યુક્રેનમાં રશિયન ડ્રોન હુમલાનો કહેર: પિતા અને ત્રણ બાળકોના મોત, ગર્ભવતી માતા ઘાયલ

યુક્રેન , 11 ફેબ્રુઆરી 2026 : Ukraine Family Killed : યુક્રેનના ઉત્તર-પૂર્વમાં સ્થિત ખાર્કિવ પ્રદેશમાંથી એક હૃદયદ્રાવક સમાચાર આવી રહ્યા છે. અહેવાલો અનુસાર, ખાર્કિવમાં રશિયન ડ્રોન હુમલામાં એક ઘરમાં હાજર એક પિતા અને 3 માસૂમ બાળકોના મોત થયા છે જ્યારે 35 અઠવાડિયાની ગર્ભવતી માતા ગંભીર રીતે ઘાયલ થઈ છે. બુધવારે આ ઘટનાની માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે બોહોદુખિવ શહેરમાં ડ્રોને એક ઘરને સંપૂર્ણપણે નાશ કરી દીધું હતું અને તેમાં આગ લાગી હતી. તેમણે કહ્યું કે આખો પરિવાર ઘરના કાટમાળ નીચે દટાઈ ગયો હતો.

માતા જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે
અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ઘટનામાં 34 વર્ષીય પિતા અને તેના ત્રણ બાળકોના મોત થયા છે. બાળકોમાં બે વર્ષના જોડિયા પુત્રો અને એક વર્ષની પુત્રીનો સમાવેશ થાય છે. બચાવકર્તાઓએ માતાને જીવતી બહાર કાઢી હતી, પરંતુ તે પણ ગંભીર રીતે ઘાયલ છે અને હોસ્પિટલમાં જીવન મરણ વચ્ચે ઝઝૂમી રહી છે. અહેવાલો અનુસાર, ઘર પર ગેરાન-2 ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જે ઈરાની શાહેદ ડ્રોનનું રશિયન સંસ્કરણ છે. બોહોદુખીવ શહેર રશિયન સરહદથી માત્ર 22 કિલોમીટર દૂર છે અને યુદ્ધ પહેલા તેની વસ્તી આશરે 15,000 હતી.
બોહોદુખીવમાં ત્રણ દિવસનો શોક જાહેર
બોહોદુખીવના મેયર વોલોદિમીર બીલીએ ફેસબુક પર લખ્યું, “આપણે આપણી પાસે રહેલી સૌથી કિંમતી વસ્તુ, આપણું ભવિષ્ય ગુમાવી દીધું છે. પરિવારને સાંત્વના આપવા માટે કોઈ શબ્દો નથી. એવી કોઈ પ્રાર્થના નથી જે માતાના ઘાવને મટાડી શકે જેણે પોતાના બાળકોને ગુમાવ્યા છે.” મેયરે માતાની સ્થિતિ પ્રત્યે ચિંતા વ્યક્ત કરી અને ત્રણ દિવસનો શોક જાહેર કર્યો. આ સમયગાળા દરમિયાન, રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ લહેરાશે અને તમામ મનોરંજન અને જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવશે. તેમણે લખ્યું, “અમે સહન કરીશું. અમે યાદ રાખીશું. અમે અમારી ધરતી પરની આ ભયાનક ઘટનાને ક્યારેય માફ કરીશું નહીં.”
યુક્રેનએ રશિયા પર ડ્રોન હુમલો પણ કર્યો
યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર કહ્યું, “આવો દરેક રશિયન હુમલો રાજદ્વારી દ્વારા યુદ્ધ સમાપ્ત કરવાના પ્રયાસોમાં વિશ્વાસને ઓછો કરે છે અને વારંવાર સાબિત કરે છે કે રશિયા પર મજબૂત દબાણ અને યુક્રેન માટે સ્પષ્ટ સુરક્ષા ગેરંટી એ હત્યાઓને રોકવાની વાસ્તવિક ચાવી છે.” યુક્રેનિયન વાયુસેના અનુસાર, રશિયાએ રાતોરાત યુક્રેન પર 129 લાંબા અંતરના ડ્રોન છોડ્યા. દરમિયાન, યુક્રેનિયન ડ્રોન હુમલાથી રશિયન શહેર વોલ્ગોગ્રાડમાં એક ઔદ્યોગિક પ્લાન્ટમાં આગ લાગી હતી. પ્રાદેશિક ગવર્નર આન્દ્રે બોચારોવે જણાવ્યું હતું કે ડ્રોનના ટુકડાઓએ એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગને પણ નુકસાન પહોંચાડ્યું હતું.
આ પણ વાંચો :રાજપાલ યાદવને ક્યારે મળશે તિહાર જેલથી મુક્તિ? ચેક બાઉન્સ કેસમાં મોટી અપડેટ












