દિવસભર શેરબજારમાં ઉથલપાથલ, અંતે સપાટ બંધ થયા સેન્સેક્સ અને નિફ્ટી

Stock Market: અઠવાડિયાના પ્રથમ ટ્રેડિંગ દિવસે ભારતીય શેરબજારમાં ભારે ચઢાવ-ઉતાર જોવા મળ્યો. ક્યારેક ખરીદીનો માહોલ બન્યો તો ક્યારેક વેચવાલીનું દબાણ વધ્યું. જોકે દિવસના અંતે સેન્સેક્સ અને નિફ્ટી બહુ નાની તેજી સાથે લગભગ સપાટ બંધ થયા હતા. બીજી તરફ મિડકેપ શેરોમાં મજબૂત ખરીદી જોવા મળતા રોકાણકારોને થોડો સહારો મળ્યો. સોમવારે BSE સેન્સેક્સ 43.27 પોઇન્ટ એટલે કે 0.06 ટકાની નાની તેજી સાથે 78,542.44 પર બંધ થયો. NSE નિફ્ટી-50 પણ 13.15 પોઇન્ટ અથવા 0.05 ટકા વધીને 24,583.80 પર બંધ રહ્યો.
બજારમાં ખરીદી-વેચવાલી લગભગ બરાબર
આજના સત્રમાં માર્કેટ બ્રેડ્થ પણ મિશ્ર રહી. આશરે 2,103 શેરોમાં તેજી નોંધાઈ, જ્યારે 2,107 શેરો ઘટાડા સાથે બંધ થયા. 184 શેરોના ભાવમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. આ આંકડા દર્શાવે છે કે બજારમાં ખરીદદારો અને વેચાણકારો વચ્ચે આખો દિવસ ખેંચતાણ રહી.
Titan અને Bajaj Financeમાં તેજી
નિફ્ટી-50માં Titan Company સૌથી મોટી ગેનર રહી. Titanનો શેર 3.14 ટકા વધીને ₹5,098.20 પર બંધ થયો. Tata Consumerમાં આશરે 2.4 ટકા અને Bajaj Financeમાં 2.2 ટકાની તેજી જોવા મળી. Shriram Finance અને Grasimમાં પણ અનુક્રમે લગભગ 2 ટકા અને 1.7 ટકાનો વધારો નોંધાયો. Asian Paints, Tata Steel, Infosys અને Axis Bank જેવા શેરોમાં પણ ખરીદીનો માહોલ રહ્યો હતો.
SBIમાં સૌથી વધુ દબાણ
બીજી તરફ PSU બેન્કિંગ અને કેટલાક હેવીવેઇટ શેરોમાં વેચવાલીએ બજારની તેજીને મર્યાદિત રાખી. State Bank of Indiaનો શેર 2.39 ટકા તૂટ્યો અને નિફ્ટી-50માં સૌથી મોટો લૂઝર રહ્યો. ITCમાં 1.23 ટકા અને Eternalમાં લગભગ 1.57 ટકાનો ઘટાડો નોંધાયો.
મિડકેપ શેરોએ મારી બાજી
મુખ્ય ઇન્ડેક્સ સપાટ રહ્યા હોવા છતાં મિડકેપ શેરોમાં સારી ખરીદી જોવા મળી. સેક્ટોરલ ઈન્ડેક્સમાં Nifty Realty લગભગ 1.3 ટકા વધીને સૌથી આગળ રહ્યો. Consumer Durables ઇન્ડેક્સમાં 0.4 ટકા અને Private Bank ઇન્ડેક્સમાં આશરે 0.5 ટકાની તેજી નોંધાઈ. બીજી તરફ Nifty PSU Bank ઇન્ડેક્સ 1.6 ટકા તૂટ્યો. Oil & Gas ઇન્ડેક્સમાં 0.3 ટકા અને Infra ઇન્ડેક્સમાં 0.4 ટકાનો ઘટાડો થયો.












