અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદના જાણીતા મોલમાં ગંભીર ઘટના: ‘મેક્સ’ શો-રૂમના ચેન્જિંગ રૂમમાં સગીરાનો ઉતાર્યો અશ્લીલ વીડિયો પછી…..

અમદાવાદ 3 ઓક્ટોબર 2025: શહેરના એસજી હાઇવે પર આવેલા પ્રતિષ્ઠિત પેલેડિયમ મોલમાં ગ્રાહકોની સુરક્ષા પર ગંભીર સવાલ ઊભા કરે તેવી એક સનસનીખેજ ઘટના સામે આવી છે. મોલમાં આવેલા ‘મેક્સ’ (Max) કપડાંના શો-રૂમના ચેન્જિંગ રૂમમાં એક યુવકે ૧૪ વર્ષીય સગીરાના કપડાં બદલતા સમયનો અશ્લીલ વીડિયો ઉતાર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે.

કપડાં બદલતી વખતે ફ્લોર પર પડેલા મોબાઈલે ખોલ્યો ભાંડો

આ ઘટના ગત ૧ ઓક્ટોબરના રોજ બની હતી. સેટેલાઇટ વિસ્તારમાં રહેતી એક ૪૨ વર્ષીય મહિલા તેમના પતિ અને સગીર પુત્રી સાથે મોલમાં ખરીદી કરવા ગયા હતા. ‘મેક્સ‘ શો-રૂમમાંથી ખરીદેલા કપડાં ટ્રાય કરવા માટે તેમની પુત્રી ચેન્જિંગ રૂમમાં ગઈ હતી. જ્યારે સગીરા કપડાં બદલી રહી હતી, ત્યારે તેની નજર અચાનક ચેન્જિંગ રૂમના ફ્લોર પર નીચે પડેલા એક મોબાઈલ ફોન પર પડી હતી.

સગીરા ગભરાઈને તે મોબાઈલ ફોન લઈને બહાર આવી અને સમગ્ર વાતની જાણ પોતાની માતાને કરી. માતાએ જ્યારે તે ફોન તપાસ્યો, ત્યારે તે ચોંકી ઊઠી હતી. મોબાઈલ ફોનના ગેલરીમાં તેમની સગીર દીકરીના કપડાં બદલતા હોય તેવા ચાર જેટલા અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા. આ ગંભીર કૃત્ય સામે આવતા તાત્કાલિક શો-રૂમના મહિલા મેનેજરને બોલાવીને ઘટનાની જાણ કરવામાં આવી હતી.

આરોપી ઝડપાયો, POCSO એક્ટ હેઠળ ગુનો

આ બનાવ બાદ તરત જ ઓઢવમાં રહેતો રવિ સુરેશભાઈ પ્રજાપતિ નામનો યુવક પોતાનો મોબાઈલ ફોન લેવા માટે ચેન્જિંગ રૂમ પાસે દોડી આવ્યો હતો. જ્યારે તેને વીડિયો અંગે પૂછવામાં આવ્યું, ત્યારે તેણે દાવો કર્યો કે મોબાઈલ ભૂલથી નીચે પડી ગયો હતો અને તેણે કોઈ વીડિયો બનાવ્યા નથી. જોકે, મોબાઈલમાંથી વીડિયો સ્પષ્ટપણે મળી આવતા સગીરાની માતાએ તાત્કાલિક વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં આરોપી રવિ પ્રજાપતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદને આધારે મોબાઈલ ફોન કબજે કર્યો છે અને આરોપી યુવક વિરુદ્ધ જાતીય ગુનાઓથી બાળકોનું રક્ષણ અધિનિયમ (POCSO Act) હેઠળ ગુનો નોંધીને તેની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી યુવક એક કાર કંપનીના શો-રૂમમાં નોકરી કરે છે. હાલમાં તે પેલેડિયમ મોલમાં કયા કારણોસર આવ્યો હતો, તે જાણવા માટે સીસીટીવી ફૂટેજની સઘન તપાસ સહિતની વધુ કાર્યવાહી ચાલી રહી છે.

આ ગંભીર ઘટનાએ રાજ્યના મોલમાં યુવતીઓ અને સગીરાઓની સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે અને મોલ મેનેજમેન્ટની ચેન્જિંગ રૂમની વ્યવસ્થા પર સવાલો ઉઠાવ્યા છે.

આ પણ વાંચો: હિમાચલમાં બે ભાઈઓએ એક જ યુવતી સાથે લગ્ન કર્યા હતા, એક ભાઈ ગયો વિદેશ; પત્નીને કરી મિસ

Back to top button