રાજકોટ વાસીઓ ચેતજો! 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘી ઝડપાયું

Adulterated Ghee Raid : રાજકોટમાં ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે કાર્યવાહી દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)ની ટીમે મોટી કાર્યવાહી કરી છે. ભક્તિનગર વિસ્તારમાં કેવડાવાડી મેઈન રોડ પર આવેલા વોલ્ગા ઘી ડેપો (Volga Ghee Depot)માં દરોડો પાડી પોલીસે 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે. સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં સ્ટેશન ડાયરી નોંધ કરવામાં આવી છે.
સોયાબીન ઓઇલ અને વનસ્પતિ ઘી ભેળવવાનો આરોપ
મળતી માહિતી પ્રમાણે રાજકોટ SOGને બાતમી મળી હતી કે કેવડાવાડી મેઈન રોડ પર આવેલા વોલ્ગા ઘી ડેપોમાં કેવલ ચંદ્રાણી (Keval Chandrani) નામનો વેપારી સોયાબીન ઓઇલ (Soybean Oil), વનસ્પતિ ઘી (Vanaspati Ghee) અને દૂધમાંથી બનેલી સામગ્રીને ભેળવીને ઘી તૈયાર કરી રહ્યો છે.
આ ઘી અલગ-અલગ ડબામાં પેક કરીને ગ્રાહકોને વેચવામાં આવતું હોવાની માહિતીના આધારે SOGની ટીમે ડેપો પર દરોડો પાડ્યો હતો.
₹2.83 લાખથી વધુનો મુદ્દામાલ મળ્યો
દરોડા દરમિયાન ડેપોમાંથી 500 કિલોથી વધુ શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો હતો. આ ઉપરાંત ‘જામખંભાળિયાનું શુદ્ધ ભેંસનું વલોણાનું ઘી’ (Pure Buffalo Ghee) અને ‘ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી’ (Pure Desi Cow Ghee) જેવા લખાણવાળા સ્ટીકરો પણ મળી આવ્યા હતા.
અલગ-અલગ કિંમત દર્શાવતા સ્ટીકરો સહિત પોલીસે કુલ ₹2,83,976ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હોવાનું જાણવા મળ્યું છે.
ઘીના છ નમૂના લેવામાં આવ્યા
SOGની કાર્યવાહી બાદ રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ હેઠળ આવતા ફૂડ વિભાગની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી. ફૂડ વિભાગે લુઝ ઘીના ત્રણ નમૂના ઉપરાંત હોમમેડ કાઉ ઘી (Homemade Cow Ghee), ગૌશાળાનું શુદ્ધ દેશી ગાયનું ઘી અને કામધેનું પ્રીમિયમ ઘી (Kamdhenu Premium Ghee) સહિત કુલ છ નમૂના લીધા છે.
આ તમામ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. હવે લેબોરેટરીના રિપોર્ટ બાદ આ ઘી ખાદ્ય ધોરણો પર ખરું ઉતરે છે કે નહીં તે સ્પષ્ટ થશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પ્રતિ લીટર ₹400થી ₹1,799 સુધીના ભાવ
તપાસ દરમિયાન ડેપોમાંથી ઘીનું પ્રાઈસ લિસ્ટ પણ મળી આવ્યું હતું. તેમાં અલગ-અલગ પ્રકારના ઘીના ભાવ પ્રતિ લીટર ₹400થી લઈને ₹1,799 સુધી દર્શાવવામાં આવ્યા હતા.
પોલીસના જણાવ્યા અનુસાર, સમગ્ર મામલામાં માત્ર ઘીની ગુણવત્તા જ નહીં પરંતુ શંકાસ્પદ ઘીને અલગ-અલગ જાણીતા નામો અને ગૌશાળાના નામ સાથે વેચવામાં આવતું હતું કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે.
હવે લેબ રિપોર્ટ પર નજર
હાલમાં ઘીના છ નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હોવાથી તેના રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. લેબોરેટરી પરીક્ષણમાં ઘી સબ-સ્ટાન્ડર્ડ (Substandard) અથવા ભેળસેળયુક્ત હોવાનું બહાર આવે છે કે નહીં, તેના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.











