પંકજ ત્રિપાઠીનો એક્ટિંગમાંથી બ્રેક: ‘હવે હું EMI ભરવા માટે કામ નથી કરતો’, એક્ટરે જણાવી દિલની વાત

નવી દિલ્હીઃ 9 ફેબ્રુઆરી, 2026: બોલિવૂડમાં પોતાની શાનદાર એક્ટિંગના દમ પર આગવી ઓળખ ઉભી કરનાર પંકજ ત્રિપાઠી આજે કોઈ ઓળખના મહોતાજ નથી. છેલ્લા કેટલાક વર્ષોમાં સતત સુપરહિટ ફિલ્મો આપ્યા બાદ પંકજ ત્રિપાઠીએ કામમાંથી થોડો બ્રેક લીધો હતો. હવે આ અંગે તેમણે ખુલીને વાત કરી છે અને જણાવ્યું છે કે તેમણે આ નિર્ણય કેમ લીધો.
કેમ લીધો એક્ટિંગમાંથી બ્રેક?
તાજેતરમાં પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, આ નિર્ણય તેમણે પોતાની જાત પ્રત્યે પ્રામાણિક રહીને લીધો છે. સતત ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યા પછી તેમને અહેસાસ થયો કે જે ઉત્સાહ (Excitement) તેમને પહેલા પ્રેરિત કરતો હતો, તે હવે ધીમે-ધીમે ઓછો થઈ રહ્યો હતો. પંકજ ત્રિપાઠીએ કહ્યું, “હું સતત પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યો હતો. મને કંટાળો અને થાક અનુભવાવા લાગ્યો હતો. મને મારા કામમાં મજા નહોતી આવી રહી. એક બ્રેક લેવો ખૂબ જરૂરી હતો. હવે હું ઘણો સિલેક્ટિવ બની ગયો છું. હું એ જ કામ માટે ઘરની બહાર નીકળું છું જે મને અંદરથી ઉત્સાહિત કરે.”
‘હું જીવવા માટે એક્ટિંગ કરું છું, એક્ટિંગ માટે નથી જીવતો’
એક્ટરે વધુમાં ઉમેર્યું કે, “હું જીવનના એવા તબક્કે છું જ્યાં હું માત્ર આર્ટિસ્ટિક સંતોષ માટે એક્ટિંગ કરું છું. હું EMI ભરવા કે માત્ર ગુજરાન ચલાવવા માટે કામ નથી કરી શકતો. મેં લોકોને હંમેશા ‘સ્લો લાઈફ’ જીવવાની સલાહ આપી છે, પણ હું પોતે જ ફાસ્ટ લાઈફમાં ફસાઈ ગયો હતો. હવે હું ધીમી જિંદગી જીવવા માંગુ છું. પ્રેક્ષકોએ પણ રાહ જોવી જોઈએ કે તેમનો આગામી પ્રોજેક્ટ કયો હશે. સતત 30 દિવસ કામ કરવાથી શારીરિક અને માનસિક થાક લાગે છે, જેના કારણે પોતાની સ્પીડ ઓછી કરી દીધી છે.”
વર્ક ફ્રન્ટ: ‘મિર્ઝાપુર’ થી ધમાકેદાર વાપસી
પંકજ ત્રિપાઠી વર્ષ 2025 માં માત્ર ફિલ્મ ‘મેટ્રો… ઈન દિનો’ અને વેબ સિરીઝ ‘ક્રિમિનલ જસ્ટિસ: એ ફેમિલી મેટર’ માં જોવા મળ્યા હતા. હવે તેઓ પ્રોડક્શન ક્ષેત્રે પણ ડગ માંડ્યા છે. પંકજ ત્રિપાઠી તેમની સૌથી લોકપ્રિય ફ્રેન્ચાઈઝી ‘મિર્ઝાપુર ધ મૂવી’ સાથે વાપસી કરશે. આ ફિલ્મ આ વર્ષે 4 સપ્ટેમ્બર ના રોજ રિલીઝ થવાની તૈયારીમાં છે.












