ટોપ ન્યૂઝટ્રેન્ડિંગબિઝનેસ

RBI પોલિસી પહેલા બજારમાં જોરદાર તેજી, Sensex 685 પોઈન્ટ ઉછળ્યો, Nifty 22,776 પર બંધ

Share Market Closing: ભારતીય શેરબજારમાં 6 ઓક્ટોબર 2026ના રોજ જોરદાર ખરીદી જોવા મળી. RBIની મોનેટરી પોલિસી પહેલા રોકાણકારોમાં સકારાત્મક સેન્ટિમેન્ટ જોવા મળતા સેન્સેક્સ અને નિફ્ટી લગભગ 1 ટકા ઉછળી બંધ થયા હતા. સતત ચાર ટ્રેડિંગ સેશનની નબળાઈ બાદ બજારમાં હવે સતત બીજા દિવસે તેજી નોંધાઈ છે. ટ્રેડિંગના અંતે બીએસઈ સેન્સેક્સ 685.34 પોઈન્ટ એટલે કે 0.95 ટકા વધીને 73,067.81 પર બંધ થયો છે. જ્યારે NSE Nifty 50 220.35 પોઈન્ટ એટલે કે 0.98 ટકા ઉછળી 22,776.10 પર બંધ થયો હતો. ખાસ વાત એ રહી કે બંને મુખ્ય ઇન્ડેક્સ દિવસના ઊંચા સ્તરની નજીક બંધ થયા.

Nifty ફરી 22,700 પાર

Niftyએ 29 સપ્ટેમ્બર બાદ ફરી એકવાર 22,700નું મહત્ત્વપૂર્ણ સ્તર પાર કર્યું હતું. બજારમાં માત્ર લાર્જકેપ જ નહીં પરંતુ મિડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મિડકેપ ઇન્ડેક્સમાં આશરે 0.9 ટકાનો અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 1.2 ટકાનો વધારો નોંધાયો હતો. BSE પર કારોબાર થયેલા શેરોમાં પણ તેજીનું પલ્લું ભારે રહ્યું હતું. આશરે 2,685 શેર વધીને બંધ થયા, જ્યારે 1,495 શેરમાં ઘટાડો જોવા મળ્યો અને 197 શેર લગભગ સ્થિર રહ્યા હતા.

રોકાણકારોની સંપત્તિમાં ₹3 લાખ કરોડથી વધુનો વધારો

બજારમાં આવેલા વ્યાપક ઉછાળાના કારણે BSE પર લિસ્ટેડ કંપનીઓના કુલ માર્કેટ કેપિટલાઇઝેશનમાં ₹3 લાખ કરોડથી વધુનો વધારો નોંધાયો. એટલે કે એક જ સેશનમાં રોકાણકારોની સંપત્તિમાં મોટો વધારો જોવા મળ્યો.

બજારમાં તેજીના 4 મોટા કારણ

  1. બેન્કિંગ શેરોમાં જોરદાર ખરીદી

પ્રાઈવેટ અને ફાઈનાન્શિયલ શેરોમાં તેજી જોવા મળી. કોટક બેન્ક અને એક્સિસ બેન્ક જેવા મોટા બેન્કિંગ શેરોમાં ખરીદીથી બજારને મજબૂત સપોર્ટ મળ્યો. કોટક બેન્કના ત્રિમાસિક બિઝનેસ અપડેટમાં એડવાન્સ અને ડિપોઝિટ ગ્રોથ મજબૂત રહેતા શેરમાં ખાસ ઉછાળો જોવા મળ્યો હતો.

  1. ક્રૂડ ઓઈલમાં નરમાઈ

આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં ઘટાડો પણ ભારતીય બજાર માટે પોઝિટિવ રહ્યો. બ્રેન્ટ ક્રુડ આશરે 101 ડોલર પ્રતિ બેરલની આસપાસ ટ્રેડ થતું હતું. ભારત મોટાપાયે ક્રૂડ ઓઈલ આયાત કરે છે, એટલે ક્રૂડમાં નરમાઈ બજાર માટે રાહતરૂપ માનવામાં આવે છે.

  1. વૈશ્વિક બજારોમાંથી પોઝિટિવ સંકેત

અમેરિકન ટેક્નોલોજી શેરોમાં ખરીદી અને એશિયન બજારોમાં સકારાત્મક ટ્રેન્ડથી સ્થાનિક બજારનું સેન્ટિમેન્ટ મજબૂત બન્યું. US ફ્યુચર્સ અને એશિયા-પેસિફિકના કેટલાક મુખ્ય ઇન્ડેક્સમાં પણ તેજી જોવા મળી હતી.

  1. વેલ્યુ બાઈંગ અને શોર્ટ કવરિંગ

છેલ્લા કેટલાક સેશનમાં આવેલા ઘટાડા બાદ રોકાણકારોએ નીચા ભાવે પસંદગીના શેરોમાં ખરીદી શરૂ કરી હતી. શોર્ટ કવરિંગથી પણ બજારની તેજીને વધારાનો ટેકો મળ્યો હતો.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

કયા સેક્ટરમાં સૌથી વધુ તેજી?

સેક્ટર મુજબ જોઈએ તો પ્રાઈવેટ બેન્ક, મેટલ અને ફાર્મા શેરોમાં સૌથી મજબૂત ખરીદી જોવા મળી. બેન્ક, કન્ઝ્યુમર ડ્યુરેબલ, એનર્જી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મીડિયા, મેટલ, ફાર્મા, ઓઈલ અને ગેસ તેમજ પ્રાઈવેટ બેન્ક ઈન્ડેક્સમાં 0.5થી 1 ટકા અથવા તેથી વધુની તેજી રહી હતી. બીજી તરફ Nifty IT ઇન્ડેક્સ નબળો રહ્યો..

RBI પોલિસી પર હવે બજારની નજર

માર્કેટમાં આજની તેજી વચ્ચે હવે રોકાણકારોની નજર RBIની મોનેટરી પોલિસી પર છે. વ્યાજદર, મોંઘવારી અને લિક્વિડિટી અંગે RBI શું સંકેત આપે છે તે આગામી સેશનની દિશા નક્કી કરવામાં મહત્ત્વપૂર્ણ બની શકે છે. ટેકનિકલ રીતે પણ Nifty માટે 22,820-22,840 આસપાસનો વિસ્તાર નજીકનો રેઝિસ્ટન્સ માનવામાં આવી રહ્યો છે. જો ઇન્ડેક્સ આ ઝોનને પાર કરવામાં સફળ રહે તો આગળની તેજી માટે માર્ગ ખુલ્લો થઈ શકે છે. જ્યારે 22,510-22,530નો ઝોન મહત્ત્વપૂર્ણ સપોર્ટ તરીકે જોવામાં આવી રહ્યો છે.

આ પણ વાંચોઃ એક મહિનામાં કેટલી કમાણી કરે છે CEC જ્ઞાનેશ કુમાર? કુલ સંપત્તિ કેટલી?
Back to top button