હવે વપરાયેલા ખાદ્ય તેલથી ઉડાન ભરશે વિમાન, ઇન્ડિયન ઓઇલને મળી મોટી મંજૂરી

નવી દિલ્હી, 19 ઓગસ્ટ, 2025: સામાન્ય રીતે લોકો ખરાબ કે વપરાશ કરેલા ખાદ્ય તેલને ફેંકી દે છે પરંતુ હવે આ તેલનો ઉપયોગ હવાઇ જહાજ ઉડાડવા માટે કરાશે. દેશની સૌથી મોટી રિફાઇનીંગ અને ઇંધણ માર્કેટીંગ કંપની ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC)ને તેની મંજૂરી મળી ગઇ છે. હરિયાણાના પાણીપત સ્થિત રિફાઇનરીને સસ્ટેનેબલ એવિયેશન ફ્યૂઅલ (SAF)બનાવવા માટે આંતરરાષ્ટ્રીય પ્રમાણપત્ર મળ્યુ છે, આ પ્રકારનું પ્રમાણપત્ર મેળવનારી આઇઓસી ભારતની પહેલ કંપની બની ગઇ છે.
આ માન્યતા ISCC CORSIA (ICAO) દ્વારા આપવામાં આવી છે. આઇઓસીના ચેરમેન અરવિંદર સિંહ સાહનીએ કહ્યુ કે કંપનીને આશા છે કે પાણીપત રિફાઇનરીમાંથી ચાલુ વર્ષે ડિસેમ્બર સુધીમાં ખાદ્ય તેલનો ઉપયોગ કરીને તે તેલથી વિમાનનું ઇંધણ બનાવવાનું શરૂ થઇ જશે.
કેટલું ઇંધણ ઉત્પન્ન થશે?
ઇન્ડિયન ઓઇલનો અંદાજ છે કે વર્ષના અંત સુધીમાં વપરાયેલા તેલમાંથી દર વર્ષે 35,000 ટન ઉડ્ડયન બળતણ ઉત્પન્ન કરવાની ક્ષમતા વિકસાવવામાં આવશે. આ માટે, મોટી હોટલો, રેસ્ટોરન્ટસ અને હલ્દીરામ જેવી મોટી ફૂડ ચેઇનમાંથી નકામુ તેલ એકત્રિત કરવામાં આવશે. આ તે જ તેલ છે જે એકવાર તળ્યા પછી અને રાંધ્યા પછી ફરીથી ઉપયોગમાં લેવાતું નથી.
IOC ચેરમેન કહે છે કે વપરાયેલું તેલ દેશમાં પૂરતી માત્રામાં ઉપલબ્ધ છે. વાસ્તવિક પડકાર તેને નાના શહેરો અને નગરોમાંથી એકત્રિત કરવાનો છે. આ માટે એક ખાસ સિસ્ટમ વિકસાવવામાં આવી રહી છે.
ટકાઉ ઇંધણ શું છે?
ટકાઉ ઉડ્ડયન ઇંધણ (SAF) એક વૈકલ્પિક બાયોફ્યુઅલ છે જે પરંપરાગત જેટ ઇંધણ કરતાં ઘણું ઓછું કાર્બન ઉત્સર્જન કરે છે. તે પેટ્રોલિયમ સ્ત્રોતોને બદલે વપરાયેલા રસોઈ તેલ, કૃષિ અવશેષો અને અન્ય બાયો-કચરામાંથી ઉત્પન્ન થાય છે. તેને સ્વીકારવાથી ઉડ્ડયન ઉદ્યોગના કાર્બન ફૂટપ્રિન્ટને ઘટાડવામાં મદદ કરશે.
પરંપરાગત ઉડ્ડયન ટર્બાઇન ઇંધણમાં પચાસ ટકા સુધી ટકાઉ બળતણ મિશ્રિત કરી શકાય છે. 2027 સુધીમાં, ભારત સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે વેચાતા ઇંધણમાં 1 ટકા ટકાઉ ઇંધણ ભેળવવાનું ફરજિયાત બનાવ્યું છે, જેથી ઉડ્ડયન ક્ષેત્રને વધુ ટકાઉ અને હરિયાળું બનાવી શકાય. સાહની કહે છે કે યુરોપ પહેલાથી જ ટકાઉ હવાઈ ઇંધણ ફરજિયાત બનાવી ચૂક્યું છે. આવી સ્થિતિમાં, યુરોપિયન એરલાઇન્સ જ્યારે ભારત આવે છે ત્યારે ઇન્ડિયન ઓઇલના ટકાઉ ઇંધણના પ્રથમ સંભવિત ખરીદદારો બની શકે છે.












