ઊંઝા APMC નજીકના રેલવે ઓવરબ્રિજ પર ફરી સળિયા દેખાયા, દર વર્ષની જેમ તંત્ર નિષ્ક્રિય

મહેસાણા 5 જુલાઈ 2025: મહેસાણા જિલ્લાના ઊંઝા શહેરમાં ફરી એકવાર રેલવે ઓવરબ્રિજની ખસ્તાહાલ સ્થિતિ બહાર આવી છે. શહેરની APMC પાસે આવેલા રેલવે ઓવરબ્રિજ પર લોખંડના સળિયા બહાર જોવા મળતા વાહનચાલકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ચોમાસાની ઋતુ દરમ્યાન દર વર્ષે આ બ્રિજ પર આવી સ્થિતિ સર્જાય છે, છતાં તંત્ર દ્વારા કાયમી નિકાલ લાવવામાં આવતો નથી.
દર વર્ષે માત્ર કામચલાઉ રીતે થિંગડા મારીને પ્રશ્નને ટાળવામાં આવે છે, જેને કારણે સમસ્યા યથાવત રહે છે. હાલની સ્થિતિમાં, જ્યારે વરસાદી મોસમ શરૂ થઈ ચુકી છે અને રોડ પર પથ્થરો તથા પાણી ભરાવાના કારણે જોખમ વધી ગયું છે, ત્યારે બ્રિજ પરથી પસાર થતા વાહન ચાલકો માટે સંકટ સર્જાયું છે.
ઉલ્લેખનીય છે કે, આ ઓવરબ્રિજ ઉપરથી દરરોજ હજારો વાહનો પસાર થાય છે જેમાં ટુ-વ્હીલર, ફોર-વ્હીલર ઉપરાંત ભારે વાહનો જેમ કે ટ્રક અને લારીઓનો પણ સમાવેશ થાય છે. ભારે વાહનોના પસાર થવાથી બ્રિજ પરના તૂટેલા ભાગમાંથી વધુ સળિયા બહાર આવવાની શક્યતા વધુ વધી જાય છે.
સ્થાનિક રહીશો અને વાહનચાલકોએ તંત્રને આવકાર્ય પગલા ભરવા અને કાયમી સમારકામ હાથ ધરવા માંગણી કરી છે. તેમનો આક્ષેપ છે કે તંત્ર માત્ર પેચવર્ક કરીને જવાબદારી પૂરી થઈ ગઈ એવું માને છે, જ્યારે આ ગંભીર મુદ્દો કોઈ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપી શકે છે.
આ પણ વાંચો: આચાર્યનું અશોભનીય વર્તન: શિક્ષણ જગત શરમાયું, ગ્રામજનોએ બદલીની ઉગ્ર માગ ઉઠાવી












