બ્રોશરમાં કરેલા વચનોથી ફરી નહીં શકે બિલ્ડર, સુપ્રીમ કોર્ટે DLFને લગાવી ફટકાર

Gurugram Property: રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ લોન્ચ કરતી વખતે બિલ્ડર બ્રોશર, પેમ્ફલેટ અથવા વેબસાઇટમાં મોટી-મોટી સુવિધાઓના વચનો આપે અને પછી તેને માત્ર ‘માર્કેટિંગ’ ગણાવીને પીછેહઠ કરે, તો હવે તે સ્વીકાર્ય નહીં ગણાય. સુપ્રીમ કોર્ટે આ મુદ્દે મહત્ત્વપૂર્ણ ટિપ્પણી કરતા સ્પષ્ટ કહ્યું છે કે પ્રોજેક્ટના બ્રોશરમાં ઘર ખરીદનારાઓને કરાયેલા વચનોનું પાલન બિલ્ડરે કરવું જ પડશે.
ગુરુગ્રામ સ્થિત DLF હોમ ડેવલપર્સના ‘ધ પ્રાઇમસ’ પ્રોજેક્ટ સંબંધિત કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે આ કડક વલણ અપનાવ્યું હતું. કોર્ટે જણાવ્યું કે બ્રોશરમાં દર્શાવેલી સુવિધાઓ, લેઆઉટ અથવા અન્ય વચનોને માત્ર ગ્રાહકોને આકર્ષવા માટેનું માર્કેટિંગ મટિરિયલ ગણાવી શકાય નહીં.
બ્રોશર પ્રમાણે જ પ્રોજેક્ટ ડિલિવર કરવો પડશે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે રિયલ એસ્ટેટ ડેવલપરની જવાબદારી છે કે તે રહેણાક પ્રોજેક્ટનું નિર્માણ અને ડિલિવરી એ જ રીતે કરે જે રીતે ખરીદદારો સામે તેનો પ્રચાર કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની બેન્ચે ‘ધ પ્રાઇમસ’ પ્રોજેક્ટમાં મૂળ યોજનામાં દર્શાવેલી 24 મીટર પહોળા રોડમાં થયેલા ફેરફારોને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.
24 મીટર પહોળી રોડમાં મોટો ફેરફાર
કોર્ટ સમક્ષ રજૂ થયેલા દસ્તાવેજો મુજબ, પ્રોજેક્ટમાં 24 મીટર પહોળા રોડ માટે દર્શાવાયેલા આશરે 147 મીટર લાંબા વિસ્તારમાંથી લગભગ 52 મીટરના ભાગને ગ્રીન એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો. રોડનો મોટો હિસ્સો સોસાયટીના રહેવાસીઓ અને મહેમાનોની પાર્કિંગ માટે પણ ઉપયોગમાં લેવાતો હોવાનું સામે આવ્યું હતું. કોર્ટે નોંધ્યું કે આશરે 100 મીટર જેટલા રોડના લગભગ 66 ટકા ભાગનો ઉપયોગ ગ્રીન એરિયા અથવા પાર્કિંગ તરીકે થઈ રહ્યો હતો.
આ મામૂલી ફેરફાર નથી
બેન્ચે સ્પષ્ટ કહ્યું કે રોડ સાથે જોડાયેલા આ ફેરફારોને સામાન્ય અથવા નાનો ફેરફાર કહી શકાય નહીં. આ પ્રોજેક્ટના મૂળ સ્વરૂપ અને ખરીદદારોને કરાયેલા વચનો સાથે સીધો સંબંધ ધરાવે છે. સુપ્રીમ કોર્ટે ડેવલપરને ચેતવણી આપી છે કે આગામી સુનાવણી સુધી બ્રોશરમાં દર્શાવેલી યોજના મુજબ જરૂરી પગલાં લેવામાં નહીં આવે તો કોર્ટ યોગ્ય આદેશ પસાર કરશે.
અનેક તક છતાં સુધારો નહીં
સુપ્રીમ કોર્ટે એ વાત પર પણ નારાજગી વ્યક્ત કરી કે ડેવલપરને પ્રોજેક્ટમાં રહેલી ખામીઓ સુધારવા માટે અનેક તક આપવામાં આવી હોવા છતાં સ્થિતિમાં અપેક્ષિત ફેરફાર થયો નથી. કોર્ટે કહ્યું કે જે રીતે પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યો હતો તે પ્રમાણે તેને પૂર્ણ કરવા માટે પૂરતો સમય આપવામાં આવ્યો છે, છતાં બ્રોશરમાં કરાયેલા વચનોનું સંપૂર્ણ પાલન જોવા મળતું નથી.
CBIની સ્ટેટસ રિપોર્ટ બાદ કોર્ટનું વલણ કડક
આ મામલે CBIએ પ્રોજેક્ટના નકશા, તસવીરો અને અન્ય દસ્તાવેજોની તપાસ કર્યા બાદ સ્ટેટસ રિપોર્ટ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરી હતી. કોર્ટે અગાઉ CBIને 24 મીટર પહોળા રોડ સહિત પ્રોજેક્ટમાં કથિત અનિયમિતતાઓ અંગે પ્રાથમિક તપાસ કરવાનો નિર્દેશ આપ્યો હતો. CBIના રિપોર્ટ બાદ કોર્ટે નોંધ્યું કે મૂળ પ્રોજેક્ટ અને બ્રોશરમાં જે પ્રકારનો રોડ દર્શાવવામાં આવ્યો હતો, તેવો રોડ હાલ પ્રોજેક્ટમાં જોવા મળતો નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
હરિયાણા સરકારના અધિકારીઓ પર પણ નારાજગી
સુપ્રીમ કોર્ટે માત્ર બિલ્ડર જ નહીં પરંતુ હરિયાણા સરકાર અને તેના અધિકારીઓની કામગીરી અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. રોડ માટે જરૂરી જમીન ઉપલબ્ધ કરાવવા અને સંબંધિત મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં થયેલી બેદરકારી અંગે કોર્ટે સવાલ ઉઠાવ્યા હતા. સોસાયટીની RWA વેલફેર એસોસિયેશનના ચૂંટણી સંબંધિત પ્રશ્નોમાં પણ પૂરતી કાર્યવાહી ન થવા અંગે કોર્ટે સરકારી અધિકારીઓ પ્રત્યે નારાજગી દર્શાવી હતી. આ ટિપ્પણી રિયલ એસ્ટેટ ક્ષેત્ર માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે, કારણ કે હવે પ્રોજેક્ટના બ્રોશરમાં દર્શાવેલી સુવિધાઓ અને વચનોને માત્ર પ્રચાર કે માર્કેટિંગ કહીને અવગણવાનું બિલ્ડરો માટે મુશ્કેલ બની શકે છે.












