સંસદમાં મડાગાંઠ યથાવત: અમિત શાહ અને વિપક્ષી નેતાઓની સ્પીકર સાથે મુલાકાત, આ 4 મુદ્દાઓ પર અટક્યું કામ

નવી દિલ્હીઃ 9 ફેબ્રુઆરી, 2026: સંસદના બજેટ સત્રમાં ચાલી રહેલા ગતિરોધને ઉકેલવા માટેના પ્રયાસો તેજ થયા છે. સોમવારે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સહિતના વિપક્ષી નેતાઓએ સ્પીકર ઓમ બિરલા સાથે મુલાકાત કરી હતી, જે બાદ ગૃહમંત્રી અમિત શાહે પણ સ્પીકર સાથે બેઠક યોજી હતી. જોકે, સરકારના સૂત્રોના જણાવ્યા અનુસાર આટલી બેઠકો છતાં પણ હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી.
રાહુલ ગાંધીના એ 4 મુદ્દા જેના પર સહમતી ન સધાઈ
વિપક્ષી નેતાઓએ (રાહુલ ગાંધી, અખિલેશ યાદવ, અભિષેક બેનર્જી વગેરે) સ્પીકર સમક્ષ મુખ્ય ચાર માંગણીઓ મૂકી છે:
* મહિલા સાંસદો પરના આરોપો: વિપક્ષી મહિલા સાંસદો પર લગાવાયેલા આરોપો પાછા ખેંચવા.
* સાંસદોનું સસ્પેન્શન: વિપક્ષના 8 સાંસદોનું નિલંબન રદ કરવું.
* નિશિકાંત દુબેનો મુદ્દો: ભાજપના સાંસદ નિશિકાંત દુબેને લોકસભામાં બોલવા દેવા સામે વિરોધ.
* રાહુલ ગાંધીને બોલવાની તક: રાહુલ ગાંધીને ગૃહમાં બોલવાની પૂરતી તક ન આપવાનો આરોપ.
સરકારનો પક્ષ: ‘મડાગાંઠ ઉકેલાશે તો જ વાત આગળ વધશે’
સરકારી સૂત્રોએ વિપક્ષના આક્ષેપો પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે કે મહિલા સાંસદો વડાપ્રધાનના આસન તરફ આગળ વધી રહી હતી. સસ્પેન્શન પાછું ખેંચવા પર ચર્ચા ત્યારે જ શક્ય છે જ્યારે સંસદમાં કામકાજ ફરી શરૂ થાય. તેઓ જ્યારે બોલવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે ચેર દ્વારા તેમને પરવાનગી અપાઈ નહોતી અને બાદમાં તેમના ભાષણના વિવાદાસ્પદ અંશો દૂર કરવામાં આવ્યા હતા. સ્પીકરની પરવાનગીથી તેઓ બોલી શકે છે, પરંતુ જો તેઓ ફરી એ જ વિવાદાસ્પદ મુદ્દા ઉઠાવશે તો શું થશે તે એક મોટો પ્રશ્ન છે.
સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ: વિપક્ષમાં જ ફાટાફૂટ?
કોંગ્રેસ દ્વારા સ્પીકર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ લાવવાની ચર્ચા ચાલી રહી છે, પરંતુ વિપક્ષી છાવણીમાં જ આ મામલે એકમતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, TMC અને NCP આ પ્રસ્તાવની તરફેણમાં નથી. મોટાભાગના વિપક્ષી પક્ષો ઈચ્છે છે કે ગૃહ ચાલે જેથી તેઓ જનતા સાથે જોડાયેલા મુદ્દાઓ ઉઠાવી શકે.












