રાજકોટમાં નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં, નિયમ સામે કારચાલકનો ગજબ જુગાડ, વીડિયો વાયરલ

Gujarat News: રાજકોટમાં ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા માટે પોલીસ કમિશનર દ્વારા જાહેર કરાયેલા નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં નિયમ વચ્ચે એક કારચાલકનો અનોખો જુગાડ ચર્ચાનો વિષય બન્યો છે. શહેરના ભૂતખાના ચોક વિસ્તારમાં આવેલા એક પેટ્રોલ પંપનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વાયરલ વીડિયોમાં કારચાલક પેટ્રોલ ભરાવવા પહોંચે છે ત્યારે વાહન પર નંબર પ્લેટ દેખાતી નથી. જોકે પેટ્રોલ મેળવવા માટે કારની અંદર રાખેલી નંબર પ્લેટ બહાર કાઢીને તે વાહન પર લગાવી દે છે. પેટ્રોલ ભરાઈ ગયા બાદ કારચાલક ફરીથી નંબર પ્લેટ કાઢીને કારની અંદર મૂકી દેતો જોવા મળે છે.
પેટ્રોલ ભરાવવા માટે જ લગાવી નંબર પ્લેટ!
રાજકોટ પોલીસ દ્વારા નંબર પ્લેટ વગરના વાહનો સામે કડક કાર્યવાહી અને આવા વાહનોને પેટ્રોલ નહીં આપવાની સૂચના આપવામાં આવી છે. જોકે આ નિયમને ટાળવા માટે કારચાલકે માત્ર પેટ્રોલ ભરાવવાના સમયે નંબર પ્લેટ લગાવવાનો રસ્તો અપનાવ્યો હોવાનું વીડિયોમાં જોવા મળે છે.
ઘટનાનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા પર પણ લોકો વિવિધ પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ ઘટનાને ટ્રાફિક નિયમો સામેનો ખુલ્લો પડકાર ગણાવી રહ્યા છે તો કેટલાક આવા વાહનચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
‘નંબર પ્લેટ નહિ તો પેટ્રોલ નહિ’ નો ગજબનો જુગાડ !!!
પેટ્રોલ ભરવાની ના પાડતા વાહન ચાલકે નંબર પ્લેટ કારની અંદરથી કાઢી
પેટ્રોલ પુરાઈ જતા ફરી નંબર પ્લેટ કાઢીને મૂકી દીધી
રાજકોટ પોલીસ કમિશ્નરના જાહેરનામને પડકારતા વાહન ચાલકો
રાજકોટના ભૂતખાના ચોક વિસ્તારનાં પેટ્રોલ પંપનો વીડિયો થયો… pic.twitter.com/oO1nPiftT0
— Kamit Solanki (@KamitSolanki) August 19, 2026
પોલીસ કમિશનરના જાહેરનામા સામે પડકાર?
નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં જેવી વ્યવસ્થાનો હેતુ નંબર પ્લેટ વગર રસ્તા પર દોડતા વાહનો પર નિયંત્રણ લાવવાનો છે, પરંતુ ભૂતખાના ચોક વિસ્તારમાં સામે આવેલી આ ઘટનાએ નિયમના અમલ અને પેટ્રોલ પંપ પર થતી ચકાસણીને લઈને પણ સવાલ ઊભા કર્યા છે. હાલ વાયરલ વીડિયોના આધારે કારચાલકની ઓળખ અથવા પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી છે કે નહીં તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી. જોકે વીડિયો વાયરલ થયા બાદ મામલો ચર્ચામાં આવ્યો છે.












