અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

મહેસાણા કલેક્ટર કચેરીનો રેવન્યુ ક્લાર્ક ₹ 9 લાખની લાંચ લેતા ઝડપાયો: અમદાવાદ ACBના છટકામાં સપડાયો

અમદાવાદ 4 ઓક્ટોબર 2025: મહેસાણા કલેક્ટર કચેરીમાં જમીનને બિનખેતી (NA)માં ફેરવવાના અવેજમાં લાંચ માંગનાર એક રેવન્યુ ક્લાર્કને એન્ટી કરપ્શન બ્યુરો (ACB), અમદાવાદની ટીમે છટકું ગોઠવીને રંગે હાથે ઝડપી પાડ્યો છે. આ કેસમાં ક્લાર્કે ₹ 9 લાખની મોટી રકમની લાંચ માંગી હતી, જે લેતા તે ACBના સકંજામાં આવ્યો હતો.

સુભાષ બ્રિજ RTO પાસે લાંચ લેતા ઝડપાયો

લાંચ લેતા ઝડપાયેલા આરોપી ક્લાર્કનું નામ વિશ્વજીત કમલેકર છે. તે મહેસાણા કલેક્ટર કચેરીના જમીન શાખા ટેબલ પર રેવન્યુ ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે.

ફરિયાદીની મહેસાણાના જોટાણા પાસેની જમીનને બિનખેતીમાં ફેરવવાની કાર્યવાહી મહેસાણા કલેક્ટર કચેરીમાં ચાલતી હતી. આ કામગીરીની મંજૂરી આપવા માટે વિશ્વજીત કમલેકરે ફરિયાદી પાસે ₹ 9 લાખની લાંચની માંગણી કરી હતી. ફરિયાદીએ લાંચ આપવા ન ઈચ્છતા, અમદાવાદ ACBનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.

ACBએ ફરિયાદીની વાતચીતનું રેકોર્ડિંગ અને ચોક્કસ માહિતીના આધારે છટકું ગોઠવ્યું હતું. આરોપી ક્લાર્ક લાંચની રકમ લેવા માટે અમદાવાદ આવ્યો હતો. ACBની ટીમે અમદાવાદમાં સુભાષ બ્રિજ નજીક આવેલી RTO કચેરી પાસેથી છટકું ગોઠવીને આરોપી વિશ્વજીત કમલેકરને ₹ 9 લાખની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો.

ACBએ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી આરોપીની અટકાયત કરી છે. મહેસાણા જિલ્લામાં જમીન સંબંધિત મહત્ત્વની સરકારી કાર્યવાહીમાં આટલી મોટી રકમની લાંચ લેતા સરકારી કર્મચારી પકડાતા સમગ્ર મહેસૂલ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. ACBએ આ કૌભાંડમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તે અંગેની તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો: બનાસકાંઠાના ભીલડી હાઈવે પર રોંગ સાઈડમાં દોડતી ઘોડીનો કરુણ અકસ્માત, લાઈવ વીડિયો વાયરલ

Back to top button