ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજારમાં ધમાકેદાર શરૂઆત: સેન્સેક્સ 788 અને નિફ્ટી 189 અંક ઉછળ્યા

Stock Market: શ્રાવણના પ્રથમ સોમવારે ભારતીય શેરબજારમાં જોરદાર તેજી જોવા મળી છે. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)નો સેન્સેક્સ 788 અંકના ઉછાળા સાથે 78,883ના સ્તરે ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો નિફ્ટી 189 અંક વધીને 24,572 પર પહોંચ્યો. બજાર ખુલતાની સાથે જ રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹4 લાખ કરોડનો વધારો નોંધાયો.

વૈશ્વિક સંકેતોનો બજાર પર સકારાત્મક પ્રભાવ

અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ કરાર અંગે ચાલી રહેલી ચર્ચાઓ તથા વૈશ્વિક બજારોમાંથી મળેલા સકારાત્મક સંકેતોને કારણે ભારતીય શેરબજારમાં ખરીદીનું જોર જોવા મળ્યું. જોકે મોટાભાગના એશિયન બજારોમાં નબળાઈ જોવા મળી હતી, ત્યારે અમેરિકી બજારોમાં નોંધપાત્ર તેજી નોંધાતા તેની સકારાત્મક અસર ભારતીય બજાર પર જોવા મળી.

ગિફ્ટ નિફ્ટીએ આપ્યા તેજીના સંકેત

સોમવારની શરૂઆત પહેલાં ગિફ્ટ નિફ્ટી લગભગ 24,580ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો, જે નિફ્ટી ફ્યુચર્સના અગાઉના બંધ કરતાં આશરે 200 અંકના પ્રીમિયમ પર હતો. આથી બજારમાં તેજી સાથે શરૂઆત થવાની સંભાવના પહેલેથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી.

અમેરિકી બજારોમાં મજબૂત બંધ

શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં અમેરિકી શેરબજાર મજબૂત વૃદ્ધિ સાથે બંધ થયું હતું. ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજમાં 0.53 ટકાનો વધારો નોંધાયો હતો. એસએન્ડપી 500 અને નાસ્ડેક ઇન્ડેક્સમાં પણ અનુક્રમે 0.7 ટકા અને 1 ટકા જેટલી તેજી જોવા મળી હતી.

એશિયન બજારોમાં નરમાઈ

બીજી તરફ સોમવારે જાપાનનો નિક્કેઈ, ટોપિક્સ, દક્ષિણ કોરિયાનો કોસ્પી તેમજ ઓસ્ટ્રેલિયાનો S&P/ASX 200 જેવા મુખ્ય એશિયન સૂચકાંકો ઘટાડા સાથે કારોબાર કરતા જોવા મળ્યા હતા.

ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો

આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઓક્ટોબર ડિલિવરી માટેના બ્રેન્ટ ક્રૂડમાં શરૂઆતના કારોબારમાં લગભગ 7 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જ્યારે વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ (WTI) ક્રૂડ પણ પ્રતિ બેરલ 81 ડોલરથી નીચે સરકી ગયો હતો.

ભારતીય શેરબજારની શરૂઆત તેજી સાથે થતાં રોકાણકારોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. હવે દિવસ દરમિયાન વૈશ્વિક બજારોની દિશા અને સ્થાનિક ખરીદીના ટ્રેન્ડ પર બજારની આગળની ચાલ નિર્ભર રહેશે.

Back to top button