ભારતીય ઇક્વિટી બજાર મજબૂત, આ કારણો જવાબદાર છે શાનદાર તેજી માટે, નિફ્ટી 320 પોઇન્ટ અને સેન્સેક્સ 1000 પોઇન્ટ ઉપર

મુંબઇ, 18 ઓગસ્ટ, 2024: કેન્દ્ર સરકારે સપ્ટેમ્બરમાં જીએસટી સ્લેબમાં ફેરફાર કરવાનો સંકેત આપતા અને એસએન્ડપી ગ્લોબલ દ્વારા ભારતના સોવરિન રેટિંગને અપગ્રેડ કરવામાં આવતા આજે ભારતીય ઇક્વિટી બજારમાં ભારે ઊછાળો જોવા મળ્યો છે. તેમજ આજે સવારે 9.14 કલાકે ગિફ્ટ નિફ્ટી 310 પોઇન્ટ અથવા 1.30 ટકાના વધારા સાથે ક્વોટ થઇ હતી. જેના પગલે આજે નિફ્ટી પાછલા બંધ 24,619 સામે 10 પોઇન્ટ નરમ ખુલીને હાલમાં 300 પોઇન્ટ ઉપર ચાલી રહી છે. જ્યારે સેન્સેક્સ પાછલા બંધ 80,540 સામે ફક્ત 86 પોઇન્ટના વધારા સાથે ખુલીને હાલમાં 938 પોઇન્ટ પ્લસ ચાલી રહ્યો છે. ટૂંકા ગાળામાં સર્કિટ લાગે તો નવાઇ નહીં. આમ છેલ્લા છ સપ્તાહનો ઘટાડો ખતમ થયો છે.
તેજીના મુખ્ય કારણોમાં જોઇએ તો GSTમાં મોટા સુધારાની તૈયારીઓ, ટ્રમ્પ-પુતિન બેઠકના સકારાત્મક પરિણામોની આશા, ભારત પર ગૌણ 25% ટેરિફ દૂર કરવાની શક્યતા, સ્ટીલ ક્ષેત્રને એન્ટિ-ડમ્પિંગ ડ્યુટીમાંથી રાહત અને S&Pના રેટિંગ અપગ્રેડ જેવા મોટા સમાચારોએ બજારને વેગ આપ્યો છે. ઉપરાંત, FIIના રેકોર્ડ શોર્ટ્સે શોર્ટ કવરિંગની આશા વધી છે.
આજની તેજીના જવાબદાર કારણો
GSTમાં મોટા સુધારા આવી રહ્યા છે
સરકારે સ્પષ્ટ સંકેતો આપ્યા છે કે GST સુધારા પ્રક્રિયાનો આગામી રાઉન્ડ ઝડપી હશે. દર સરળ બનશે, સામાન્ય માણસના ખિસ્સા પરનો બોજ ઓછો થશે અને MSMEsને રાહત મળશે. આનાથી વપરાશ વધશે અને ઘણા ક્ષેત્રોને ફાયદો થશે.
ટ્રમ્પ-પુતિન બેઠકથી અપેક્ષાઓ સેવાઇ રહી છે
અલાસ્કામાં યોજાનારી હાઇ-પ્રોફાઇલ બેઠક યુક્રેન યુદ્ધ પર સકારાત્મક સંકેતો આપશે તેવી અપેક્ષા છે. જો વાટાઘાટો આગળ વધશે, તો ભૂ-રાજકીય તણાવ ઓછો થશે અને વૈશ્વિક બજારોને રાહત મળશે.
ભારતમાંથી 3-25% સેકંડરી ટેરિફ દૂર થઈ શકે છે.
અમેરિકાની કડકાઈ હળવી થવાની શક્યતા છે. જો ભારત પર લાદવામાં આવેલ સેકન્ડરી 25% ટેરિફ દૂર કરવામાં આવે છે, તો ભારતીય નિકાસકારોને મોટો ફાયદો થશે. ખાસ કરીને કાપડ, એન્જિનિયરિંગ અને મેટલ ક્ષેત્રો માટે રાહત.
સ્ટીલ ક્ષેત્રને રાહત
સરકારે સ્ટીલ ઉદ્યોગને રાહત આપી છે. એન્ટિ-ડમ્પિંગ ડ્યુટી હાલ પૂરતી ચાલુ રહેશે, જે સ્થાનિક કંપનીઓને વિદેશી દબાણથી બચાવશે. સ્ટીલ કંપનીઓના શેર વધવાની અપેક્ષા છે.
S&Pનું રેટિંગ અપગ્રેડ
વૈશ્વિક એજન્સી S&P એ ભારતનું ક્રેડિટ રેટિંગ અપગ્રેડ કર્યું છે. આનાથી વિદેશી રોકાણકારોનો વિશ્વાસ વધુ વધશે અને રૂપિયો પણ મજબૂત રહી શકે છે.
FIIના રેકોર્ડ શોર્ટ્સ
વિદેશી રોકાણકારોની રેકોર્ડ શોર્ટ પોઝિશન હવે શોર્ટ કવરિંગને દબાણ કરશે. નિફ્ટી અને બેંક નિફ્ટીને આનો સીધો લાભ મળશે.
એકંદરે, સ્થાનિક સુધારાઓથી લઈને વૈશ્વિક રાજકારણ અને રેટિંગ એજન્સીઓ સુધી, એમ બધી બાજુથી સકારાત્મકતાનું વાતાવરણ છે. આજે બજારમાં મજબૂત તેજી જોવા મળી શકે છે અને રોકાણકારોનો મૂડ ઉત્સાહથી ભરેલો રહેશે.
આ પણ વાંચોઃ મફત સુવિધાના નામે તમારા ડેટા સાથે થઇ રહી છે મોટી સમજૂતિ, અત્યંત જરૂરી છે આ જાણકારી












