અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં બ્લાસ્ટની ઘટનામાં વધુ એકનું મોત, કૂલ મૃત્યુઆંક 10 થયો

અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં આવેલી ફટાકડાની ફેક્ટરીમાં થયેલા ભયાનક વિસ્ફોટ અને આગની દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 10 થયો છે. 95% દાઝી ગયેલા અજય ડામોરનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોશીએ જણાવ્યું કે, દુર્ઘટનામાં કુલ 5 દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં એક મહિલા અને ચાર પુરુષો સામેલ હતા. આ પૈકી 95%થી વધુ દાઝેલા અજય ડામોર વહેલી સવારે સવા બે વાગ્યે સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા છે. હાલમાં 4 લોકો સારવાર હેઠળ છે, જેમાં એક મહિલાની સ્થિતિ અત્યંત નાજુક છે (75% દાઝેલા છે.).
ગરીબ શ્રમિકોનું જીવન હોમાયું
રોજી-રોટીની તલાશમાં આવેલા 10 નિર્દોષ ગરીબ શ્રમિકો આ દુર્ઘટનાનો ભોગ બન્યા છે. ભયંકર વિસ્ફોટ અને આગમાં તેઓ કંકાલ બની ગયા. આ ઘટનાએ સ્થાનિકો અને પીડિત પરિવારોમાં ભારે આક્રોશ જગાવ્યો છે.
સરકારે મૃતકોના પરિવારને 4-4 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે, પરંતુ પીડિતોના પરિવારો સુરક્ષા નિયમોની બેદરકારી અને અધિકારીઓની જવાબદારીની માંગ કરી રહ્યા છે.
સવાલોની વર્ષા
- ફેક્ટરીને ઉત્પાદન અને સંગ્રહની પરવાનગી કોણે આપી?
- ફાયર સેફ્ટીના નિયમોનું પાલન થતું હતું કે નહીં?
- નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) કેવી રીતે મેળવવામાં આવ્યું?
- પોલીસ, ફાયર બ્રિગેડ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ભૂમિકા શું હતી?
દુર્ઘટના બાદ વિવિધ વિભાગો એકબીજા પર દોષારોપણ કરી રહ્યા છે. આ ઘટનાએ ફટાકડા ઉદ્યોગમાં સુરક્ષા ધોરણો અને તેના અમલના મુદ્દાને ફરી એક વાર તીવ્રતાથી ઉઠાવ્યો છે.
પોલીસ અને વહીવટી તંત્રે આ દુર્ઘટનાની વિગતવાર તપાસ કરીને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ પીડિત પરિવારો અને સ્થાનિકો કરી રહ્યા છે.
આ પણ વાંચો: કોકરોચ જનતા પાર્ટીની સંસદ કૂચ: જંતર-મંતર પર 10 હજાર સુરક્ષાકર્મી તૈનાત, પોલીસે લાઠીચાર્જ કર્યો












