ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

શેરબજારમાં ભૂકંપ: માત્ર 4 કલાકમાં રોકાણકારોના 4 લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટ્યો

Stock market: ભારતીય શેરબજારમાં બુધવારે (22 જુલાઈ) ભારે વેચવાલી જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાંથી આવેલા નકારાત્મક સંકેતો, અમેરિકા-ઈરાન વચ્ચે વધતા તણાવ, કાચા તેલના ઊંચા ભાવ અને અમેરિકાના નવા ટેરિફની જાહેરાતની અસર ભારતીય બજાર પર સ્પષ્ટ જોવા મળી હતી. ટ્રેડિંગના પ્રથમ ચાર કલાકમાં જ રોકાણકારોની સંપત્તિમાં અંદાજે ₹4 લાખ કરોડનો ઘટાડો નોંધાયો હતો.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન એક દિવસમાં લગભગ ₹4 લાખ કરોડ ઘટીને ₹480.34 લાખ કરોડ પર પહોંચી ગયું હતું. અગાઉના ટ્રેડિંગ સેશનમાં આ આંકડો લગભગ ₹484.30 લાખ કરોડ હતો.

સવારે શરૂ થયેલી વેચવાલી બપોર સુધી વધુ તેજ બની હતી. સેન્સેક્સ 800થી વધુ પોઈન્ટ તૂટીને 76,641ની સપાટીએ આવી ગયો હતો, જ્યારે નિફ્ટી 24,000ની મહત્ત્વપૂર્ણ સપાટી તોડી 23,961 સુધી સરકી ગયો હતો. મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં તો 1.5 ટકાથી વધુનો ઘટાડો નોંધાયો હતો, જેના કારણે નાના રોકાણકારો પણ ભારે અસરગ્રસ્ત બન્યા હતા.

શેરબજારમાં ઘટાડાના 5 મુખ્ય કારણો

1. ટ્રમ્પના નવા ટેરિફની જાહેરાત

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે 1 ઓગસ્ટથી અમેરિકા આયાત થતી તમામ જનરિક દવાઓ પર 100% ટેરિફ લાગુ કરવામાં આવશે, જે આગામી વર્ષથી વધારીને 200% કરવામાં આવશે. આ જાહેરાતથી ખાસ કરીને ભારતીય ફાર્મા કંપનીઓના શેરમાં ભારે દબાણ જોવા મળ્યું હતું.

2. અમેરિકા-ઈરાન વચ્ચે વધતો સંઘર્ષ

મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે વૈશ્વિક રોકાણકારોમાં ચિંતા વધી છે. ઈરાને અમેરિકાના સૈન્ય મથકો પર ડ્રોન હુમલાનો દાવો કર્યો છે, જ્યારે અમેરિકાએ પણ ઈરાનના પરમાણુ કેન્દ્રો નજીક હુમલાની કાર્યવાહી તેજ કરી છે. આ ભૂરાજકીય અનિશ્ચિતતાએ વૈશ્વિક બજારોને નબળા બનાવ્યા છે.

3. ક્રૂડ ઓઈલ $92 પ્રતિ બેરલને પાર

બ્રેન્ટ ક્રૂડનો ભાવ સતત ચોથા દિવસે વધીને $92.67 પ્રતિ બેરલ પર પહોંચ્યો છે, જે છેલ્લા કેટલાક મહિનાનો સૌથી ઊંચુ સ્તર છે. ભારત જેવા કાચા તેલના મોટા આયાતકાર દેશ માટે આ ચિંતાજનક સ્થિતિ માનવામાં આવે છે, કારણ કે તે મોંઘવારી અને આયાત ખર્ચ બંનેમાં વધારો કરી શકે છે.

4. રૂપિયો વધુ નબળો પડ્યો

ડોલરની સરખામણીએ ભારતીય રૂપિયો વધુ નબળો બની 96.36 પ્રતિ ડોલર સુધી સરક્યો હતો. કાચા તેલના વધતા ભાવ અને વૈશ્વિક અનિશ્ચિતતાને કારણે ડોલરની માંગ વધી રહી છે, જેના કારણે રૂપિયામાં દબાણ જોવા મળી રહ્યું છે.

5. ડોલર ઇન્ડેક્સ અને અમેરિકન બોન્ડ યિલ્ડમાં વધારો

અમેરિકન ડોલર ઇન્ડેક્સ 101ની ઉપર પહોંચ્યો છે, જ્યારે 10 વર્ષની અમેરિકન ટ્રેઝરી બોન્ડ યિલ્ડ 4.635% સુધી વધી છે. સામાન્ય રીતે આવી સ્થિતિમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) ભારત જેવા ઉભરતા બજારોમાંથી નાણાં કાઢીને અમેરિકાના સુરક્ષિત રોકાણોમાં મૂકે છે, જેના કારણે ભારતીય શેરબજારમાં વેચવાલી વધી જાય છે.

આ પણ વાંચોઃ અભિજીત દીપકેનું મોટું નિવેદન: સોનમ વાંગચુક ઉપવાસ તોડે, પરંતુ CJPનું આંદોલન નહીં
Back to top button