
Rajkot TRP Gamezone Accident: રાજકોટના બહુચર્ચિત TRP ગેમઝોન અગ્નિકાંડ કેસમાં ગુજરાત હાઈકોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. વર્ષ 2024માં બનેલી આ દુર્ઘટનામાં 27 લોકોના મોત થયા હતા. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સુઓમોટો અરજી હેઠળ સુનાવણી શરૂ કરી હતી. આ મામલે રાજકોટ મહાનગરપાલિકાએ કોર્ટ સમક્ષ જવાબ રજૂ કરીને જવાબદાર અધિકારીઓ સામે કરવામાં આવેલી કાર્યવાહી અંગે માહિતી આપી હતી.
રાજકોટ મનપાએ હાઈકોર્ટને જણાવ્યું હતું કે, ગેમઝોન અગ્નિકાંડ બાદ થયેલી તપાસમાં બેદરકારી બદલ જવાબદાર અધિકારીઓ સામે વિભાગીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સિવિલ સર્વિસ નિયમો હેઠળ આ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવ્યા છે.
પાંચ અધિકારીઓને સેવામાંથી દૂર કરાયા
હાઈકોર્ટમાં રજૂ કરાયેલી માહિતી મુજબ રાજકોટ મહાનગરપાલિકાના પાંચ અધિકારીઓને નોકરીમાંથી ડિસમિસ કરવામાં આવ્યા છે. જેમાં ફાયર વિભાગના અધિકારી રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના ગૌતમ જોશી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાનો સમાવેશ થાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ તમામ અધિકારીઓ સામે ગેમઝોનની મંજૂરી, નિયમોની અવગણના અને ફરજમાં બેદરકારી જેવા મુદ્દાઓને લઈને વિભાગીય તપાસ કરવામાં આવી હતી. તપાસ બાદ નિયમો મુજબ સજાની કાર્યવાહી કરવામાં આવી હોવાનું મનપાએ કોર્ટમાં જણાવ્યું હતું.
મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન મળશે
રાજકોટ મનપાના પૂર્વ ચીફ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા અગાઉ વય મર્યાદાના કારણે નિવૃત્ત થઈ ચૂક્યા છે. હાઈકોર્ટે તેમને પ્રોવિઝનલ પેન્શન માટે પાત્ર ગણાવ્યા છે. જોકે, તેમની સામેની કાર્યવાહી અને જવાબદારીના મુદ્દા પણ સુનાવણી દરમિયાન ચર્ચામાં રહ્યા હતા.
પીડિત પરિવારોએ ચુકાદાનું સ્વાગત કર્યું
હાઈકોર્ટના નિર્ણય બાદ ગેમઝોન અગ્નિકાંડમાં જીવ ગુમાવનાર લોકોના પરિવારજનોએ ચુકાદાને આવકાર્યો હતો. પરિવારજનોએ જણાવ્યું હતું કે જવાબદાર અધિકારીઓ સામે લેવાયેલા પગલાં યોગ્ય છે, પરંતુ હજુ પણ કેટલાક મોટા અધિકારીઓ સામે કાર્યવાહી બાકી છે. પરિવારોએ કહ્યું કે, દુર્ઘટનામાં ગુમાવેલા સ્વજનોની યાદ આજે પણ સતાવે છે અને તેમને ન્યાય મળવો જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે આગળની કાર્યવાહી દરમિયાન અન્ય જવાબદારો સામે પણ કડક પગલાં લેવામાં આવશે.
તપાસમાં અનેક એજન્સીઓ જોડાઈ હતી
TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ સમગ્ર મામલાની તપાસમાં વિવિધ એજન્સીઓ જોડાઈ હતી. એસીબી, આવકવેરા વિભાગ અને ઈડી જેવી સંસ્થાઓએ પણ તપાસ હાથ ધરી હતી. હાઈકોર્ટમાં આગામી સુનાવણી દરમિયાન હજુ બાકી રહેલા મુદ્દાઓ અને અન્ય જવાબદારો સામેની કાર્યવાહી અંગે પણ ચર્ચા થવાની શક્યતા છે.
રાજકોટની આ દુર્ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવ્યો હતો અને ત્યારબાદ ગેમઝોન સહિત જાહેર સ્થળોની સુરક્ષા વ્યવસ્થા અંગે પણ અનેક સવાલો ઊભા થયા હતા. હાઈકોર્ટના આ ચુકાદાને જવાબદારી નક્કી કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો: ડીપીએસ સ્કૂલ બસની અડફેટે યુવકનું મોત, વિદ્યાર્થીઓને બસમાં મૂકીને ડ્રાઇવર-કંડકટર ફરાર












