પીએમ મોદી ખેડૂતોને આપશે મોટી ભેટ, ગુજરાતના 51.28 લાખ અન્નદાતાઓને મળશે કરોડોની સહાય
PM Kisan 23rd Installment Release: દેશના અન્નદાતાઓ માટે આવતીકાલનો દિવસ અત્યંત મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 20 જૂનના રોજ પશ્ચિમ બંગાળના હુગલી (તારકેશ્વર) ખાતેથી “પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના” (PM-KISAN) નો 23મો હપ્તો સત્તાવાર રીતે રિલીઝ કરશે. આ રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન દેશભરના કરોડો ખેડૂતો સાથે વર્ચ્યુઅલ માધ્યમથી સીધો સંવાદ કરશે. આ ખાસ અવસરે ગુજરાતમાં પણ ગાંધીનગરના ટાઉનહોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાના “પીએમ કિસાન ઉત્સવ દિવસ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવશે, જેમાં રાજ્યના કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી અને રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા વિશેષ રૂપે ઉપસ્થિત રહેશે.
ખાતામાં જમા થશે રૂ. 18,880 કરોડ
આ 23મા હપ્તા અંતર્ગત વડાપ્રધાન દ્વારા દેશના આશરે 9.44 કરોડથી વધુ સક્રિય ખેડૂત પરિવારોના બેંક ખાતામાં કુલ રૂ. 18,880 કરોડથી વધુની માતબર સહાય સીધી જ ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) ના માધ્યમથી જમા કરાવવામાં આવશે. આ રાષ્ટ્રીય પેકેજમાંથી એકલા ગુજરાતના અંદાજે 51.28 લાખ ખેડૂત પરિવારોને સીધો મોટો ફાયદો થશે. રાજ્યના આ ખેડૂતોના ખાતામાં કુલ રૂ. 1,025 કરોડથી વધુની રકમ ઓનલાઈન ટ્રાન્સફર કરવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
અત્યાર સુધીમાં ખેડૂતોને મળ્યો રૂ. 23,083 કરોડનો સીધો લાભ
પીએમ-કિસાન યોજનાના ટ્રેક રેકોર્ડની વાત કરીએ તો, અત્યાર સુધી ચૂકવાયેલા કુલ 22 હપ્તાઓમાં દેશના 11 કરોડથી વધુ ખેડૂતોને કુલ રૂ. 4.28 લાખ કરોડથી વધુની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવી છે. જેમાંથી ગુજરાતના અંદાજે 69 લાખથી વધુ રજિસ્ટર્ડ ખેડૂત પરિવારોને અત્યાર સુધીમાં કુલ રૂ. 23,083 કરોડથી વધુનો સીધો આર્થિક નફો મળી ચૂક્યો છે, જે તેમના કૃષિ વ્યવસાય માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે.
સમગ્ર રાજ્યમાં વડાપ્રધાનના કાર્યક્રમનું કરાશે લાઈવ પ્રસારણ
આ મહોત્સવને વ્યાપક બનાવવા માટે ગુજરાત સરકાર દ્વારા માત્ર પાટનગર ગાંધીનગરમાં જ નહીં, પરંતુ રાજ્યના તમામ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય સ્તર સુધી વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે. સમગ્ર ગુજરાતમાં આવેલા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો, તમામ એપીએમસી (માર્કેટ યાર્ડ), ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO), પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો અને પ્રાઇમરી એગ્રીકલ્ચરલ ક્રેડિટ સોસાયટીઝ (PACS) ખાતે મોટી એલઇડી સ્ક્રીન ગોઠવીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ અને રાષ્ટ્રીય સંબોધનનું જીવંત (Live) પ્રસારણ સ્થાનિક ખેડૂતોને બતાવવાની સચોટ વ્યવસ્થા કરવામાં આવી છે.
આ પણ વાંચો: યુસુફ પઠાણના વિવાદિત પ્લોટની VMC કરશે હરાજી: હાઈકોર્ટના આદેશ બાદ મોટો નિર્ણય











