MBA સ્કોલરશિપ કૌભાંડ: વિદ્યાર્થીઓને જાણ વગર 118 ખાતાં ખોલી ₹99.48 લાખની ઉચાપત, CBIની કાર્યવાહી

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં MBA વિદ્યાર્થીઓ માટેની સરકારી સ્કોલરશિપમાં થયેલા મોટા કૌભાંડનો સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI)એ પર્દાફાશ કર્યો છે. તપાસમાં સામે આવ્યું છે કે કેટલાક વિદ્યાર્થીઓએ સ્કોલરશિપ માટે અરજી પણ કરી નહોતી, છતાં તેમના નામે બેંક ખાતાં ખોલીને સરકારી સહાયની ₹99.48 લાખની રકમ ગેરરીતિ કરીને ઉપાડી લેવામાં આવી હતી.
CBIએ આ મામલે ભોપાલની એકેડેમી ઓફ મેનેજમેન્ટ કોલેજના અધિકારીઓ, કર્મચારીઓ અને UCO બેંકની હબીબગંજ શાખાના પૂર્વ સિનિયર મેનેજર સહિત કુલ સાત લોકો સામે ગુનો નોંધ્યો છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે જાન્યુઆરી 2020થી ઓક્ટોબર 2021 દરમિયાન 118 નકલી અથવા ગેરરીતિથી બેંક ખાતાં ખોલવામાં આવ્યા હતા.
વિદ્યાર્થીઓને જાણ વગર ખાતાં ખોલાયા
CBIની FIR મુજબ વિદ્યાર્થીઓની જાણકારી અથવા સંમતિ વિના તેમના નામે ખાતાં ખોલવામાં આવ્યા હતા. આ ખાતાં સાથે આરોપીઓ અથવા તેમના ઓળખીતાઓના મોબાઇલ નંબર જોડવામાં આવ્યા હતા. ત્યારબાદ સરકારી સ્કોલરશિપની રકમ આ ખાતાઓમાં જમા થતાં જ ATM કાર્ડ અને અન્ય બેંકિંગ સુવિધાનો ઉપયોગ કરીને રૂપિયા ઉપાડી લેવામાં આવતા હતા.
KYC નિયમોમાં પણ ગેરરીતિ
તપાસમાં એવો પણ આરોપ છે કે ખાતાં ખોલતી વખતે નકલી સહી, ખોટા દસ્તાવેજો અને ફરજિયાત KYC પ્રક્રિયામાં ગંભીર ગેરરીતિ કરવામાં આવી હતી. કેટલાક કેસમાં ડેબિટ કાર્ડ પણ ખાતાધારકોને આપવાને બદલે એક જ વ્યક્તિને સોંપવામાં આવ્યા હતા, જેથી સમગ્ર વ્યવહાર પર આરોપીઓનો કાબૂ રહે.
CBIની તપાસ ચાલુ
CBIએ આ કેસમાં ફોજદારી ષડયંત્ર, છેતરપિંડી, બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધ્યો છે. તપાસ એ દિશામાં પણ ચાલી રહી છે કે શું આ પ્રકારની ગેરરીતિમાં અન્ય લોકો પણ સામેલ હતા અને શું આવું કૌભાંડ અન્ય સંસ્થાઓમાં પણ થયું છે.












