ગુજરાતટોપ ન્યૂઝ

PM મોદીએ‘મેક ઇન ઇન્ડિયા’ ડિફેન્સ પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું, ઇન્ડોર સ્ટેડિયમમાં જનસભાને સંબોધશે

PM Modi Hazira Visit: વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરત અને દમણના મહત્વપૂર્ણ પ્રવાસે પહોંચ્યા હતા. સુરત એરપોર્ટ પર આગમન બાદ તેમણે સીધા હજીરા સ્થિત લાર્સન એન્ડ ટુબ્રો (L&T)ના અદ્યતન ઉત્પાદન સંકુલની મુલાકાત લીધી હતી. અહીં તેમણે ‘મેક ઇન ઇન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાન હેઠળ વિકસાવવામાં આવી રહેલા સંરક્ષણ ક્ષેત્રના આધુનિક સાધનો અને ગ્રીન એનર્જી પ્રોજેક્ટ્સનું નિરીક્ષણ કર્યું હતું.

હજીરાના પ્લાન્ટમાં વડાપ્રધાને સ્વદેશી રીતે વિકસાવવામાં આવેલા ‘જોરાવર’ લાઇટ ટેન્ક સહિત અનેક આધુનિક રક્ષા ઉપકરણોની કામગીરી અને ઉત્પાદન પ્રક્રિયા અંગે માહિતી મેળવી હતી. દેશની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવામાં ભારતીય ઉદ્યોગોની ભૂમિકાને તેમણે ખાસ મહત્વ આપ્યું હતું.

દક્ષિણ ગુજરાતને મળશે હજારો કરોડના વિકાસકાર્યોની ભેટ

હજીરાની મુલાકાત બાદ વડાપ્રધાન સુરતના ઐતિહાસિક ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલા ભવ્ય જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી તેઓ ડિજિટલ માધ્યમ દ્વારા દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓ માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમજ જનસભાને સંબોધશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સરકારી માહિતી મુજબ સુરત, નવસારી, ભરૂચ, વલસાડ, તાપી, ડાંગ અને નર્મદા સહિતના સાત જિલ્લાઓ માટે અંદાજે રૂ. 18,778 કરોડના 24 વિકાસ પ્રકલ્પોની ભેટ આપવામાં આવશે. તેમાં રૂ. 13,926 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરવામાં આવશે, જ્યારે રૂ. 4,852 કરોડના નવા વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આ પ્રકલ્પોમાં માર્ગ-મકાન, પાણી પુરવઠો, શહેરી વિકાસ, ઊર્જા, આરોગ્ય અને અન્ય માળખાકીય સુવિધાઓને લગતા મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે, જેનાથી સમગ્ર દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે.

પર્યાવરણ દિવસ નિમિત્તે સાયકલ અને ઈ-બાઈકનો સંદેશ

વડાપ્રધાનના કાર્યક્રમને પર્યાવરણ સંરક્ષણ સાથે પણ જોડવામાં આવ્યો હતો. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી વિશાળ સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં ડાયમંડ ઉદ્યોગકારો, સુરત પોલીસ, કલેક્ટર કચેરીના અધિકારીઓ, સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ અને મોટી સંખ્યામાં યુવાનો જોડાયા હતા.

અંદાજે 2,000થી વધુ લોકોએ સાયકલ ચલાવી પેટ્રોલ-ડીઝલની બચત અને પર્યાવરણ જાળવણીનો સંદેશ આપ્યો હતો. સુરત પોલીસ દ્વારા પણ ઈ-બાઈક અને સાયકલનો ઉપયોગ કરીને ગ્રીન ટ્રાન્સપોર્ટેશનને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.

નેતાઓ અને કાર્યકર્તાઓનો અનોખો ઉત્સાહ

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ મર્યાદિત બે વાહનોના કાફલા સાથે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી, પૂર્વ મેયર હેમાલી બોઘાવાલા સહિતના ભાજપના કાર્યકર્તાઓ અડાજણ વિસ્તારથી ઇન્ડોર સ્ટેડિયમ સુધી પગપાળા પહોંચ્યા હતા. રાજ્યના પોલીસ મહાનિર્દેશક કે.એન. રાવ, ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસ તેમજ સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ. નાગરાજન સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

સાંજે દમણમાં 3 હજાર કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ

સુરતનો કાર્યક્રમ પૂર્ણ કર્યા બાદ વડાપ્રધાન સાંજે દમણ જવા રવાના થશે. ત્યાં તેમના હસ્તે રૂ. 3,000 કરોડથી વધુના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. આ કાર્યક્રમ દ્વારા કેન્દ્ર સરકાર પશ્ચિમ ભારતના વિકાસ અને આધુનિક માળખાકીય સુવિધાઓને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપશે.

વડાપ્રધાનના આ પ્રવાસને દક્ષિણ ગુજરાત માટે વિકાસ, આત્મનિર્ભરતા અને પર્યાવરણ જાગૃતિના ત્રિવેણી સંગમ તરીકે જોવામાં આવી રહ્યો છે, જેમાં એક તરફ આધુનિક સંરક્ષણ ક્ષમતાનું પ્રદર્શન થયું છે તો બીજી તરફ હજારો કરોડના વિકાસકાર્યો દ્વારા પ્રદેશના સર્વાંગી વિકાસને નવી દિશા મળવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: અમદાવાદના નરોડા GIDCમાં પ્રચંડ વિસ્ફોટ બાદ ભીષણ આગ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરી

 

Back to top button