ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

VIDEO : સચિને 27 વર્ષ પહેલા ફટકારેલી સદી અવિસ્મરણીય બની ગઈ, આખો દેશ ભાવુક બની ગયો હતો

Sachin Tendulkar 140 vs Kenya 1999 World Cup: ક્રિકેટના ઇતિહાસમાં એવા કેટલાય પ્લેયર છે જેમણે ગ્રાઉન્ડમાં અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. જો કે ઘણીવાર ક્રિકેટમાં એવો સમય આવે છે જ્યારે ક્રિકેટરની સાથે ફેન્સને પણ ભાવુક બની જાય છે. આજે 23 મે એ ક્રિકેટ ઇતિહાસમાં આવી જ એક ઊંડી ભાવનાત્મક, ઐતિહાસિક અને અદમ્ય ક્ષણ વર્ષો પહેલા બની હતી, જેને ક્રિકેટના ફેન્સ હજુ સુધી ભૂલ્યા નથી.

વિશ્વ ક્રિકેટની સૌથી ભાવુક પળ હતી

આજ (23 મે 2026)થી બરાબર 27 વર્ષ પહેલાં, વર્ષ 1999ના આજના દિવસે “ક્રિકેટ ગોડ” અને માસ્ટર બ્લાસ્ટર તરીકે ઓળખાતા સચિન તેંડુલકરે ICC ODI (વન-ડે) વર્લ્ડ કપમાં કેન્યા સામે એક ઇનિંગ રમી હતી જેનાથી સમગ્ર રમત જગતની આંખોમાં આંસુ આવી ગયા હતા. આ કોઈ સામાન્ય સદી નહોતી. તે દેશ પ્રત્યેની અતૂટ વફાદારી અને એક પુત્ર પોતાના સ્વર્ગસ્થ પિતાને આપી શકે તેવી સૌથી મોટી શ્રદ્ધાંજલિ હતી. આ વિશ્વ ક્રિકેટની સૌથી ભાવુક પળ હતી.

ભારતીય ટીમને મધ્યરાત્રિએ મોટો ઝટકો લાગ્યો

ઈંગ્લેન્ડની ધરતી પર રમાયેલો એ 1999નો વન-ડે વર્લ્ડ કપ તેના ચરમ પર હતો. ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા સામે તેની પહેલી મેચ હારી ગઈ હતી અને આગામી મેચમાં ઝિમ્બાબ્વેનો સામનો કરવાનો હતો. જો કે આ વચ્ચે મધ્યરાત્રિએ ભારતને મોટો ઝટકો લાગ્યો હતો, કારણ કે, સચિન તેંડુલકર, જે ઇંગ્લેન્ડમાં હતા, તેમને એવા સમાચાર મળ્યા જેનાથી સચિન અને ભારતીય ટીમમાં ટેન્શન આવી ગયું હતું.

સમાચાર કોઈ સામાન્ય ન હતા

આ કોઈ સામાન્ય સમાચાર ન હતા, પરંતુ સચિનના માર્ગદર્શક અને પિતા, પ્રોફેસર રમેશ તેંડુલકરનું મુંબઈમાં અચાનક હૃદયરોગના હુમલાથી અવસાન થયું. સચિન વર્લ્ડ કપ અધવચ્ચેથી જ છોડીને પોતાના પિતાના અંતિમ સંસ્કાર માટે મુંબઈ પાછો ફર્યો. સચિનની ગેરહાજરીમાં જે ન થવાનું હતું તેવું જ બન્યું અને ભારતીય ટીમ ઝિમ્બાબ્વે સામેની મેચ પણ હારી ગઈ, જેના કારણે ભારત ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જવાના ભયમાં મુકાઈ ગયું.

માતાના શબ્દોએ સચિનનો નિર્ણય બદલી નાખ્યો

26 વર્ષીય સચિન તેના પિતાના મૃત્યુથી ખૂબ જ દુઃખી હતા. તે સમયે તે કદાચ ફરીથી ઈંગ્લેન્ડ જવાની સ્થિતિમાં નહોતા, પરંતુ તેમની માતા, રજની તેંડુલકર અને તેમના પરિવારે આ મુશ્કેલ સમયમાં તેને સાંત્વના આપી. સચિનના માતાએ ​પોતાના દીકરાને ​કહ્યું કે, ‘તારા પિતા હંમેશા તને દેશ માટે રમતા જોવા માંગતા હતા. જો તું ઘરે રહીશ તો તેની આત્માને શાંતિ નહીં મળે. જા અને દેશ માટે રમ.’ માતાના આ શબ્દોને લઈને, સચિન તરત જ ભારે હૃદયે ઈંગ્લેન્ડ જવા રવાના થઈ ગયા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

એક પુત્રએ મેદાનમાં ઉતરીને ઇતિહાસ રચ્યો

પિતાના અંતિમ સંસ્કારના માત્ર ત્રણ દિવસ પછી, સચિન તેંડુલકરે 23 મે 1999ના રોજ, બ્રિસ્ટલમાં કેન્યા સામે રમવા માટે મેદાનમાં ઉતર્યા ત્યારે સમગ્ર દેશની નજર તેના પર રાખી રહ્યો હતો કે તે આટલી ગંભીર વ્યક્તિગત દુર્ઘટનામાંથી કેવી રીતે બહાર નીકળશે. પરંતુ તે દિવસે સચિને જે કર્યું તેનાથી તેમને ઇતિહાસમાં અમર બનાવી દીધા, પણ સાબિત કર્યું કે તેઓ “ક્રિકેટના ગોડ” તરીકે કેમ ઓળખાય છે.

આકાશ તરફ જોઈને તેમના પિતાને આપી શ્રદ્ધાંજલિ

કેન્યા સામે ચોથા નંબરે બેટિંગ કરવા આવતા, સચિને કેન્યાના બોલરોને ઝુડી કાઢ્યા હતા, માત્ર 101 બોલમાં ત્રણ છગ્ગા અને 16 ચોગ્ગાની મદદથી તાબડતોબ બેટિંગ કરીને અણનમ 140 રનની મેરથોન ઈનિંગ રમી હતી. સચિનની સદીને કારણે ભારતે કેન્યાને 94 રનથી હરાવ્યું. જ્યારે સચિને પોતાની સદી પૂરી કરી, ત્યારે તેના ચહેરા પર કોઈ સામાન્ય ઉજવણી નહોતી. તેણે ભીની આંખો સાથે બેટ ઉંચુ કર્યું અને પોતાના સ્વર્ગસ્થ પિતાને યાદ કરીને આકાશ તરફ માથું ઉંચુ કર્યું. સચિન તેંડુલકરનો આ ફોટો ક્રિકેટ ઇતિહાસનો સૌથી ભાવુક ફોટો બની ગયો. આ પછી, જ્યારે પણ સચિને પોતાની કારકિર્દી દરમિયાન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સદી ફટકારી, ત્યારે તે હંમેશા આકાશ તરફ જોઈને પોતાના પિતાના યાદ કરતા હતા.

આ પણ વાંચો : ધોનીના એવા 7 રેકોર્ડ જે હવે કોઈ નહીં તોડી શકે!
Back to top button