
અમદાવાદ 16 જાન્યુઆરી 2026: શહેરના એલિસબ્રિજ વિસ્તારમાં સ્થિત વર્ષો જૂની વી.એસ. હોસ્પિટલના અસ્તિત્વને લઈને ચાલી રહેલી કાનૂની લડાઈમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ને મોટી સફળતા મળી છે. ગુજરાત હાઈકોર્ટે AMC ની અરજીને ગ્રાહ્ય રાખતા હવે હોસ્પિટલમાં પથારીની સંખ્યા 507 થી ઘટાડીને માત્ર 200 કરી દેવામાં આવશે. આ ફેરફાર હંગામી ધોરણે કરવામાં આવ્યો છે.
જર્જરિત હાલત અને સુરક્ષાનો પ્રશ્ન
AMC દ્વારા હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવેલા સોગંદનામામાં હોસ્પિટલની ગંભીર સ્થિતિના ફોટોગ્રાફ્સ અને સ્ટ્રક્ચરલ એન્જિનિયરના રિપોર્ટ્સ રજૂ કરવામાં આવ્યા હતા. આ રિપોર્ટમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, હોસ્પિટલની મુખ્ય ઈમારતો જેવી કે ચિનાઈ મેટરનિટી અને ટાગોર ઈમારત અત્યંત જર્જરિત થઈ ગઈ છે. વોર્ડ નંબર 1 થી 6 માં જોખમી સ્થિતિ હોવાથી ત્યાં દર્દીઓને રાખવા સુરક્ષિત નથી. તંત્રએ દલીલ કરી હતી કે મરામતની કામગીરી દરમિયાન દર્દીઓને યોગ્ય સુવિધા અને સલામતી આપવી અશક્ય છે.
AMC ની ખાતરી અને નેશનલ મેડિકલ એસોસિએશનની સંમતિ
આ સમગ્ર પ્રક્રિયા માટે નેશનલ મેડિકલ એસોસિએશન (NMC) દ્વારા પણ સંમતિ આપવામાં આવી છે. AMC એ હાઈકોર્ટને ખાતરી આપી છે કે આ ઘટાડો કાયમી નથી. આગામી બે વર્ષની અંદર જર્જરિત ભાગોનું સમારકામ અને નવીનીકરણ પૂર્ણ કરી દેવામાં આવશે અને ત્યારબાદ ફરીથી 507 પથારીઓની ક્ષમતા સાથે હોસ્પિટલ સંપૂર્ણપણે કાર્યરત થઈ જશે.
દર્દીઓ પર પડશે અસર
વી.એસ. હોસ્પિટલ દાયકાઓથી ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓ માટે સસ્તું અને સારું સારવાર કેન્દ્ર રહી છે. પથારીની સંખ્યામાં અડધાથી વધુનો ઘટાડો થતા આગામી સમયમાં દર્દીઓના ભારણમાં વધારો થવાની શક્યતા છે. જોકે, તંત્રનું કહેવું છે કે જૂની ઈમારતમાં અકસ્માતનો ભય હોવાથી આ કડક નિર્ણય લેવો અનિવાર્ય હતો.
આ પણ વાંચો: અમદાવાદમાં ડોક્ટરના બંધ બંગલામાં રૂ. 1.47 કરોડની ધરખમ ચોરી, તસ્કરો CCTVનું DVR પણ લઈ ગયા












