જસદણની આલ્ફા સ્કૂલમાં 10 વર્ષની આયુષીના રહસ્યમય મોત બાદ ખૂલ્યું મોટું કૌભાંડ: 31 શહેરોના 697 ડમી વિદ્યાર્થીઓનું નેટવર્ક ઝડપાયું
Rajkot Dummy Coaching Scam: રાજકોટ જિલ્લાના જસદણમાં આવેલી આલ્ફા સંકૂલ હોસ્ટેલમાં ધોરણ 5 માં અભ્યાસ કરતી 10 વર્ષની માસૂમ વિદ્યાર્થીની આયુષી બલદાણીયાના રહસ્યમય અને કરૂણ મોતના મામલે એક અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે. બાળકીના મોતના પગલે શરૂ થયેલી તપાસમાં આ સંકુલમાં ચાલતા ડમી કોચિંગના એક બહુ મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. નવોદય અને સૈનિક શાળામાં પ્રવેશ માટેની પરીક્ષાની તૈયારી કરાવતા આ આલ્ફા કોચિંગ ક્લાસમાં ગુજરાતના 31 શહેરોના 697 વિદ્યાર્થીઓ ડમી તરીકે ભણતા હોવાનો ઘટસ્ફોટ થયો છે. રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી (DPEO) દીક્ષિત પટેલ દ્વારા આ અંગેનો એક સત્તાવાર અને વિગતવાર રિપોર્ટ ગાંધીનગર રાજ્ય પ્રાથમિક શિક્ષણ નિયામકને સોંપવામાં આવ્યો છે.
બીમારીમાં સંચાલકોની ઘોર બેદરકારી
આ સમગ્ર વિવાદની શરૂઆત એક નિર્દોષ બાળકીના મોતથી થઈ હતી. મહુવાના મોટા જાદરા ગામના વતની રમેશભાઈ બલદાણિયાએ પોતાની પુત્રી આયુષીને ગત 27 એપ્રિલના રોજ આલ્ફા સ્કૂલની હોસ્ટેલમાં ભણવા માટે મોકલી હતી. જૂન મહિનામાં આયુષીને અછબડા અને તીવ્ર તાવ આવ્યો હતો. ગંભીર બીમારી હોવા છતાં શાળાના સંચાલકોએ તેના પરિવારને સમયસર કોઈ જાણ કરી ન હતી અને તેને જરૂરી તબીબી સારવાર પણ પૂરી પાડી ન હતી.
સાપરાધ મનુષ્યવધનો ગુનો દાખલ
ગત 24 જૂનના બુધવારે બપોરે બાળકીની સ્થિતિ અત્યંત નાજુક બનતા તેને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. પિતાના આક્ષેપ અનુસાર, સ્કૂલના કડક નિયમોના બહાને છેલ્લા 2 મહિનાથી બાળકીને પરિવાર સાથે ફોન પર કે રૂબરૂ વાત પણ કરવા દેવાઈ ન હતી. આ ગંભીર ઘટના બાદ પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સંકુલની મુલાકાત લીધી હતી. જસદણ પોલીસે બેદરકારી દાખવવા બદલ સ્કૂલના ટ્રસ્ટી સંચાલકો જયસુખ શંખારવા અને હિરેન શંખારવા વિરૂદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ 105 (સાપરાધ મનુષ્યવધ) અને 54 હેઠળ ગુનો નોંધી બંનેની અટકાયત કરી છે. હાલ સ્કૂલ અને હોસ્ટેલને 1 મહિના માટે બંધ કરી દેવામાં આવી છે.
હાજરી ક્યાં પુરાતી હતી? ડમી વિદ્યાર્થીઓનું રાજ્યવ્યાપી નેટવર્ક
આ કેસમાં કાયદાકીય તપાસ આગળ વધતા જ ડમી શિક્ષણનું મોટું નેટવર્ક સામે આવ્યું છે. સરકારી અહેવાલ મુજબ, આલ્ફા કોચિંગ ક્લાસમાં વર્ષ 2025-26 માં 250 અને વર્ષ 2026-27 માં 447 જેટલા બાળકો હોસ્ટેલમાં રહીને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે. આ ક્લાસમાં જોડાવા માટે બાળકોને હોસ્ટેલમાં રાખવા ફરજિયાત હતા. સૌથી મોટો ચોંકાવનારો ખુલાસો એ છે કે આ તમામ 697 બાળકોના નામ ગુજરાતની અન્ય સરકારી કે ખાનગી શાળાઓના ચોપડે બોલે છે, જ્યારે તેઓ પ્રત્યક્ષ રીતે જસદણમાં રહીને ભણે છે. આ બાબતથી શિક્ષણ જગતમાં મોટો સવાલ ઊભો થયો છે કે જો આ બાળકો 1 થી 2 વર્ષ સુધી જસદણની હોસ્ટેલમાં રહેતા હોય, તો તેમની મૂળ શાળાના રજિસ્ટરમાં રોજની હાજરી કોણ પૂરી રહ્યું હતું? આ કૌભાંડ બહાર આવતા જ શિક્ષણ વિભાગ હવે રાજ્યભરની શાળાઓ પર સકંજો કસવાની તૈયારી કરી રહ્યું છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
કયા શહેરમાંથી કેટલા ડમી વિદ્યાર્થીઓ?
જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ગાંધીનગર મોકલવામાં આવેલી યાદી અનુસાર, ગુજરાતના 31 શહેરોની શાળાઓમાં નામ ધરાવતા અને આલ્ફામાં ડમી તરીકે ભણતા બાળકોની આંકડાકીય વિગત નીચે મુજબ છે:
શહેર – 2025/25 -2026/27
અમદાવાદ – 06-28
અમરેલી -34-55
આણંદ – 01-04
અરવલ્લી – 08- 10
બનાસકાંઠા – 05-12
બરોડા – 01-04
ભરૂચ – 01- 01
ભાવનગર – 08- 19
બોટાદ – 04- 16
છોટાઉદયપુર – 01- 00
દાહોદ -06-21
દેવભુમી દ્વારકા -02-00
ગાંધીનગર – 01-01
ગીરસોમનાથ -21- 48
જામનગર -06-12
જૂનાગઢ – 19- 29
કચ્છ – 05-08
મહિસાગર – 17- 26
મહેસાણા – 03-02
મોરબી – 03-23
નર્મદા – 01- 01
પંચમહાલ – 04- 07
પાટણ – 16- 37
પોરબંદર – 01- 00
રાધનપુર – 01-00
રાજકોટ – 31- 47
સાંબરકાંઠા – 14- 14
સુરત -13-17
સુરેન્દ્રનગર – 16- 21
વલસાડ – 01- 00
ખેડા -00- 03
કુલ – 250- 447
વાલીઓમાં ભારે આક્રોશ
આ ઘટનાના પગલે વાલીઓમાં ભારે આક્રોશ અને ભયનો માહોલ છે, જેને કારણે અનેક વાલીઓ પોતાના બાળકોને હોસ્ટેલમાંથી ઘરે પરત લઈ ગયા છે. હવે જોવાનું એ રહેશે કે શિક્ષણ વિભાગ આ ગેરકાયદેસર ડમી નેટવર્ક ચલાવનારા આલ્ફા સંકુલને કાયમી તાળા મારે છે કે નહીં.
આ પણ વાંચો: પરવાળા ગામમાં વાડીના રસ્તા મુદ્દે હિંસા, યુવકના મોત બાદ હત્યાનો ગુનો નોંધાયો











