અમદાવાદમાં કોંગ્રેસના મહામંથનની તડામાર તૈયારીઓ, 1800 ડેલીગેટ્સ માટે 35 હોટલો બુક કરી
અમદાવાદ, 06 એપ્રિલ 2025: ગુજરાતમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીનું રાષ્ટ્રીય અધિવેશન યોજાવા જઈ રહ્યું છે. આગામી તારીખ 8 અને 9 એપ્રિલના રોજ અમદાવાદમાં તેનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે. જેના માટે દેશભરના 1840થી વધુ ડેલીગેટ્સ અમદાવાદ આવવાના છે. તેના માટેની તડામાર તૈયારીઓ શરુ થઈ ગઈ છે.
આ અધિવેશનમાં ભાગ લેવા માટે 7 એપ્રિલ સવારથી ડેલીગેટ્સ આવવાના શરુ થઈ જશે અને 10 એપ્રિલે આ ડેલીગેટ્સ અમદાવાદથી રવાના થઈ જશે. જેને લઈને કોંગ્રેસ દ્વારા રહેવાથી લઈને આવવા જવાની તમામ સુવિધા કરી લીધી છે.
અમદાવાદમાં યોજાવા જઈ રહેલા આ ભવ્ય અધિવેશનમાં લગભગ 1840 જેટલા ડેલીગેટ્સ આવવાના છે. તેમા માટે અમદાવાદ અને આજુબાજુની 35 હોટલમાં 1800 જેટલા રુમ બુક કરવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદ એરપોર્ટથી હોટલ સુધી અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી આવવા જવાની ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ ડેલીગેટ્સને લઈ જવા, લાવવા માટે 4 એસી વોલ્વો બસ, 25 મિનિ બસ અને 500 કાર તૈયાર રાખવામાં આવી છે. કોંગ્રેસ વર્કિંગ કમિટિના 169 સભ્યો માટે 4 એસી વોલ્વો બસ તૈયાર છે. જેમાં સભ્યોને બેઠકના સ્થળ સુધી લાવવા લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે.












