સ્વાતંત્ર્ય દિનની ઉજવણીમાં અમરેલી જિલ્લામાં ઉત્કૃષ્ટ કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મયોગીઓનું કરાયું સન્માન

અમરેલી, તા.૧૫ ઓગસ્ટ, ૨૦૨૫: અમરેલી જિલ્લાના વડીયા મુકામે યોજાયેલા જિલ્લા કક્ષાના ૭૯મા સ્વાંતત્ર્ય દિનની ઉજવણીના સમારોહમાં જિલ્લામાં કામગીરી કરનારા અધિકારીઓ અને કર્મયોગીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના શહીદ વીર વિકાસભાઈ ભનુભાઈ ઠુંમરના પરિવારજનોનું પણ જિલ્લા કલેકટરના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.
સન્માન કાર્યક્રમમાં અમરેલી સાંસદ ભરતભાઈ સુતરિયા, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-વડીયા-કુંકાવાવના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા, જિલ્લા વિકાસ અધિકારી પરીમલ પંડ્યા, જિલ્લા પોલીસ વડા સંજય ખરાત, સૂપર ન્યૂમરરિ આઇએએસ – આસિસ્ટન્ટ કલેકટર અતુલ સિંઘ અને અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી પણ જોડાયા હતા.
સન્માન સમારંભમાં જિલ્લાના ઉપસ્થિત રહેલા ૭૦ જેટલા અધિકારી અને કર્મચારી તેમજ ખેલાડીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. અમરેલી જિલ્લા શિક્ષણાધિકારી મનહરસિંહ ગોહિલ સહિત શિક્ષણ કચેરીના કર્મયોગીઓ એવા ૦૮ શિક્ષકો, જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરીના ૦૩ ખેલાડીઓ, અમરેલી વિદ્યાસભાના ૦૫ ખેલાડીઓ, ૦૪ હોમગાર્ડ્ઝ, ધારી વન કચેરીના ૦૫ અધિકારી અને કર્મચારીઓ, જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાના ૦૨ કર્મયોગી, આરોગ્ય તંત્રના ૧૨ કર્મયોગીઓ, મહેસૂલના ૦૩ કર્મયોગીઓ, પંચાયતના ૦૬ અધિકારી-કર્મયોગીઓ, સંકલિત બાળ વિકાસ યોજનાના કર્મયોગીઓ, પ્રાકૃતિક કૃષિ કરતા આત્મા ફાર્મસ એવોર્ડ અન્વયેના ૦૪ કૃષિકારોનું સન્માન કરવામાં આવ્યું હતું.
વધુમાં, અમરેલી ૧૦૮ના એક પાઇલટ અને એક ઇ.એમ.ટી, પોલીસ ઇન્સપેક્ટર, પોલીસ સબ ઇન્સપેક્ટર, આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટર, હેડ કોન્સ્ટેબલ, કોન્સ્ટેબલ સહિત ૧૬ અધિકારી-કર્મયોગીઓનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું. સન્માનિત થનારા અધિકારીઓ, કર્મયોગીઓ, ખેડૂતો, ખેલાડીઓને શિલ્ડ, પ્રમાણપત્ર, મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ રાજ્યની જેલોમાં કેદ બંદીવાનોના બાળકો માટે સરકારે લીધો મહત્ત્વપૂર્ણ નિર્ણય











