શેરબજારમાં ફરી વેચવાલીનો માહોલ, સેન્સેક્સ 562 પોઈન્ટ તૂટ્યો; નિફ્ટી 24,100ની નીચે બંધ

Stock market: ભારતીય શેરબજારમાં 14 જુલાઈના રોજ ઘટાડાનો માહોલ જોવા મળ્યો હતો. સપ્તાહના બીજા ટ્રેડિંગ દિવસે રોકાણકારોએ મોટાપાયે વેચવાલી કરતા બેન્ચમાર્ક ઇન્ડેક્સ દબાણમાં આવ્યા હતા. દિવસના અંતે સેન્સેક્સ 561.46 પોઈન્ટ એટલે કે 0.72 ટકાના ઘટાડા સાથે 77,054.94ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 158.95 પોઈન્ટ એટલે કે 0.66 ટકા ઘટીને 24,052.05 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી ફરી એકવાર 24,100ના મહત્ત્વપૂર્ણ સ્તરની નીચે સરકી ગયો હતો. બજારમાં નબળાઈની અસર બ્રોડર માર્કેટમાં પણ જોવા મળી હતી. સમગ્ર બજારમાં કુલ 1422 શેરમાં તેજી નોંધાઈ હતી, જ્યારે 2632 શેર ઘટાડા સાથે બંધ થયા હતા. 190 શેરમાં કોઈ ખાસ ફેરફાર થયો નહોતો.
ટોપ લુઝર્સ અને ટોપ ગેઈનર્સ શેર
નિફ્ટી ઇન્ડેક્સમાં સામેલ કંપનીઓમાં HCL ટેક્નોલોજીસ, શ્રીરામ ફાઇનાન્સ, HDFC લાઇફ, ટાટા મોટર્સ અને જિયો ફાઇનાન્સિયલ સર્વિસિસ સૌથી વધુ નુકસાનમાં રહેલા શેરોમાં સામેલ રહ્યા હતા. બીજી તરફ ભારતી એરટેલ, અપોલો હોસ્પિટલ્સ, સન ફાર્મા, સિપ્લા અને ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ જેવા શેરોમાં ખરીદી જોવા મળી હતી અને તે ટોપ ગેઇનર્સ રહ્યા હતા.
સેક્ટરલ મોરચે પણ મોટાભાગના ક્ષેત્રોમાં ઘટાડો જોવા મળ્યો હતો. નિફ્ટી રિયલ્ટી ઇન્ડેક્સ સૌથી વધુ 2 ટકા ઘટ્યો હતો, જ્યારે નિફ્ટી PSU બેન્ક 1.86 ટકા, નિફ્ટી ઓટો 1.65 ટકા, નિફ્ટી બેન્ક 1.20 ટકા અને નિફ્ટી IT લગભગ 1 ટકા નીચે આવ્યા હતા.
આ ઉપરાંત નિફ્ટી પ્રાઇવેટ બેન્ક 0.91 ટકા, ઓઇલ એન્ડ ગેસ 0.76 ટકા, FMCG 0.62 ટકા, મીડિયા 0.45 ટકા અને ઇન્ફ્રા 0.41 ટકા ઘટ્યા હતા. એનર્જી અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં પણ હળવો ઘટાડો નોંધાયો હતો.
જોકે બજારમાં ઘટાડા વચ્ચે કેટલાક સેક્ટરમાં ખરીદીનો સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી ફાર્મા ઇન્ડેક્સ 1.02 ટકાની તેજી સાથે સૌથી સારું પ્રદર્શન કરનાર સેક્ટર રહ્યું હતું. ત્યારબાદ નિફ્ટી મેટલ ઇન્ડેક્સમાં 0.60 ટકાનો વધારો નોંધાયો હતો.
મોટા શેરો ઉપરાંત મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ દબાણ રહ્યું હતું. નિફ્ટી મિડકેપ 100 ઇન્ડેક્સ 0.6 ટકા અને નિફ્ટી સ્મોલકેપ 100 ઇન્ડેક્સ 1 ટકા ઘટ્યો હતો.












