Semicon 2.0: ચિપ ઉદ્યોગને મળશે દેશી પુરવઠાકારોનો લાભ, MSME માટે ખાસ ઇન્સેન્ટિવની ઘોષણાની સંભાવના

નવી દિલ્હી, 1 સપ્ટેમ્બર, 2025: કેન્દ્ર સરકાર ઇન્ડિયા સેમીકન્ડક્ટર મિશનના બીજા તબક્કા (ISM 2) હેઠળ સૂક્ષ્મ, લઘુ તેમજ મધ્યમ સાહસો (MSMEs)માટે વિશેષ પ્રોત્સાહનની ઘોષણા કરી શકે છે. વરિષ્ટ સરકારી અધિકારીઓે જણાવ્યું હતુ કે આ મિશનના 15 અબજ ડોલરના આગામી તબક્કામાં સરકારની નજર MSMEને પ્રોત્સાહન આપવા પર હશે, જેથી વૈશ્વિક ચિપ ઉત્પાદકો માટે કાચા માલના પુરવઠાકાર બનવવા માટે પ્રોત્સાહિત કરી શકાય.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, “હવે અમે સ્થાનિક કંપનીઓ બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ જે સેમીકન્ડક્ટર કંપનીઓને કાચો માલ પૂરો પાડી શકે. ISM2 હેઠળ આ એક મુખ્ય પ્રાથમિકતા ક્ષેત્ર હશે. સેમિકન્ડક્ટર માટે સંપૂર્ણ વાતાવરણ બનાવવું અમારી પ્રાથમિકતા રહેશે.” સરકાર ISMના બીજા તબક્કા હેઠળ અરજીઓ સબમિટ કરતી સંભવિત વૈશ્વિક કંપનીઓ માટે વ્યવસાય કરવાની સરળતામાં સુધારો કરવા માટે ઉદ્યોગ તરફથી પ્રસ્તાવ પર પણ વિચાર કરી રહી છે.
તેમણે જણાવ્યું હતું કે, “પરંપરાગત અને અદ્યતન પેકેજિંગ ટેકનોલોજી બંને માટે OSAT (આઉટસોર્સ્ડ સેમિકન્ડક્ટર એસેમ્બલી અને ટેસ્ટિંગ) અથવા ATMP (એસેમ્બલી, ટેસ્ટિંગ, માર્કિંગ અને પેકેજિંગ) યુનિટ સ્થાપવા માટેનું એકંદર પ્રોત્સાહન 30 અથવા 40 ટકા સુધી ઘટાડી શકાય છે. પરંતુ સ્થાનિક સપ્લાયર્સ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. આનાથી રોજગાર સર્જનને પણ વેગ મળશે.” વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર સેમીકન્ડક્ટર મિશનના બીજા તબક્કાના અંતિમ ડ્રાફ્ટ પર કામ કરી રહી છે. તેમણે કહ્યું કે આ માટે માર્ગદર્શિકા ટૂંક સમયમાં જારી કરી શકાય છે.
78,000 કરોડ રૂપિયાના સેમિકન્ડક્ટર મિશનના પ્રથમ તબક્કા હેઠળ, સરકારે અત્યાર સુધીમાં 10 સેમિકન્ડક્ટર પ્રોજેક્ટ્સને મંજૂરી આપી છે. આમાં બે ચિપ ઉત્પાદન એકમો અને 8 OSAT અથવા ATMP એકમોનો સમાવેશ થાય છે. આ એકમો દેશભરમાં સ્થિત છે, જેમાં ગુજરાતના સાણંદ અને ધોલેરા, આસામના ગુવાહાટી, પંજાબના મોહાલી અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે.
ચિપ મેન્યુફેક્ચરિંગ, OSAT અને ATMP એકમો ઉપરાંત, સરકાર ડિઝાઇન-લિંક્ડ ઇન્સેન્ટિવ સ્કીમ હેઠળ સ્ટાર્ટઅપ્સને વધુ સારા પ્રોત્સાહનો પૂરા પાડવા માટે એક નવું માળખું પણ સામેલ કરવાની યોજના ધરાવે છે.
તેમણે ઉમેર્યુ હતું કે, “ચિપ ડિઝાઇન ક્ષેત્રના મોટાભાગના સ્ટાર્ટઅપ્સ ભંડોળના અભાવે TRL-7 (ટેકનોલોજી રેડીનેસ લેવલ) પાર કરી શકતા નથી. આ ઉપરાંત, તેમને સસ્તા ભાવે અન્ય મોટી કંપનીઓને વેચવું પડે છે. તેથી અમે તેમને મદદ કરવાના રસ્તાઓ પર વિચાર કરી રહ્યા છીએ.”
આ પણ વાંચોઃ સ્થાનિક પરિબળોના ટેકે ભારતીય ઇક્વિટી બજારમાં તેજી, નિફ્ટી અને સેન્સેક્સ ફ્લેટ ખુલ્યા બાદ વધ્યાં












