
Rajkot murder case: રાજકોટ શહેરમાં સંબંધોને શરમાવે તેવી ચોંકાવનારી ઘટના સામે આવી છે. યુનિવર્સિટી પોલીસ મથક વિસ્તારમાં આવેલા રૈયાધાર નજીક શાંતિનગર વિસ્તારમાં પૌત્રએ પોતાના જ દાદાની લોખંડના ટેબલ અને પેવર બ્લોક વડે હુમલો કરી હત્યા કરી નાખી હોવાનું સામે આવ્યું છે. ખેતીની જમીન પર લેવામાં આવેલા ધિરાણની ભરપાઈને લઈને લાંબા સમયથી દાદા અને પૌત્ર વચ્ચે ચાલતા વિવાદે આખરે હત્યાનું રૂપ ધારણ કર્યું હતું. સમગ્ર ઘટનાએ શહેરમાં ભારે ચકચાર મચાવી છે.
મૃતક વૃદ્ધની ઓળખ 73 વર્ષીય અરજણભાઈ મિયાત્રા તરીકે થઈ છે, જ્યારે પોલીસે હત્યાના આરોપસર તેમના પૌત્ર મોહિત મિયાત્રાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી મોહિત પોતાના દાદાની ખેતીની જમીનમાં ખેતી કરતો હતો અને તે જમીન પર ધિરાણ પણ લીધેલું હતું. પરંતુ ધિરાણની સંપૂર્ણ ભરપાઈ ન થતા બંને વચ્ચે સતત બોલાચાલી અને તણાવ રહેતો હતો.
પોલીસના જણાવ્યા અનુસાર, મોહિતના પિતાનું થોડા વર્ષો પહેલાં અવસાન થયું હતું અને તે અલગ રહેતો હતો. તેના દાદા અરજણભાઈ શાસ્ત્રીનગર વિસ્તારમાં રહેતા હતા. મોહિતે દાદા પાસે ખેતી માટે જમીન માગી હતી, જેથી દાદાએ વિશ્વાસ રાખીને થોડો ભાગ ખેતી માટે આપ્યો હતો. બાદમાં મોહિતે રૂપિયા જોઈએ છે કહી જમીન પર અંદાજે અઢી લાખ રૂપિયાનું ધિરાણ લીધું હતું. જેમાંથી આશરે એક લાખ ચોપન હજાર રૂપિયાની ભરપાઈ કરવામાં આવી હતી, પરંતુ બાકીની રકમ હજુ ભરવાની બાકી હતી..
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આ મુદ્દે દાદા અને પૌત્ર વચ્ચે ઘણા સમયથી ઉગ્ર બોલાચાલી ચાલતી હતી. ગઈકાલે 25 મેના રોજ સવારે પણ બંને વચ્ચે આ જ મુદ્દે ફરી ઝઘડો થયો હતો. પોલીસે જણાવ્યું હતું કે આરોપી મોહિત દાદાના ઘરે પહોંચ્યો હતો અને બોલાચાલી દરમિયાન ગુસ્સે ભરાઈ ગયો હતો. પ્રથમ તેણે દાદાને ધક્કો મારી ફળિયામાં ઉભેલી રેંકડીમાં પછાડી દીધા હતા. ત્યારબાદ ઘરમાં પડેલું લોખંડનું ટેબલ અને પેવર બ્લોક લઈને દાદાના માથાના ભાગે ઘા ઝીંક્યા હતા. ગંભીર ઇજાઓ પહોંચતા અરજણભાઈનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
હત્યા કર્યા બાદ આરોપી મોહિતે પોતાને બચાવવા માટે નાટક પણ રચ્યું હતું. તેણે પોતાના ફુવાને ફોન કરીને જણાવ્યું હતું કે દાદા અચાનક પડી ગયા છે અને તેમને ઇજા પહોંચી છે. ત્યારબાદ તે દાદાને હોસ્પિટલ લઈ ગયો હતો. હોસ્પિટલમાં ડોક્ટરોએ તપાસ બાદ અરજણભાઈને મૃત જાહેર કર્યા હતા.
જો કે મૃતકના શરીર પર ગંભીર ઇજાના નિશાન જોવા મળતા પોલીસને શરૂઆતથી જ શંકા ગઈ હતી. પોલીસ દ્વારા મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી, પરંતુ આરોપી મોહિત પોસ્ટમોર્ટમ કરાવવા ઇન્કાર કરી રહ્યો હતો. તેણે પોલીસને જણાવ્યું હતું કે દાદા મારી સામે જ પડી ગયા હતા અને કોઈ શંકાસ્પદ ઘટના બની નથી.
પોલીસને તેની વાત પર શંકા જતા યુનિવર્સિટી પોલીસ મથકના અધિકારીઓએ સઘન પૂછપરછ શરૂ કરી હતી. પૂછપરછ દરમિયાન આરોપી વારંવાર પોતાના નિવેદન બદલતો હતો. આખરે પોલીસની આગવી ઢબની પૂછપરછમાં તે ભાંગી પડ્યો હતો અને દાદાની હત્યા કરી હોવાની કબૂલાત આપી દીધી હતી.
રાજકોટ એસીપી આર.એસ. બારીઆએ જણાવ્યું હતું કે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે અને તેને ઘટનાસ્થળે લઈ જઈ સમગ્ર ઘટનાનું પુનઃનિર્માણ કરવામાં આવી રહ્યું છે. પોલીસે હત્યામાં વપરાયેલ લોખંડનું ટેબલ, પેવર બ્લોક અને અન્ય પુરાવા કબ્જે કરવાની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ હવે આ હત્યા પાછળ માત્ર જમીન અને ધિરાણનો વિવાદ જ જવાબદાર હતો કે અન્ય કોઈ કારણ પણ સામેલ છે તેની દિશામાં વધુ તપાસ કરી રહી છે. સમગ્ર ઘટનાએ પરિવારજનો અને આસપાસના લોકોને હચમચાવી દીધા છે. પરિવારના આંતરિક વિવાદે આખરે એક વૃદ્ધનો જીવ લઈ લીધો હોવાનું સામે આવતા વિસ્તારમાં પણ ભારે શોકનો માહોલ છવાયો છે.
આ પણ વાંચો: પ્રાકૃતિક ખેતીથી લાખોની કમાણી, કલ્પેશ પટેલ બન્યા ખેડૂતો માટે પ્રેરણા












