સાણંદ: ઊમિયા માતા મંદિરમાં ત્રીજી વાર ચોરી, 3 બુકાનીધારી તસ્કરો 3.5 કિલો ચાંદીની મૂર્તિ અને છત્ર ચોરી ફરાર

Sanand Umiya Mata Temple Theft: સાણંદ શહેરના બાયપાસ રોડ પર આવેલા સુપ્રસિદ્ધ ઊમિયા માતા મંદિરમાં ફરી એકવાર ચોરીની મોટી ઘટના સામે આવતાં ભક્તો અને સ્થાનિકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે. અજાણ્યા તસ્કરો મંદિરમાંથી ગર્ભગૃહના તાળા તોડી અંદાજે 3 થી 3.5 કિલોગ્રામ વજનની ચાંદીની પવિત્ર મૂર્તિ અને માતાજીનું કિંમતી ચાંદીનું છત્ર ચોરી કરીને ફરાર થઈ ગયા છે.
ચોરીની સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ
આ ચોરીનો સમગ્ર ઘટનાક્રમ મંદિરમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થયો છે, જેના ફૂટેજ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા છે. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે 3 બુકાનીધારી તસ્કરો મોડી રાત્રે મંદિરમાં પ્રવેશે છે અને ખૂબ જ ટૂંકા સમયમાં ચોરીને અંજામ આપીને નાસી છૂટે છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અગાઉ પણ 2 વાર મંદિર પર થયો હતો હુમલો
મંદિરના ટ્રસ્ટીઓના જણાવ્યા મુજબ, આ પવિત્ર મંદિરને નિશાન બનાવવામાં આવ્યું હોય તેવી આ ત્રીજી ઘટના છે. આ પૂર્વે વર્ષ 2020 અને વર્ષ 2021 માં પણ તસ્કરોએ અહીં ચોરી કરી હતી. ખાસ કરીને વર્ષ 2021 માં નવરાત્રીના પહેલા નોરતાના દિવસે તસ્કરોએ ફરજ પરના સિક્યુરિટી ગાર્ડને નિર્દયતાથી માર મારીને લૂંટ ચલાવી હતી. વારંવાર બનતી આ ઘટનાઓથી પોલીસની સુરક્ષા વ્યવસ્થા સામે મોટા સવાલો ઊભા થયા છે.
સીસીટીવી ફૂટેજના આધારે પોલીસની શોધખોળ શરૂ
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સાણંદ પોલીસની ટીમ તુરંત જ ડોગ સ્ક્વોડ અને ફિંગરપ્રિન્ટ નિષ્ણાતો સાથે ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ગુનો નોંધી વાઈરલ CCTV ફૂટેજ અને ટેક્નિકલ સર્વેલન્સના આધારે ત્રણેય ચોરોને પકડવા માટે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં જ આ ગુનાનો ભેદ ઉકેલી આરોપીઓને જેલભેગા કરવામાં આવશે.
આ પણ વાંચો: અમદાવાદના વસ્ત્રાલમાં ગેરકાયદે ફેક્ટરીમાં બ્લાસ્ટઃ 8 લોકોના મોત, 15 ઈજાગ્રસ્ત, PM મોદીએ જાહેર કરી સહાય












