પંચમહાલ : રૂ.500ના દરની 361 નકલી ચલણી નોટ સાથે શખ્સ ઝડપાયો

- મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી
- રૂપિયા 500ના દરની 361 નકલી ચલણી નોટો ઝડપાઇ
- આરોપી નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ
પંચમહાલ એસઓજી અને એલસીબીએ સંયુક્ત ઓપરેશન હાથ ધરીને મોરવા હડફમાંથી 361 જેટલી રૂ.500ની નકલી ચલણી નોટ સાથે એક શખ્સને ઝડપી પાડ્યો છે. ઝડપાયેલો વ્યક્તિ નકલી નોટ ક્યાંથી અને કેવી રીતે લાવ્યો તેને લઈને મોરવા હડફ પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રૂપિયા 500ના દરની 361 નકલી ચલણી નોટો ઝડપાઇ
પોલીસે આપેલી માહિતી મુજબ, પંચમહાલના મોરવા હડફના તાજપુરી વંદેલી ગામ તરફ જતાં આંતરિક માર્ગ ઉપરથી ભારતીય બનાવટની રૂપિયા 500ના દરની 361 નકલી ચલણી નોટો સાથે વિરણીયા ગામના રઘુવિરસિંહ અભેસિંહ ઘોડ નામના શખ્સને મોરવા હડફ પોલીસે ઝડપી પાડ્યો છે. તેની પાસેથી કુલ 1.80 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ મળી આવી છે. પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.
આરોપી નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ શરૂ
સમગ્ર મામલે ડીવાયએસપીએ જણાવ્યું હતું કે, પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપીએ કેટલીક નકલી ચલણી નોટો બજારમાં ઉપયોગ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. આરોપી નકલી ચલણી નોટો ક્યાંથી લાવ્યો તે અંગે પૂછપરછ કરવામાં આવી રહી છે, આ સાથે તેણે નકલી ચલણી નોટો ક્યાં ક્યાં વટાવી છે અને તેનાથી શું ખરીદી કરી છે તે તમામ બાબતની તપાસ શરૂ કરાઈ છે.
આ પણ વાંચો: જામનગર : વધુ એક યુવાન મહારાષ્ટ્રના આકોલાની લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો












