ગેરકાયદે અપ્રવાસીઓને દેશની બહાર કેવી રીતે મોકલશો? SCએ કેન્દ્ર અને 10 રાજ્યો પાસે એક અઠવાડિયામાં માંગ્યો જવાબ
નવી દિલ્હીઃ 29 ઓગસ્ટ, 2025: Supreme Court: સુપ્રીમ કોર્ટે શુક્રવારે (29 ઓગસ્ટ) ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને ડિપોર્ટેશન મામલે અધિકારીઓ દ્વારા સામનો કરવામાં આવી રહેલા બેવડા પડકાર અંગે ચિંતા વ્યક્ત કરી હતી. જસ્ટિસ જોયમાલા બાગચીએ કહ્યું હતું કે, કોર્ટ સમક્ષ બે ખૂબ જ સંવેદનશીલ મુદ્દા છે – એક બાજુ રાષ્ટ્રીય સુરક્ષાની વાસ્તવિક ચિંતા છે, બીજી બાજુ ભારતને તેના પડોશીઓ સાથે એક સામાન્ય સંસ્કૃતિ અને ભાષા વારસામાં મળી છે – જ્યાં પાકિસ્તાનમાં પંજાબી ભાષી નાગરિકો અને બાંગ્લાદેશમાં બંગાળી ભાષી નાગરિકો રહે છે. સુપ્રીમ કોર્ટે બંગાળી ભાષી મુસ્લિમોને બાંગ્લાદેશમાં મોટા પાયે દેશનિકાલ કરવાનો આરોપ લગાવતી અરજીની સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને 10 રાજ્યોને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવા માટે કઈ પ્રક્રિયાનું પાલન કરી રહ્યા છે તે સ્પષ્ટ કરવા કહ્યું છે. જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલા બાગચી અને જસ્ટિસ વિપુલ એમ પંચોલીની ખંડપીઠે નોટિસ જાહેર કરીને એક અઠવાડિયામાં સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.
‘પુશ-બેક’ પરિપત્ર પર કોઈ વચગાળાની રોક નહીં
જોકે, સુપ્રીમ કોર્ટે ગૃહ મંત્રાલયના ‘પુશ-બેક’ પરિપત્ર પર વચગાળાનો સ્ટે આપ્યો ન હતો, જેને અરજદારોએ પડકાર્યો હતો. તેમનો દાવો છે કે, તેના પરિણામે વિવિધ ભારતીય રાજ્યોમાંથી બંગાળી ભાષી મુસ્લિમ મજૂરોને યોગ્ય પ્રક્રિયાનું પાલન કર્યા વિના ગેરકાયદે રીતે દેશનિકાલ કરવામાં આવ્યા છે.
અરજદાર સંગઠન – પશ્ચિમ બંગાળ પ્રવાસી શ્રમિક કલ્યાણ બોર્ડ (MHA) આરોપ લગાવ્યો કે, પ્રવાસી શ્રમિકોએ મનમાની રીતે અટકાયત કરવામાં આવી રહી છે અને મે 2025ના ગૃહ મંત્રાલયના પરિપત્ર હેઠળ દેશનિકાલ કરવામાં આવી રહ્યા છે.
કેન્દ્ર સહિત 10 રાજ્યોને નોટિસ
ગત સુનાવણીમાં દેશનિકાલ પર રોક લગાવવાનો ઇનકાર કરતી વખતે, સુપ્રીમ કોર્ટે કેન્દ્ર, ઓડિશા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, દિલ્હી, બિહાર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, હરિયાણા અને પશ્ચિમ બંગાળ સરકારોને નોટિસ ફટકારી હતી. આજે, સુપ્રીમ કોર્ટે ગુજરાતને પણ નોટિસ ફટકારી, જેનાથી તે સુનાવણીનો ભાગ બનનારું દસમું રાજ્ય બન્યું.
આ સંગઠને બંગાળી ભાષી મુસ્લિમ સ્થળાંતર કામદારોની અટકાયત અંગે ચિંતા વ્યક્ત કરી છે, જેમને અનેક રાજ્યોમાં બિનદસ્તાવેજીકૃત બાંગ્લાદેશી નાગરિક હોવાની શંકાના આધારે પકડવામાં આવ્યા હતા. ગૃહ મંત્રાલયનો આ પરિપત્ર એપ્રિલ 2025 માં દેશમાં પહલગામ આતંકવાદી હુમલા પછી આવ્યો છે.
ડિપોર્ટેશનની એક પ્રક્રિયા હોવી જોઈએઃ સુપ્રીમ કોર્ટ
અરજદાર સંગઠન વતી હાજર રહેલા એડવોકેટ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે, ક્યારેક આ BSF લોકો કહે છે કે તમે તે બાજુ ભાગી જાઓ, નહીં તો અમે તમને ગોળી મારી દઈશું. આના પર જસ્ટિસ જોયમાલા બાગચીએ કહ્યું કે એકવાર કોઈ વ્યક્તિ ભારતીય ક્ષેત્રમાં પ્રવેશ કરે છે, તો તેના ડિપોર્ટેશનની પ્રક્રિયા હોવી જોઈએ.
જોકે, કેન્દ્ર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ એ વાત પર વાંધો ઉઠાવ્યો કે આ સંગઠન સુપ્રીમ કોર્ટમાં અરજી કેમ દાખલ કરી રહ્યું છે, તેના બદલે પીડિત લોકોએ અહીં આવવું જોઈએ. તેમણે કહ્યું કે ભારત ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ માટે વિશ્વની રાજધાની નથી.
ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના બળ પર કેટલાક સંગઠનો ફૂલીફાલી રહ્યા છેઃ તુષાર મહેતા
આના મુદ્દે, જસ્ટિસ બાગચીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે તમે ‘કોઈ વ્યક્તિ વિદેશી હોવાની ધારણા તરીકે ભાષાનો ઉપયોગ’ કરવાના પૂર્વગ્રહને સ્પષ્ટ કરો. જોકે, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દલીલ કરી હતી કે કેટલાક સંગઠનો ગેરકાયદે ઇમિગ્રન્ટ્સના બળ પર ખીલી રહ્યા છે. તેમણે કહ્યું, “અમે ફક્ત એ સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે ઇમિગ્રન્ટ્સ આપણા સંસાધનોનો નાશ ન કરે. એક વ્યવસ્થિત ઘૂસણખોરી છે. અમે મીડિયા રિપોર્ટ્સ પર આધાર રાખી શકતા નથી… એવા એજન્ટો છે જે ગેરકાયદે પ્રવેશમાં મદદ કરે છે.”
આ પણ વાંચોઃ રશિયાના પ્રમુખ પુતિનના ભારત મુલાકાત અંગે સામે આવ્યું અપડેટ, જાણો ક્યારે આવશે
આ પણ વાંચોઃ રાત્રે દૂધમાં પલાળી રાખો આ સફેદ વસ્તુ અને સવારે ખાલી પેટ ખાઓ












