ટોપ ન્યૂઝનેશનલ

મુંબઈમાં વિદ્યાર્થી આંદોલન દરમિયાન બબાલ, કોમેડિયન રોનક રજાણીએ પોલીસ પર લગાવ્યા ગંભીર આરોપો

મુંબઈમાં CJPના સમર્થનમાં યોજાયેલા વિદ્યાર્થી વિરોધ પ્રદર્શન દરમિયાન જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન રોનક રજાણી અને તેમની પત્ની સાથે થયેલી કથિત પોલીસ મારપીટનો મામલો ચર્ચામાં આવ્યો છે. રોનક રજાણીએ સોશિયલ મીડિયા પર વીડિયો અને મેડિકલ દસ્તાવેજો શેર કરીને મુંબઈ પોલીસ પર ગંભીર આરોપો લગાવ્યા છે. તેમના જણાવ્યા મુજબ, વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ દ્વારા કરાયેલી કાર્યવાહી દરમિયાન તેમની પત્નીને લાત મારવામાં આવી હતી, જેના કારણે તેમની પાંસળીમાં ફ્રેક્ચર થયું હોવાનું તેઓએ દાવો કર્યો છે.

રોનક રજાણીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરેલા વીડિયોમાં જણાવ્યું કે 22 જુલાઈના રોજ તેઓ અને તેમની પત્ની શિવાજી પાર્ક ખાતે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન હાજર હતા. તેમના કહેવા પ્રમાણે, પોલીસ ત્યાંથી લોકોને કારણ વગર ડિટેન કરી રહી હતી. આ દરમિયાન તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી, જેના કારણે તેમને ગરદનમાં ઈજા પહોંચી અને પત્નીને છાતીના ભાગમાં ગંભીર દુખાવો શરૂ થયો.

તેમણે વધુમાં જણાવ્યું કે તે સમયે બંનેએ ઘટનાને વધુ તૂલ આપી નહોતી, કારણ કે અન્ય અનેક લોકો પણ પોલીસની કાર્યવાહીમાં ઘાયલ થયા હોવાનું તેઓએ જોયું હતું. જોકે દિલ્હી પરત ફર્યા બાદ તેમની પત્નીને સતત દુખાવો રહેતા ડોક્ટરની સલાહથી એક્સ-રે કરાવવામાં આવ્યો, જેમાં પાંસળીમાં ફ્રેક્ચર હોવાનું સામે આવ્યું હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવાને સમર્થન આપવા માટે રોનકે મેડિકલ રિપોર્ટ પણ જાહેર કર્યો છે.

કોમેડિયને પત્નીનો મેડિકલ રિપોર્ટ પોસ્ટ કરી.

સોશિયલ મીડિયા પર શેર કરાયેલા વીડિયોમાં વિરોધ પ્રદર્શન દરમિયાન સર્જાયેલા તંગદિલીના દૃશ્યો જોવા મળે છે. વીડિયોમાં કેટલાક વિદ્યાર્થીઓને પોલીસ દ્વારા કસ્ટડીમાં લેવામાં આવી રહ્યા હોવાનું દેખાય છે. રોનકનો આક્ષેપ છે કે તેઓ માત્ર વિદ્યાર્થીઓને બળજબરીથી લઈ જવાનું રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે પોલીસકર્મીઓએ તેમની સાથે ધક્કામુક્કી શરૂ કરી. વીડિયોમાં તેઓ જમીન પર પટકાતા પણ જોવા મળે છે.

વિડિયોમાં આગળ એવો પણ દૃશ્ય જોવા મળે છે કે રોનકની પત્ની તેમને બચાવવા નજીક આવે છે, ત્યારબાદ બંનેને બળજબરીથી પોલીસ બસ તરફ લઈ જવામાં આવે છે. રોનકનો આરોપ છે કે બસમાં ચડાવતી વખતે એક પુરુષ પોલીસકર્મીએ તેમની પત્નીને લાત મારી હતી. તેમણે દાવો કર્યો છે કે આ ઘટનાના કારણે જ તેમની પત્નીની પાંસળી તૂટી છે.

આ સમગ્ર મામલે રોનક રજાણીએ વીડિયો પોસ્ટ કરીને મુંબઈ પોલીસ ઉપરાંત રાહુલ ગાંધી, કોકરોચ જનતા પાર્ટી (CJP), કોંગ્રેસ અને શિવસેનાને પણ ટેગ કર્યા છે. સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ થયા બાદ ઘટનાને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ છે. જોકે આ આરોપો અંગે મુંબઈ પોલીસ તરફથી સત્તાવાર પ્રતિસાદ જાહેર થયો છે કે નહીં, તેની સ્પષ્ટ માહિતી હજુ સુધી સામે આવી નથી.

કોણ છે રોનક રજાણી?

રોનક રજાણી જાણીતા સ્ટેન્ડ-અપ કોમેડિયન તરીકે ઓળખાય છે. તેમની યુટ્યુબ ચેનલ પર અંદાજે 5.8 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ છે, જ્યારે ઇન્સ્ટાગ્રામ પર 2.3 લાખથી વધુ લોકો તેમને ફોલો કરે છે. તેઓ અગાઉ ‘ઈસ્ટ ઈન્ડિયા કોમેડી’ સાથે લેખક તરીકે જોડાયેલા રહ્યા હતા અને લોકપ્રિય કોમેડી રિયાલિટી શો કોમિકસ્તાનના ફાઇનલિસ્ટ બન્યા બાદ તેમને વિશેષ ઓળખ મળી હતી.

આ પણ વાંચો: જંતર-મંતર હિંસા કેસમાં વિદ્યાર્થીઓ સામેના કેસ હજુ યથાવત, દિલ્હી પોલીસને સરકારના આદેશની રાહ

Back to top button