સસ્તા અનાજના વેપારીઓની 20 પૈકી 11 માંગણીઓ ઉપર રાજ્ય સરકારનો હકારાત્મક પ્રતિભાવ

- વેપારીઓ સાથે યોજાયેલી બેઠક બાદ અન્ન અને પુરવઠા વિભાગે લેખિત સૂચનાઓ આપી
- તાત્કાલિક ધોરણે વિતરણ પ્રક્રિયા પૂર્ણ કરવા બાકી દુકાનદારોને અનુરોધ
- ચાલુ વાવાઝોડાની સ્થિતિમાં ૩.૫ કરોડ લાભાર્થીઓના હિત સર્વોપરી
ગાંધીનગર, 1 નવેમ્બર : હાલમાં રાજ્યભરમાં ચાલી રહેલી સસ્તા અનાજના વેપારીઓની હડતાળ અંગે મહત્વના સમાચાર આવી રહ્યા છે. જેમાં હડતાળ પૂર્વે એસોસિએશન દ્વારા મૂકવામાં આવેલી 20 પડતર માંગણીઓ પૈકી 11 માંગણીઓ અંગે રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિભાવ આપ્યો છે.
તા. ૨૫/૧૦/૨૦૨૫ની રજૂઆતનાં સંદર્ભે આજરોજ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોનાં વિભાગ ખાતે એસોસીએશનના પ્રતિનિધિઓ સાથે તેમની પડતર માંગણીઓ સંદર્ભે એક બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠકમાં એસોસીએશનનાં આવેદનપત્રની કુલ ૨૦ માંગણીઓ પૈકી ૧૧ જેટલા મુદ્દાઓ સાથે હકારાત્મક અભિગમ દાખવીને વિભાગ દ્વારા સંબંધિત કચેરીઓ તેમજ જિલ્લા કક્ષાએ વહીવટી તંત્ર અને પુરવઠા તંત્રને લેખિતમાં સૂચનાઓ આપવામાં આવેલ છે.
વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, નવેમ્બર માસનાં વિતરણ માટે નોંધપાત્ર સસ્તા અનાજનાં દુકાનદારોએ ચલણ ભરવાની કામગીરી પૂર્ણ કરેલ છે. PM નરેન્દ્રભાઈ મોદી દ્વારા NFSA લાભાર્થીઓ માટે શરૂ કરાયેલી યોજનાને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વધુ સઘન બનાવી લાભાર્થીઓ તેમજ સસ્તા અનાજનાં દુકાનદારોના હિતાર્થે ઘણાં પગલાં લેવામાં આવેલા છે.
વર્તમાન સાંપ્રત વાવાઝોડાની પરિસ્થિતિ અને જાહેરહિતને ધ્યાને લઈને, NFSA હેઠળ નોંધાયેલા ૩.૫ કરોડ જેટલા લાભાર્થીનાં હિતને સર્વોપરી રાખીને, બાકી રહેલા વાજબી ભાવની દુકાનદારોને તાત્કાલિક ધોરણે વિતરણ અંગે ચલણ સંબંધિત કામગીરી કરવા તથા નાણાની ભરપાઈ કરવા આગ્રહભર્યો અનુરોધ કરવામાં આવે છે, જેથી લાભાર્થીઓને સમયસર અનાજનો જથ્થો મળી રહે.












