ગુજરાતટ્રેન્ડિંગ

ગુરુપૂર્ણિમા નિમિત્તે સાળંગપુર કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરે સુવર્ણવાઘા અને દિવ્ય શણગારના ભક્તિમય દર્શન

સાળંગપુર: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત વિશ્વવિખ્યાત યાત્રાધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુર ખાતે પ.પૂ. શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી ગુરુપૂર્ણિમા તથા વ્યાસપૂર્ણિમા પર્વની ભવ્ય અને ભક્તિમય ઉજવણી કરવામાં આવી હતી.

તા. 29 જુલાઈ, 2026ના રોજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજને અંદાજે 8 કિલો શુદ્ધ સોનું, સાચા હીરા અને કિંમતી રત્નોથી નિર્મિત સુવર્ણવાઘા ધારણ કરાવવામાં આવ્યા હતા. આ અલૌકિક વાઘામાં રિયલ ડાયમંડ, રૂબી, બિકાનેરી મીણા અને એન્ટીક વર્કની અદભુત કારીગરી જોવા મળી હતી. દાદાના સિંહાસનને સેવંતી, ગુલાબ અને ગલગોટાના મિશ્રિત પુષ્પોથી દિવ્ય શણગારવામાં આવ્યું હતું, જેના દર્શને ભક્તો મંત્રમુગ્ધ બની ગયા હતા.

વહેલી સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા સવારે 7:00 કલાકે પૂજારી સ્વામી દ્વારા શણગાર આરતી સંપન્ન કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કષ્ટભંજનદેવને મોહનથાળનો અન્નકૂટ અર્પણ કરવામાં આવ્યો હતો. ઉપરાંત અનેક હરિભક્તોએ દાદાને ધજા અર્પણ કરી પોતાની અખંડ શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

ગુરુપૂર્ણિમા નિમિત્તે સવારે 6:30થી 7:00 કલાક દરમિયાન સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીનું ભાવપૂજન અને અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ પ.પૂ. નારાયણમુનિ સ્વામી તથા હૃદયસ્વામીના પવિત્ર હસ્તે સદ્‌ગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીની આરતી ઉતારવામાં આવી હતી. મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું અને તમામ હરિભક્તોને ગુરુપૂર્ણિમાની હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

સાંજે 4:30 કલાકે શ્રી કષ્ટભંજનદેવના દિવ્ય રાજોપચાર પૂજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર ઉત્સવ દરમિયાન હજારો હરિભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન દર્શનનો લાભ લઈ ભક્તિભાવ સાથે ધન્યતાનો અનુભવ કર્યો હતો.

આ પણ વાંચો: દેશમાં ખેડૂતો-યુવાનો એક થયા, CJPના નેતાઓએ રાકેશ ટિકૈત સાથે મુલાકાત કરી

Back to top button