્ટ જેવી ગંભીર સંસ્થામાં પણ માણસાઈની ભાવના અને રમૂજની જગ્યા છે. કોર્ટની ગરિમા જાળવીને પણ આવી પળમાં વકીલ અને ન્યાયાધીશ વચ્ચે એક સહજ સંબંધ બનાવે છે. આવી પળની યાદો યુવા વકીલની કારકીર્દિના પાયામાં પ્રેરણાનું કામ કરે છે અને પુરવાર કરે છે કે, ન્યાયનું મંચ તર્ક-વિતર્કનું જ નહીં પરંતુ, સંવેદનાનું પણ સ્થાન છે.
આ પણ વાંચોઃ અમેરિકામાં 1244 કરોડના હેલ્થકેર કૌભાંડમાં ફસાયા ભારતીય મૂળના ફાર્મા ટાઇકુન તન્મય શર્મા, પોલીસે કરી ધરપકડ












