PAK vs BAN: બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો કારમો ધબડકો, માત્ર 114 રનમાં ઓલઆઉટ; નાહિદ રાણાએ 5 વિકેટ ઝડપી મચાવ્યો કહેર

નવી દિલ્હી: 11 માર્ચ, 2026: PAK vs BAN: બાંગ્લાદેશ સામેની પ્રથમ વનડે મેચમાં પાકિસ્તાની બેટિંગ લાઇન-અપ પત્તાના મહેલની જેમ વિખેરાઈ ગઈ છે. ઢાકાના શેર-એ-બાંગ્લા સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં પાકિસ્તાન માત્ર 114 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું છે. બાંગ્લાદેશી બોલરોના શાર્પ એટેક સામે પાકિસ્તાનનો એક પણ દિગ્ગજ બેટ્સમેન ટકી શક્યો નહોતો.
વિકેટોની પાનખર: 41/0 થી 114 ઓલઆઉટ
મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાનની શરૂઆત ઠીક રહી હતી, સાહિબઝાદા ફરહાન (27 રન) અને માઝ સદાકતે 41 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી. પરંતુ આ જોડી તૂટતા જ જાણે વિકેટોની પાનખર શરૂ થઈ ગઈ હતી. એક સમયે પાકિસ્તાનનો સ્કોર 41 રને શૂન્ય વિકેટ હતો, જે જોતજોતામાં 82 રન પર 9 વિકેટ થઈ ગયો હતો.
6.5 ફૂટના બોલર નાહિદ રાણાનો આતંક
બાંગ્લાદેશના 6 ફૂટ 5 ઇંચ લાંબા ફાસ્ટ બોલર નાહિદ રાણા પાકિસ્તાની બેટ્સમેનો માટે કાળ સાબિત થયા હતા. તેમણે માત્ર 7 ઓવરમાં 24 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. નાહિદ રાણાના વનડે કરિયરની આ પ્રથમ ‘ફાઈવ વિકેટ હોલ’ (5 વિકેટ) છે. તેમણે સાહિબઝાદા ફરહાન, માઝ સદાકત, શામિલ હુસૈન, મોહમ્મદ રિઝવાન (10 રન) અને સલમાન આગા (5 રન) જેવી મહત્વની વિકેટો ખેરવી હતી.
ફહીમ અશરફે લાજ બચાવી
જ્યારે 82 રનમાં 9 વિકેટ પડી ગઈ ત્યારે એવું લાગતું હતું કે પાકિસ્તાન 100 રન પણ નહીં કરી શકે. પરંતુ અંતિમ બેટ્સમેન ફહીમ અશરફે 37 રનની લડાયક ઇનિંગ રમીને ટીમને 114 રન સુધી પહોંચાડી હતી.
બાંગ્લાદેશનો નવો ઈતિહાસ
ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે જ્યારે બાંગ્લાદેશે પાકિસ્તાનને વનડે મેચમાં 150 રનથી ઓછા સ્કોરમાં ઓલઆઉટ કર્યું હોય. આ અગાઉ બાંગ્લાદેશ સામે પાકિસ્તાનનો સૌથી ઓછો સ્કોર 161 રનનો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












